Banner Anant Patel

અનંત પટેલની કલમે…ખબર લેવી….

Banner Anant Patel

          આપણે ઘણી વાર વાતચીત  દરમિયાન લોકોને  પોતાના સગા સંબંધીઓ કે મિત્રોની બિમારી સંદર્ભમાં ખબર કાઢવા જવાની વાત કરતા સાંભળીએ છીએ. અહીં જે શબ્દ પ્રયોગ થાય છે તે કેટલીક વાર રસપ્રદ લાગે છે.

          ” ચાલને આજે તો રમણભાઇની ખબર કાઢી આવું જ “

          ” જો ઝાઝી માથાકૂટ કરીશ નહિ , નહિતર તારી ખબર લઇ નાખીશ.. “

           ” લાવોને જરા ફોન આપોને, રૂબરૂ તો જવાતું નથી પણ ફોન પર તો  પેલા મોહનભાઇની ખબર પૂછી લઉં…”

Whatsapp Join Banner Guj

         આમ આપણે ખબર લેવી, ખબર કાઢવી, ખબર પૂછવી અને વધારામાં એક ચોથો શબ્દ પ્રયોગ ખબર રાખવી પણ ઉપયોગમાં લેવાતો જોઇએ છીએ.  અહીં ‘ખબર’  શબ્દ કોમન છે પણ તેની પાછળ જે પૂંછડીયો શબ્દ ઉમેરાય છે તે એનો મૂળ અર્થ બદલી નાખે છતાં બધા લોકો તેને એક જ અર્થમાં વાપરતા હોય તેવું લાગે છે. કોઇના કોઇ કાર્ય બદલ ગુસ્સો ચઢ્યો હોય ત્યારે વડીલો સાલાની ખબર લઇ નાખું એમ બોલતા હોય છે. કોઇ માણસ બિમાર થયા હોય ત્યારે એમને મળીને જે પૂછપરછ કરીએ તેને ખબર કાઢવા જવું એમ કહેવાય. રૂબરૂ જવાને બદલે ફોન ઉપર કે કોઇના મારફતે આવી વિગતો મેળવીએ તો એને ખબર પૂછવી કે પૂછાવવી એમ કહેવાય. જ્યારે ખબર રાખવી એનો કંઇક મોટો અથવા વિશિષ્ઠ  અર્થ એવો પણ નીકળે કે કોઇની ભરપૂર કાળજી લેવી . ખબર રાખવાની બાબતમાં  તેનું  પ્રમાણ  જે તેના વ્યક્તિગત સંબંધો પર નિર્ભર કરે છે. માત્ર ખબર શબ્દનો અર્થ કરીએ તો ખબર એટલે વિગતો અથવા તો માહિતી એમ સામાન્યપણે કહી શકાય. પોલીસ ખાતામાં ગુનેગારો કે ગુનાની માહિતી આપતા માણસોને એટલે તો ‘ ખબરી ‘ કહેવાય છે.

Whatsapp Join Banner Guj

                  ગામડાંમાં આખા ગામની ખબર રાખનારા અને ખરી કે ખોટી ખબર ઝડપથી ફેલાવનારા અમુક ચોક્કસ માણસો હોય છે જ. આવી રીતે ફેલાતી ખબરોમાં ક્યારેક મૂળ વાત ને બદલે કંઇ ક જૂદી જ વાત છેલ્લે બહાર આવતી હોય છે. જોકે ખબર ફેલાવા વિશે ફરી ક્યારેક વિગતે વાત કરશું પણ આજે તો ખબર લેવી એ વિષય કેન્દ્ર સ્થાને છે.

          ઘણી વાર એવું ય બને છે કે ક્યારે ક ખબર લેવા નીકળેલાની સામેની વ્યક્તિ જ ખબર લઇ નાખતી હોય છે. કેટલીક વાર કોઇ બિમાર માણસની ખબર જોવામાં એટલુ બધું મોડું પણ થઇ જતું હોય છે કે તમે ખબર કાઢવા ગયા હોવ ત્યારે તો એ  એમના નોકરી ધંધે પણ જતા રહ્યા હોય…આવે સમય ખબર પૂછવા જનારનું  મોઢું  ખરેખર જોયા જેવું  થતું હોય છે. અહીં પણ  ભોંઠા પડવાને બદલે કેટલાક હોશિયાર માણસો એવું કહે છે કે ભલે એમને સારું છે એ તો ઘણી સારી વાત  થઇ  પણ જૂઓને મારે કેટલા દિવસથી તમારા ઘેર આવવું હતું પણ નીકળાતું જ ન હતું  તે આ બહાને ચાલો તમારા ઘેર તો આવી જવાયું ને !…મહેમાનના આવા શબ્દો સાંભળીને યજમાન ગૃહિણિ બિચારી કંઇ જ બોલી શકતી નથી કેમ કે મહેમાન એટલે મહેમાન …એનું અપમાન તો કેમ કરાય ? ખબર રાખવાની બાબતમાં મોટી ઉંમરના માણસોની વાત કરું તો એ એટલા બધા સક્રીય અને સભાન થઇ ગયા હોય છે કે એ જેની ખબર (કાળજી) રાખતા હોય છે એને માટે બોજારૂપ બની ગયા હોય છે. પેલા કે પેલીને જેની જરૂર ન હોય એવું  કશું ક ઇદમતૃત્તીયમ શોધી કાઢે અને એને હેરાન હેરાન કરી મૂકતા હોય છે. ઉંઘવાના સમયે  જાગ્યા કરે અને ખરેખર જાગવાની જરૂર હોય ત્યારે નસકોરાં બોલાવતા હોય…!! . આમ ખબર રાખનાર ઘણી વાર અત્યાચારી બની જતા હોય છે.

          સુજ્ઞ વાચકો ખબર લેવા, કાઢવા, પૂછવા અને રાખવા  બાબતે મેં આપેલી જાણકારીથી પ્રસન્નતા જરૂર અનુભવશે જ એવો મને વિશ્વાસ છે અને તે છતાં જો કોઇને આવી અનુભૂતિ ન થતી હોય તો મને જણાવશો કેમ કે મારે એમની ખબર લેવા….. સોરી પૂછવા જવું જ પડશે.

આ પણ વાંચો...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો, છેલ્લા 24 કલાકમાં 505 કેસ