Congress governor letter

ગુજરાત કોંગ્રેસ(Gujarat congress) દ્વારા વાવાઝોડાના કારણે થયેલ નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ

ગાંધીનગર, 27 મેઃGujarat congress: રાજ્‍યમાં તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડાને કારણે થયેલ વિવિધ પ્રકારની નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને થયેલ ખરેખર નુકસાનીનું સંપૂર્ણ વળતર સત્વરે ચૂકવાય તેવી કાર્યવાહી કરાવવા બાબતે ગુજરાત કોંગ્રેસ(Gujarat congress)ના નેતાઓએ ગુજરાતના રાજ્યપાલને ચાર પાનાનો પત્ર લત્ર લખ્યો. જે નીચે મુજબ છે.

પ્રતિ,
મહામહિમ રાજ્યપાલશ્રી,
ગુજરાત રાજ્‍ય,
રાજભવન, ગાંધીનગર.
વિષય :-​રાજ્‍યમાં તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડાને કારણે થયેલ વિવિધ પ્રકારની નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને થયેલ ખરેખર નુકસાનીનું સંપૂર્ણ વળતર સત્વરે ચૂકવાય તેવી કાર્યવાહી કરાવવા બાબત…

માનનીય રાજ્‍યપાલશ્રી,
અરબી સમુદ્રમાંથી ઉદ્‌ભવેલ તૌકતે વાવાઝોડું તા. ૧૭-પ-ર૦ર૧ના રોજ દક્ષિણ અને સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે પ્રતિ કલાક અંદાજીત ૨૧૦ કિ.મી.ની અતિ તીવ્રતાથી ત્રાટકેલ અને જેનું કેન્દ્ર અમરેલી જીલ્લાના જાફરાબાદ અને ગીર-સોમનાથ જીલ્લાના ઉના વચ્ચે નોંધાયેલું હતું તેમજ અંદાજીત ૧૦૦ કિ.મી.ની ત્રિજ્યામાં સતત ૧૨ કલાક ઉપરાંત ભયાનક પવનના સુસવાટા વચ્ચે અતિભારે વરસાદ પડવાના કારણે સૌરાષ્‍ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, બોટાદ સહિતના જિલ્લાઓ અતિશય પ્રભાવિત થયેલ છે અને અત્‍યંત તારાજી સર્જી છે. અસરગ્રસ્‍ત જિલ્લાઓ અને ખાસ કરીને દરિયાઈ તટવાળા જિલ્લાઓમાં ખૂબ જ નુકશાન થયેલ છે. રાજ્‍યના અન્‍ય જિલ્લાઓમાં પણ વાવાઝોડાને કારણે વત્તાઓછા પ્રમાણમાં નુકસાની નોંધાઈ છે. તૌકતે વાવાઝોડાની ભયાનકતા તથા કસમયે પડેલ ભારે વરસાદના કારણે રાજ્‍યના ખેડૂતો, માછીમારો, માલધારીઓ સહિત નાના-મોટા ઉદ્યોગ ધંધા તેમજ મોટી સંખ્‍યામાં નાગરિકો બેહાલ થઈ ગયેલ છે. આ વાવાઝોડાના કારણે ખાસ કરીને ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેસર કેરી, નાળિયેર, ચીકુ, લીંબુ, જામફળ અને કેળા સહિતના બાગાયતી પાક તેમજ તલ, બાજરી, જુવાર, અડદ, મગ અને મગફળી સહીત ઉનાળુ પાકનો સંપૂર્ણપણે સફાયો થઈ જતાં ખેડૂતો પાયમાલ થઈ ગયેલ છે.

Advertisement
Gujarat congress


ઉપર મુજબ છેલ્લા ૧૦૦ વર્ષના અતિવિનાશક એવા તૌકતે વાવાઝોડાથી અતિપ્રભાવિત જીલ્લાઓ સહીત સમગ્ર રાજ્યમાં અંદાજીત ૭૦ લાખ જેટલા બાગાયતી વૃક્ષો સંપૂર્ણ નાશ પામવાથી અને ગંભીર નુકશાનીના કારણે લગભગ રૂપિયા ૭,૦૦૦ કરોડ તેમજ ખેતરમાં ઉભેલા ઉનાળું કૃષિ પાકોથી અંદાજીત રૂપિયા ૪૦૦ કરોડ જેટલી ભારે મોટી નુકશાનીનો બોજ જગતના તાત સમાન ખેડૂતો ઉપર પડેલ છે, ઉપરાંત અતિપ્રભાવિત એવા ભાવનગર જીલ્લાના ઘોઘા બંદર થી લઈને ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ સુધીના સમુદ્રકાંઠે નાના-મોટા દરેક બંદરોની જેટીઓને ક્ષતિ પહોચી છે તેમજ સાગરખેડું એવા માછીમારોની અંદાજીત ૧,૦૦૦ જેટલી બોટ, ટગ અને જહાજોએ જળ સમાધિ લીધી છે અથવાતો ગંભીર પ્રકારની નુકશાનીના કારણે લગભગ રૂપિયા ૫૦૦ કરોડથી વધુનું નુકશાન વેઠવું પડેલ છે તેમજ સમુદ્રકાંઠે સતત ધમધમતા અને સ્થાનિક લોકોને રોજગાર પૂરું પાડતા અસંખ્ય ઔદ્યોગિક એકમો અને ગોદામો સહીત નાના-મોટા વ્યવસાયકારોને લગભગ રૂપિયા ૫,૦૦૦ કરોડથી વધુનું નુકશાન વેઠવું પડેલ છે અને સમુદ્રકાંઠે પાંગરેલા મીઠા ઉદ્યોગને પણ અંદાજીત રૂપિયા ૧૦૦ કરોડ જેટલું નુકશાન સહીત રાજ્યમાં અંદાજીત ૧ લાખ કરતા વધુ પરિવારોને પોતાના મકાન તૂટી જવાથી, ઘરવખરીને ભારેમોટું નુકશાન થવાથી અને દુધાળા પશુઓના મૃત્યું સહીતની અન્ય નુકશાનીના કારણે અંદાજીત રૂપિયા ૨,૦૦૦ કરોડનો બોજ ગરીબ, મજુર અને સામાન્ય માણસ ઉપર પડેલ છે.
આમ, છેલ્લા ૧૦૦ વર્ષના અતિવિનાશક એવા તૌકતે વાવાઝોડાથી અતિપ્રભાવિત જીલ્લાઓ સહીત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારે અંદાજીત કુલ રૂપિયા ૧૫,૦૦૦ કરોડ થી વધુનું ભારેમોટું નુકશાન થયું હોવા છતાંયે માન. પ્રધાનમંત્રીશ્રીએ હવાઈ નિરીક્ષણ કરી અને માત્ર રૂપિયા ૧,૦૦૦ કરોડનું જાહેર કરેલું પેકેજ એ ગુજરાતને હળાહળ અન્યાય સમાન છે તેમજ માન. મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવાને બદલે હાલ બાંધકામ સામગ્રીની સતત વધતી કિમતો વચ્ચે કાચા-પાકા મકાનોના સંપૂર્ણ નુકશાન પેટે રૂપિયા ૯૫,૧૦૦ તેમજ અંશતઃ નુકશાન પેટે રૂપિયા ૨૫,૦૦૦ અને ઝુપડાઓના નુકશાન પેટે માત્ર રૂપિયા ૧૦,૦૦૦ની સહાય જાહેર કરી અને ગરીબોની મજાક ઉડાવવાનું કામ કરેલ છે. ઉપરાંત સમગ્ર રાજ્યમાં ખેડૂતોને બાગાયત તેમજ ઉનાળું કૃષિપાકો પેટે અંદાજીત કુલ રૂપિયા ૭,૫૦૦ કરોડથી વધુનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે એવા સમયે રાજ્ય સરકારે માત્ર રૂપિયા ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરી અને ભાજપની ખેડૂત વિરોધી માનસિકતા છતી કરેલ છે ત્યારે વાવાઝોડાથી વિવિધ રીતે અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા માટે નીચે મુજબના સત્વરે પગલાઓ ભરવા માટે આપના મારફતે સુતેલી સરકારને વિનંતી કરીએ છીએ.

(૧) સ્‍થળાંતર કરેલ લોકોને સહાય
વાવાઝોડાના કારણે દરિયાકાંઠા વિસ્‍તારમાંથી તથા અન્‍ય વિસ્‍તારોમાંથી અનેક લોકોનું સ્‍થળાંતર કરી શેલ્‍ટર હોમમાં કે અન્‍ય જગ્‍યાએ રાખવામાં આવેલ છે તેવા હજારો અસરગ્રસ્‍ત પરિવારો પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે તેઓને એક માસ સુધી પરિવારદીઠ દૈનિક રૂ. ૧,૦૦૦/- લેખે કેશડોલ્‍સની ચુકવણી કરવી જોઈએ.

(૨) ઘરવખરી સહાય
સૌરાષ્‍ટ્ર તથા દરિયાકાંઠા વિસ્‍તારમાં આવેલ જિલ્લાઓમાં ભારે પવનના કારણે મોટી સંખ્‍યામાં કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓને નુકસાન થયેલ છે અને નાશ પામેલ છે. આવા ઝૂંપડાઓ અને કાચા-પાકા મકાનો તૂટી જવાના કારણે તેમાં રહેલ ઘરવખરીનો સામાન ભારે પવનના કારણે ઉડી ગયેલ છે તેમજ બચેલ સામાન વરસાદ પડવાથી પલળીને નાશ પામેલ છે. કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓ જમીનદોસ્‍ત થયેલ છે તેવા અસરગ્રસ્‍ત પરિવારોને કપડા અને ઘરવખરી સહાય પેટે તાત્‍કાલિક રૂ. ૨૫,૦૦૦ ચૂકવવા જોઈએ.

Advertisement
Gujarat congress

(૩) મકાન સહાય
રાજ્‍ય સરકાર દ્વારા સંપૂર્ણ નાશ પામેલ કાચા-પાકા મકાનો માટે રૂ. ૯૫,૧૦૦ની સહાય જાહેર કરવામાં આવી છે, જે ખૂબ જ અપૂરતી છે. ઓછી સહાય જાહેર થવાના કારણે ગરીબ વર્ગના લોકોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્‍યો છે. રાજ્‍ય સરકાર દ્વારા સંપૂર્ણ નાશ પામેલ મકાનો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દરેક પરિવારને ઓછામાં ઓછી રૂ. ૨.૫૦ લાખની સહાય જાહેર કરવી જોઈએ.

(૪) ખેડૂતોના ઉભા પાકને થયેલ નુકસાની અંગે સહાય
ભારે પવન તથા વાવાઝોડું અને વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાક જેવા કે, તલ, બાજરી, જુવાર, અડદ, મગ, મગફળી સહીત શાકભાજી વિગેરે ખેતરમાં તૈયાર થઈ ગયેલા કૃષિપાકો સંપૂર્ણપણે નાશ પામવાના કારણે અંદાજીત રૂ. ૪૦૦ કરોડ કરતા વધુનું નુકશાન થયેલ છે તેમજ માર્કેટ યાર્ડ બંધ હોવાથી જે ખેડૂતોની ખેતી જણસ ઘરમાં હતી અને તે ભારે વરસાદથી પલળી ગયેલ છે માટે નિમ્નસૂચિત કુદરતી આપત્તિઓના કારણે થતા વિવિધ પ્રકારના નુકશાન અંગે નાણાંકીય સહાયની ચુકવણી મર્યાદા વધારવાની માંગણી મુજબ સુધારેલા સહાયના ધોરણો અનુસાર તેવા ખેડૂતોને તાત્‍કાલિક નુકસાની વળતર ચૂકવવું જોઈએ અને વાવાઝોડાથી નુકશાનગ્રસ્ત ડ્રીપઈરીગેશન સીસ્ટમને પુનઃ સબસીડી સાથે કાર્યરત કરાવવી જોઈએ.
રાજ્‍યનો ખેડૂત કોરોના મહામારી અને ત્‍યારબાદ વાવાઝોડાને કારણે આર્થિક મુશ્‍કેલીમાં સપડાયો છે અને આત્‍મહત્‍યાના બનાવો વધી રહ્‌યા છે ત્‍યારે ખેડૂતોએ સહકારી મંડળી, કૃષિ બેંક, રાષ્‍ટ્રીયકૃત બેંક વગેરે સંસ્‍થાઓમાંથી લીધેલ ટુંકી, મધ્યમ અને લાંબા ગાળાની લોન/ધિરાણ તાત્‍કાલિક માંડવાળ કરવા અને આગામી વર્ષ માટે નવી લોન/ધિરાણ આપવું જોઈએ.

(૫) બાગાયતી પાકને થયેલ નુકસાની અંગે સહાય
ખેડૂતોના આંબા, નાળિયેરી, કેળા, જાંબુ, પપૈયા, ચીકુ, દાડમ, ખારેક વિગેરે બાગાયતી પાક સંપૂર્ણપણે નાશ પામેલ છે. બાગાયતી પાકોમાં ખાસ કરીને આંબા, નાળીયેરી અને કેળના પાક સાથે વાવાઝોડાના કારણે ઝાડ ૧૦૦% તૂટી પડેલ છે. અસરગ્રસ્ત જીલ્લાઓમાં આંબા (કેરી), નાળિયેર, કેળા, ચીકુ, મોસંબી-સંતરા, બોર, જામફળ, લીંબુ, દાડમ, ખજૂર, પપૈયા, આમળા વિગેરે બાગાયતી પાકોના વર્ષોથી ઉછેર કરેલ અંદાજે ૭૦ લાખ ઝાડ મૂળમાંથી ઉખડી/તુટી ગયા છે. જેના કારણે બાગાયતી પાક પકવતા ખેડૂતોને સરેરાશ ઝાડ દિઠ માત્ર રૂ.૧૦,૦૦૦ લેખે નુકશાન ગણવામાં આવે તો પણ બાગાયતી પાકને અંદાજે રૂ.૭,૦૦૦ કરોડનું નુકશાન થયું છે.
ઝાડ નાશ થવાની નુકશાનીનું સંપૂર્ણ વળતર તાત્‍કાલિક ચુકવવું જોઈએ. બાગાયતી પાક કેરી પર નભતા ખેડૂતોને થયેલ નુકસાન અન્‍વયે ૧૦ વર્ષના આંબાની કેરીની આવક પ્રતિ વર્ષ આંબાદીઠ ૭૦૦ કિલો x રૂ. ૪૦ પ્રતિ કિલો ભાવ ગણતાં કુલ રૂ. ૨૮,૦૦૦ એક આંબાદીઠ કમાણી થાય છે. એટલે ૧૦ વર્ષની કમાણી ૧૦ વર્ષ x રૂ. ૨૮,૦૦૦ પ્રતિ વર્ષ = કુલ રૂ. ૨,૮૦,૦૦૦ થાય, જે મુજબ સહાય ચૂકવવાની થાય. નાળિયેરીની વાવણી અને નિભાવણી ખર્ચના રૂ. ૩૦૦૦ તેમજ સરેરાશ ૧૦ વર્ષની ઉપજ નુકશાનીના રૂ. ૩૦,૦૦૦ મુજબ કુલ રૂ. ૩૩,૦૦૦ પ્રતિ એક નાળિયેરી લેખે ખેડૂતોને થયેલ નુકસાન અન્‍વયે સહાય ચૂકવવાની થાય. વાવાઝોડાને કારણે પડી ગયેલ આંબાના ઝાડ દીઠ રૂ. ૨,૮૦,૦૦૦ તથા નાળિયેરી દીઠ રૂ. ૩૩,૦૦૦ની સહાય તાત્‍કાલિક ચૂકવવી જોઈએ.

Advertisement
Whatsapp Join Banner Guj


​હાલ રાજ્ય સરકારના મહેસુલ વિભાગના તા.૨૭/૦૪/૨૦૧૫ના ઠરાવ ક્રમાંક સીએલએસ/૧૦૨૦૧૨/૨૫૩/સ૩ મુજબ કુદરતી આપતીઓના કારણે થતા માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ઈજા તેમજ સ્થાવર અને જંગમ મિલકતને થતા નુકશાન માટે નાણાકીય સહાય ચૂકવવાના સંકલિત ધોરણોમાં નિમ્નસૂચિત કુદરતી ઓના કારણે થતા વિવિધ પ્રકારના નુકશાન અંગે નાણાંકીય સહાયની ચુકવણી મર્યાદા વધારવાની માંગણી મુજબ સત્વરે સુધારો કરવો જોઈએ અને હાલ રાજ્ય સરકારના મહેસુલ વિભાગના તા.૨૩/૦૫/૨૦૨૧ના ઠરાવ ક્રમાંક સીએલએસ/૧૦૨૦૨૧/૪૭૪/સ૩ મુજબ તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં નુકશાની અંગે ખાસ કિસ્સા તરીકે સહાયના ધોરણો માટેના ઠરાવમાં તમામ બાગાયતી પાકોની નુકશાનીનું વળતર ચુકવવા અંગેનો સમાવેશ કરવો જોઈએ તેમજ હાલ રાજ્ય સરકારના મહેસુલ વિભાગના તા.૧૨/૦૧/૨૦૨૧ના જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનવસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિનિયમ-૨૦૧૩ હેઠળ વૃક્ષોની કિંમત નક્કી કરવા અંગેના પરિપત્ર મુજબ બાગાયતી પાકના વિવિધ ફળાઉ ઝાડ અંગે નિમ્નસૂચિત કુદરતી આપત્તિઓના કારણે થતા વિવિધ પ્રકારના નુકશાન અંગે નાણાંકીય સહાયની ચુકવણી મર્યાદા વધારવાની માંગણી મુજબ વળતર ચુકવવું જોઈએ.

(૬) માછીમારી ઉદ્યોગને થયેલ નુકસાની સહાય
ભારે પવનના કારણે માછીમારોની બોટ દરિયામાં તણાઈ ગયેલ છે, ડૂબી ગયેલ છે અને અંદાજીત ૧,૦૦૦ જેટલી બોટો સહીત માછીમારીના સાધનોને અંદાજીત રૂ. ૫૦૦ કરોડ કરતા પણ વધારેનું નુકસાન થયેલ છે, તેવી બોટોને તથા માછીમારીના સાધનોને થયેલ નુકશાનીનું પૂરેપુરુ વળતર ચુકવવું જોઈએ, બોટ રીપેર કરવા અને સાધનો ખરીદવા માટે સહાય ચૂકવવી જોઈએ અને તમામ માછીમારો હાલ માછીમારી કરી શકે તેવી સ્‍થિતિમાં ન હોવાથી તેઓને દૈનિક ધોરણે કેશડોલ્‍સની ચુકવણી કરવી જોઈએ.

(૭) પશુધન અને માનવ મૃત્‍યુ સહાય
ભારે વાવાઝોડામાં પવનના કારણે વૃક્ષ પડવા, દિવાલ પડવા કે અન્‍ય કારણોસર માનવ અને પશુઓના અકુદરતી રીતે મૃત્‍યુ પણ થયેલ છે. અમુક કિસ્‍સામાં ગૌશાળાની દિવાલ પડતા મોટી સંખ્‍યામાં ગાય માતાઓના મૃત્‍યુ નોંધાયા છે. પશુ મૃત્યુ અંગેનો સર્વે સમયસર હાથ ન ધરાતાં પશુ માલિકોએ નાછુટકે મૃત પશુનો નિકાલ કરવાની ફરજ પડેલ છે, સર્વે પહેલાં મૃત પશુનો નિકાલ કરેલ હોઈ તેવા કિસ્સાઓમાં સ્થાનિક સરપંચ અને તલાટી મંત્રીશ્રીના રોજકામના આધારે તેમજ માનવ તથા પશુઓના થયેલ મૃત્‍યુ અંગે નિમ્નસૂચિત કુદરતી આપત્તિઓના કારણે થતા વિવિધ પ્રકારના નુકશાન અંગે નાણાંકીય સહાયની ચુકવણી મર્યાદા વધારવાની માંગણી મુજબ નિયમોનુસાર મૃત્‍યુ સહાય ચુકવવી જોઈએ.

Advertisement

(૮) ઉદ્યોગ-વેપાર-ધંધાને થયેલ નુકસાની સહાય
તૌકતે વાવાઝોડાએ ઉદ્યોગ વેપારને પણ ભારે નુકસાની પહોંચાડી છે. નાના-મોટા કારખાનાઓ, શેડ, ગોડાઉન, ઈંટોના ભઠ્ઠા, જીનીંગ મિલ, મીઠાના અગરો, નાના-મોટા દુકાનદારો, લારી-ગલ્લા ધારકો વગેરેને ભારે પવન અને વરસાદથી મોટી નુકસાની થયેલ છે. આવા ધંધાર્ધીઓને થયેલ નુકસાનનો તાત્‍કાલિક સર્વે કરાવી તેમને નવી સાધન-સામગ્રી ખરીદવા માટે વગર વ્યાજે લાંબા ગાળાની લોન/ધિરાણ આપવું જોઈએ.
વાવાઝોના કારણે અસરગ્રસ્ત જીલ્લાઓમાં આવેલ સરકારી સાહસો અને ખાનગી કંપનીઓ જેવી કે પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ, જીએસસીએલ, સીન્ટેક્ષ કોટન, નર્મદા સીમેન્ટ, સેન્ટ્રલ ગર્વનમેન્ટ વેરહાઉસીંગ, રામ લોજીસ્ટીક, એલ.સી.એલ. લોજીસ્ટીક, કણકેશ્વરી એન્ટરપ્રાઈઝ, રીલાયન્સ શિપયાર્ડ, સ્વાન એનર્જી વગેરે કંપનીઓમાં અંદાજે ૫,૦૦૦ કરોડનું નુકસાન થયું છે, આવી કંપનીઓને ઉભી થતાં સમય લાગશે જેના કારણે સ્થાનિકોને રોજગારી સહિતની અનેક સમસ્યાઓ સર્જાવાની શક્યતાઓ છે ત્યારે સંબંધિત દરેક વીમા કંપનીઓ તાત્કાલિક સર્વે હાથધરી અને સંપૂર્ણ વિમાની રકમ સત્વરે અસરગ્રસ્તોને ચૂકવાય તે માટે સરકારે સક્રિય દરમ્યાનગીરી કરવી જોઈએ.

ADVT Dental Titanium

(૯) વીજળીની સમસ્યા
ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજળીના થાંભલાઓ તથા ટ્રાન્‍સફર્મર ભારે વાવાઝોડા અને વરસાદના કારણે જમીનદોસ્‍ત થઈ ગયેલ છે, જેનાથી દરિયાઈપટ્ટીના અસરગ્રસ્‍ત જિલ્લાઓમાં અંધારપટ છવાઈ ગયેલ છે, વીજળીના અભાવે ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં મોટા પ્રમાણમાં વિવિધ પ્રશ્નો ઉપસ્‍થિત થયા છે. વાવાઝોડાને દસ દિવસ કરતા વધુ સમય થયો હોવા છતાં આજદિન સુધી વીજપુરવઠો પુનઃ ચાલુ કરી શકાયો નથી, જેના કારણે નાગરિકો અને પશુઓને પીવાના પાણી, અનાજ દળવા સહિત જેવી જીવનજરૂરિયાતની વસ્‍તુઓ માટે સમસ્‍યાઓ ઉભી થઈ છે, જેથી વીજપુરવઠો પૂર્વવત્‌ ચાલુ થાય તે માટે સમગ્ર રાજ્યના ઈજનેરો સહિતની વધારાની ટીમો પાસે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરાવવી જોઈએ અને હાલ વીજપુરવઠો પૂર્વવ્રત ચાલુ ના થાય ત્યાં સુધી ગામદીઠ હંગામી ધોરણે મોબાઈલ જનરેટર સેટ ઉપલબ્ધ કરાવવા જોઈએ.

(૧૦) વાહનવ્યવહાર અને માર્ગ મરામતની સમસ્યા
રાજય ધોરીમાર્ગ અને ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ ઉપર ભારેખમ વૃક્ષો પડી જતાં વાહનવ્‍યવહાર ખોરવાઈ ગયેલ છે. રાજય ધોરીમાર્ગ તથા ગ્રામ્‍ય વિસ્‍તારોના ગાડા માર્ગ વિગેરે ભારે વરસાદના કારણે તૂટી ગયેલ છે તથા વૃક્ષો પડી જતા રસ્‍તાઓ સદંતર બંધ થઈ ગયેલ છે, સદર રસ્‍તાઓનું સમારકામ તાત્‍કાલિક કરાવવું જોઈએ અને તાત્‍કાલિક વાહનવ્‍યવહારલાયક કરાવવા જોઈએ.

Advertisement

(૧૧) પીવાના પાણીની સમસ્‍યા
ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજળી ન હોવાના કારણે નાગરિકો અને પશુઓ માટે પીવાના પાણીના વિકટ પ્રશ્નો ઉભા થયા છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજળી પુનઃ ચાલુ ન થાય ત્‍યાં સુધી પીવાના પાણી માટે અન્‍ય વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવી જરૂરી હોય, સમગ્ર રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકા હસ્તકના મહત્તમ પાણીના ટેન્કરો હંગામી ધોરણે અતિઅસરગ્રસ્ત વિસ્તારોને તાત્કાલિક ધોરણે ફાળવી આપવા જોઈએ.
કુદરતી હોનારતોના સમયે સરકારે પ્રજાની પડખે રહેવું જોઈએ અને તમામ પ્રકારની સહાય તાત્‍કાલિક ચૂકવાય તે જોવાની ફરજ રાજ્‍ય સરકારની છે. રાજ્‍ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કેશડોલ્‍સ, ઘરવખરી અને મકાન સહાયના દર ખૂબ જ ઓછા હોઈ આ દરોમાં વર્તમાન મોંઘવારી મુજબ તાત્‍કાલિક વધારો કરવો જોઈએ. મકાનોની પડી ગયેલ દિવાલો, કાચા-પાકા મકાનો અને ઝૂંપડાના પતરા ઉડી ગયા હોય તેવા કિસ્‍સામાં સર્વેની કામગીરી દરમ્‍યાન તેની નોંધ કરવામાં આવતી નથી, જેના કારણે આવા અસરગ્રસ્‍તોને સહાય મળશે નહીં, જેથી સર્વે દરમ્‍યાન આવી નુકસાનીનો પણ સર્વે થાય અને અસરગ્રસ્‍તોને સહાય ચૂકવાય તેવી કાર્યવાહી કરવી જોઈએ. અસરગ્રસ્‍તોને થયેલ નુકશાનીનો સાચો સર્વે થાય અને અસરગ્રસ્‍તોને નુકશાનીનું પુરેપુરું વળતર ચુકવાય તે ખૂબ જ જરૂરી છે.
રાજયમાં તૌકતે વાવાઝોડાથી કૃષિ ક્ષેત્રે પશુધન સહિત બાગાયતી અને ઉનાળુ પાકને થયેલ નુકસાની, કાચા-પાકા મકાનોનું નુકસાની વળતર, સ્‍થળાંતર કરેલ લોકોને કેશડોલ્‍સ તેમજ માનવ અને પશુ મૃત્‍યુ સહાય વગેરે અંગે યુદ્ધના ધોરણે સાચો સર્વે કરાવી, અસરગ્રસ્‍તોને થયેલ નુકસાનીનું પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે અને રાજ્‍યમાં ખોરવાયેલ વીજપુરવઠો પૂર્વવત્‌ થાય અને વાહનવ્‍યવહાર પુનઃ ધમધમતો થાય તે બાબતે રાજ્યની પ્રજાના હિતમાં રૂ. ૧૫,૦૦૦ કરોડનું સંપૂર્ણ નુકશાની વળતર પેકેજ જાહેર કરવા અમારી રાજ્‍યના પ્રજાજનો વતી આપશ્રી સમક્ષ ખાસ લાગણી અને માંગણી છે.

Whatsapp Join Banner Guj

​Gujarat congress- (અમીત ચાવડા)​(પરેશ ધાનાણી)
​પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ​વિરોધપક્ષના નેતા, ગુજરાત વિધાનસભા

​(ભરતસિંહ સોલંકી)​(અર્જુન મોઢવાડીયા)
​પૂર્વ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ​પૂર્વ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

Advertisement

​(સિદ્ધાર્થ પટેલ)​(શક્તિસિંહ ગોહિલ)
​પૂર્વ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ​માન. સાંસદશ્રી, રાજ્યસભા

​(પુંજાભાઈ વંશ)​(નીશીત વ્યાસ)
​ધારાસભ્‍ય-ઉના​મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

બીડાણ : કુદરતી આપત્તિઓના કારણે થતા વિવિધ પ્રકારના નુકશાન અંગે નાણાંકીય વળતર સહાયની મર્યાદા વધારવા બાબતનું પત્રક.

Advertisement

આ પણ વાંચો….

બિલ ગેટ્સ(Bill gates)ની મુશ્કેલીઓ વધારો, અમેરિકામાં ગેટ્સની ધરપકડ કરવાની માગ- જાણો શું છે મામલો?

Advertisement
Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.