Banner Anant Patel

અનંત પટેલની કલમે…અજબ ગજબની ટેવો….

Banner Anant Patel

હળવું હાસ્યઃ આપણું રોજ બરોજનું જીવન એવું છે કે જો બરાબર અવલોકન કરીએ તો વાત વાતમાં આપણને ગમ્મત મળી શકે છે. તમે એક્વાર બસ સ્ટેન્ડ  ઉપર થેલીમાં ટિફિન લઇને ઉભા છો, કોઇ ઓટો રિક્ષાની રાહ જૂઓ છો ને એવામાં તમને તમારા મિત્ર મળી જાય છે , એ તમારા હાથમાં ટિફિન જોઇને કશીક ગભરાહટ સાથે પૂછે છે,

   ” કેમ કોઇને દવાખાને દાખલ કર્યું છે કે શું ? આ તો ટિફિન આપવા જતા લાગ્યા એટલે પૂછું છું..”

    ” હા મારા બાને રાત્રે લકવાની અસર થઇ હતી એટલે હોસ્પિટલમાં એડમિટ કર્યાં છે તે તમારા ભાભીને ટિફિન આપવા જાઉં છું…” તમે જવાબ આપો છો.

      ” એમ ? તે ક્યા દવાખાને દાખલ કર્યાં છે ? ” મિત્ર તમને પૂછે છે. તમે એમને હોસ્પિટલનું નામ કહો છો તો એ  એકદમ ચોકી પડીને કહે  છે,

      ” જૂઓ  તમે માર્યોને લોચો ? અરે યાર અમને કોઇને પૂછો તો ખરા…. એ ડોક્ટરને ત્યાં જવાય જ નહિ, ડબલ ચાર્જ લે છે અને સારવારમાં  તો તમારું નસીબ…..એને ત્યાં તો બધા કેસ બગડે જ છે……”

Whatsapp Join Banner Guj

        બોલો આ મિત્રનું શું કરવું ? બાની તબિયત જલ્દીથી સારી થઇ જાય એવી શુભેચ્છા આપવાને બદલે ડોક્ટર વિશેનું એમનું જ્ઞાન(અ) છતું કરવાની શું જરૂર હતી ??

—- તમે સવારે નવાં કપડાં પહેરીને ક્યાંક બહાર જવા નીકળો છો તો એકાદ પડોશી તમને આ રીતે નીકળતા જઇને વિચારમાં પડી જવાના,

      ” આજે બની ઠનીને કઇ બાજુ જતા હશે ?? ” ગમે તેમ કરીને એ  કદાચ  તમારી પાછળ આવીને પૂછે ય ખરા,

      “અરે ચંદુભાઇ, બહાર જતા લાગો છો નહિ ? “

પછી અટકીને પૂછે,

           “અમદાવાદ જતા હોવ તો કઇ બાજુ જવાના છો ? “

      ” ના અમદાવાદ નથી જતો, આ તો ઓફિસનું કામ છે તે બરોડા જાઉં છું..”

            તમે ભોળપણમાં બોલી જાવ છો. એ હોંશિયાર છે એ તમારી સાથે આવીને બીજા સવાલ પૂછશે જ,

      ” તે ઓફિસવાળા ગાડી નથી મોકલતા ? મારા ભઇ, બસમાં તો તમે ક્યારે પો’ચશો ??”

              સારું થાય છે તે તમને રીક્ષા તરત મળી જાય છે, નકર તમારી પાસે વડોદરાથી ચેવડો કે ભાખરવડી જરૂર મંગાવત.

—- તમને મોબાઇલ પર એક ફોન આવે છે. તમે નામ જૂઓ છો કે તમારા ઓફિસના જૂના મિત્ર ચીમનભાઇનો ફોન છે, તમે વાત શરૂ કરો છો,

        ” બોલો ચીમનભાઇ  શું હતુ? “

         ” અરે યાર પેલા આપણા  જૂના મિત્ર ત્રિવેદી સાહેબનું સરનામું જોઇએ છે ,મને એમણે દીકરીની  સગાઇનું કાર્ડ મોકલ્યું’તું પણ હાળુ છોકરાંએ ક્યાંક આડા અવળુ મૂકી દીધું છે તે જડતું નથી, તમને એમનું સરનામું ખબર હોય તો મને લખાવી દો અથવા  વોટ્સ અપ કરી આપોને…….”

                હવે ખરેખર તો આ ફોન તમને કરવાની ક્યાં જરૂર હતી ? એ પોતે ત્રિવેદી સાહેબને જ ફોન ન કરી શકત ?? પણ ના,  આવા લોકો આ રીતે ફોન કરીને એવું જાણવા માગે કે ત્રિવેદીએ તમને આમંત્રણ આપ્યું છે કે નહિ ? કદાચ ત્રિવેદીસાહેબ સાથે તમારે સારો સંબંધ હોય એ એમને ન ગમતું હોય…..!!!!!

—- કેટલાક પડોશીઓને જો એવી ખબર પડે કે તમે શાક માર્કેટમાં ગયા છો કે જવાના છો તો એ તમારી પાસે બીજુ કોઇ શાક નહિ પણ છેવટે બે અઢી કિલો બટાકા તો ઉંચકાવી મંગાવે જ …

—- તમે બસ સ્ટશન બાજુ આંટો મારવા  જવાના છો એની એમને ખબર  પડે તો  એ તમને છેવટે  શામળાજી જવા સવારે ડાયરેક્ટ બસ કેટલા વાગે છે એ જાણવાનું તો કહેશે જ..

—- કોઇના બેસણામાં જઇને તમે પાછા આવો ત્યારે ય એ પાછા ગંભીર થઇને મરનાર તમારે શું થતા હતા ? જુવાન હતા ? ઉંમરલાયક હતા ?? આવી તેવી એમને બિલકુલ કામની ન હોય એવી ય માહિતિ તમને પૂછે જ……

Whatsapp Join Banner Guj

—- તમને  મંદિરમાં ઘણા દિવસે મળનારા મિત્ર પાછા એવું પૂછે,

       ” શું યાર હમણાંના કેમ દેખતા નથી ?? કાંઇ બહુ વ્યસ્ત થઇ ગયા છો કે શું ??

           ” ના રે  હું તો મારા ટાઇમે રોજ આવું જ છું  પણ તમે જ  દેખાતા નથી બોલો…… ” તમારે કહેવું પડે છે.

— એટલે અહીં કહેવાનો મતલબ એવો છે કે લોકોને પોતાની હોંશિયારી દેખાડવાની, પોતે બહુ અનુભવી છે, એમના જેટલી ખબર બીજા કોઇને હોય જ નહિ એવું બીજાઓને બતાવ્યા કરવાની ખૂબ જ ખરાબ કહી શકાય એવી ટેવ હોય છે. આમાં જે અનુભવ કે અવલોકનો વર્ણવ્યાં છે એ ભાઇઓ અને બહેનો બંનેને સરખી રીતે જ લાગું પડે છે એ નોંધવું.

GEL ADVT Banner

આ પણ વાંચો…

પટિયાલામાં ખેડૂતોએ રોક્યું ફિલ્મ ગુડલક જેરીનું શુટિંગ, કહ્યું કાયદા પરત નહિ લેવાય ત્યાં સુધી નહિ થઇ શકે કોઇ શુટિંગ