Open jail in Surat: આગામી સમયમાં સુરત જિલ્લામાં ઓપન જેલનું નિર્માણ કરવામાં આવશેઃ હર્ષ સંઘવી

Open jail in Surat: જેલમાં કેદીઓ માટે વિવિધ ગૃહઉદ્યોગની પ્રવૃત્તિઓની જાત મુલાકાત લઈ જરૂરી સુચનો કર્યાઃ જેલમાં જીમ્નેશીયમ તથા ઈ-ફાઈલીગ સેન્ટરનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૨૨ નવેમ્બર:
Open jail in Surat: ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી તથા કૃષિરાજયમંત્રી મુકેશભાઈ પટેલે આજરોજ લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત લઈ જેલમાં ચાલતી વિવિધ ગૃહઉદ્યોગને લગતી પ્રવૃત્તિઓ નિહાળીને કેદીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે બંદિવાનોને સંબોધન કરતા ગૃહરાજયમંત્રીએ જણાવ્યું હતું કે, જેલમાં બંદિવાનો માટે સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે હેતુથી આગામી સમયમાં સુરત જિલ્લામાં ઓપન જેલનું નિર્માણ કરવામાં આવશે. રાજયભરની જેલોમાં કેદીઓને સપ્તાહ દરમિયાન અલગ-અલગ પ્રકારનો પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ભોજન વ્યવસ્થાની નવી નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ક્ષણિક આવેશમાં આવીને માણસ કયારેક મોટી ભુલ કરી બેસતો હોય છે ત્યારે જેલમાં આવ્યા બાદ અનેક કેદીઓના જીવનમાં આમુલ પરિવર્તનો પણ આવ્યા છે.

Open jail in Surat

જેલની બહાર ગયા બાદ શાંતિ અને સલામતી સાથે સમાજના લોકોને નવી ચેતના આપવાનું કાર્ય કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
જેલમાં કેદીઓના શારિરીક અને માનસિક વિકાસ માટે અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બંદિવાનો જેલમાં પોતાના પરંપરાગત તહેવારોની ઉજવણી કરી શકે તે માટેની પણ વ્યવસ્થાઓ જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ વેળાએ જેલના કેદીઓ દ્વારા માત્ર ૧૮ કલાકના ટુંકા સમયમાં શૌર્યસભર રાસ ગરબાની કૃતિ રજુ કરીને સૌને ચકિત કર્યા હતા.

મંત્રીના હસ્તે જેલના બંદિવાનોના શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય માટે જીમ્નેશીયમ તથા રાજય સરકારની પેપરલેસ પધ્ધતિ દ્વારા સીધી હાઈકોર્ટમાં અરજી થઈ શકે તે માટે નવનિર્મિત ઈ-ફાઈલીગ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે ગૃહમંત્રી તથા કૃષિમંત્રી મુકેશ પટેલે જેલમાં કેદીઓ માટે સુધારાત્મક પ્રવૃત્તિઓ જેવી કે, રેડિયો પ્રિઝન, લાયબ્રેરી, કોમ્પ્યુટર રૂમ, ભજીયા હાઉસ તથા બંદિવાનો દ્વારા ચાલતા હિરાના કારખાનાની જાત મુલાકાત લઈને રચનાત્મક સુચનો કર્યા હતા. આ અવસરે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, જિલ્લા કલેકટર આયુષ ઓક, જેલના અધિક પોલીસ મહાનિદેશક ડો.કે.એલ.એન. રાવ, લાજપોર જેલના અધિક્ષક મનોજ નિનામા, જિલ્લા પક્ષ પ્રમુખ સંદિપ દેસાઈ જોડાયા હતા.

Whatsapp Join Banner Guj