katyayani maa

6th day of Navratri: નવરાત્રિનાં છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું જાણો વિશેષ મહત્વ

6th day of Navratri: નવલાં નોરતામાં ઠેર-ઠેર મા આદ્યશકિતની આરાધના થઇ રહી છે. શક્તિ સંચયનાં મહાપર્વ નવરાત્રિમાં આજનાં દિવસે ઉપાસકો મા કાત્યાયનીની પૂજા કરી રહ્યા છે. નવરાત્રિનાં છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું વિશેષ મહત્વ છે. તેમની કૃપાથી બધા કામ પૂરાં થઈ જાય છે. તેઓ વૈદ્યનાથ નામની જગ્યાએ પ્રગટ થયાં હતાં અને ત્યારથી તેમની પૂજા શરૂ થઈ હતી.

Banner Vaibhavi Joshi

માતાનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પાછળ પણ એક રસપ્રદ કથા છે. કત નામનાં એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમ કાત્યનાં ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખૂબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીનાં રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી. કહેવાય છે કે મહર્ષિ કાત્યાયનને ત્યાં તે પુત્રીનાં રૂપે જન્મ્યા હતાં.

પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે ઋષિ કાત્યાયન માતાનાં ભક્ત હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેમણે માતાની તપશ્ચર્યા કરી અને આશિર્વાદ આપવા કહ્યું કે તમે મને પુત્રી તરીકે પ્રાપ્ત થાઓ. તે દરમિયાન મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો હતો અને દેવતાઓને પણ સ્વર્ગમાંથી પ્રસ્થાન કરવું પડ્યું હતું ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરનાં વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં.

દેવતાઓનાં ક્રોધથી એક જ્યોત પ્રગટ થઈ. તે કન્યાનાં સ્વરૂપમાં હતી. તે તેજ એટલે ઋષિ કાત્યાયનની પુત્રી. ઋષિને ખબર હતી કે, વરદાનને કારણે માતા તેમના ઘરે પુત્રી તરીકે અવતર્યા છે. ઋષિએ દેવીની પ્રથમ પૂજા-અર્ચના કરી અને અશ્વિન શુક્લા ચતુર્દશીનાં જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ કાત્યાયન ઋષીની પુજા ગ્રહણ કરીને દશમીનાં દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો.

BJ ADS

દેવી કાત્યાયનીનાં પ્રાગટ્યનો મૂળ હેતુ મહિષાસુરનો અંત હતો. અશ્વિન શુક્લા નવમી તિથિ પર ઋષિ દ્વારા પૂજા કર્યા પછી, દેવીએ કહ્યું કે તેમનું અવતરણ મહિષાસુરનાં અંત માટે થયું છે. મા કાત્યાયનીએ દેવતાઓની પ્રાર્થના સાંભળીને મહિષાસુર સાથે યુદ્ધ કર્યુ હતું. મહિષાસુર સાથે યુદ્ધ કરતાં કરતાં માતા જ્યારે થાક્યા ત્યારે તેમને મધનું પાન ખવડાવવામાં આવ્યું હતું. આ પાન ખાવાથી માતાનો થાક ઉતરી ગયો હતો. દશમી તિથિ પર દેવીએ મધથી ભરેલું સોપારીનું પાન ખાઈને મહિષાસુરનો વધ કર્યો. આ પછી, મા કાત્યાયનીને મહિષાસુર મર્દિની પણ કહેવાય છે.

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहन | कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी ||

એટલે કે જેમના ઉજ્જવળ હસ્ત ચંદ્રહાસા તલવારથી શોભે છે તથા શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે. તે અસુરોનો નાશ કરનારી કાત્યાયની દુર્ગા દેવી મને મંગલ પ્રદાન કરો. સુસજ્જિત આભામંડળયુક્ત દેવી માતાનું સ્વરૂપ અત્યંત તેજોમય અને મનમોહક છે. કાત્યાયની દેવીને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં પદ્મ એટલે કે કમળ ધારણ કરેલું છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામની તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે અને તેમનું વાહન સિંહ છે.

કાત્યાયનનો એક અર્થ ’નિકંદન’ પણ છે. એ ઉપરાંત કાત્યાયન નામક એક વિદ્વાન ઋષિનો પણ ઉલ્લેખ મળે છે. જે શ્રૌતસૂત્રકાર અને વ્યાકરણનાં વિદ્વાન હતા. એમની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાયા છે. યાજ્ઞવલ્કય મુનિની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાય છે.

સ્નેહ અને શક્તિનું સંયુક્ત સ્વરૂપ એવા મા કાત્યાયની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે એવી શુભેચ્છાઓ…!!

या देवी सर्वभूतेषु कात्यायनी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો