vidhyapeeth

Gandhi Nirvana Day: સનાતન ધર્મની સંસ્કૃતિ જ સશક્ત અભિવ્યક્તિ છે: રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન

  • રાજ્યપાલનું વ્યક્તિત્વ એ જાહેરજીવનની આદર્શ સૂચિકાનું પ્રમાણ છે : કુલપતિ ડૉ. હર્ષદ પટેલ
google news png

અમદાવાદ, 30 જાન્યુઆરી: Gandhi Nirvana Day: ગાંધીનિર્વાણ દિન નિમિત્તે સવારે ગૂજરાત વિદ્યાપીઠના મોરારજી દેસાઈ મંડપમમાં શ્રદ્ધાસુમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપુને શ્રદ્ધાસુમન અર્પવા માટે બિહાર રાજ્યના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ખાદીના નિયત સફેદ ગણવેશમાં સમયસર હાજર રહેલા વિદ્યાર્થીઓ તથા સેવકોની વચ્ચે, રાજ્યપાલના આગમન વખતે, વિદ્યાપીઠની વિદ્યાર્થિનીએ મૈથિલી ભાષામાં ઉદ્ઘોષણા કરી હતી. ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ અને કબીરના ભજનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે ખાદીસૂત્રથી રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું સ્વાગત કર્યું હતું. ડૉ. હર્ષદ પટેલે આવકાર પ્રવચનમાં, સમૂહની સાથે નહીં પણ સત્યની સાથે રહીને ચાલવાના આરિફ મોહમ્મદ ખાનના ગુણને વિશેષપણે યાદ કર્યો હતો. કુલપતિએ કહ્યું હતું કે, રાજ્યપાલનું વ્યક્તિત્વ એ જાહેરજીવનની આદર્શ સૂચિકાનું પ્રમાણ છે.

Gandhi Nirvana Day
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે ખાદીસૂત્રથી રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું સ્વાગત કર્યું

ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી અને ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ, ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, કેટલાક વિચારો અમુક દાયકા સુધી જ સીમિત રહે છે, જ્યારે ગાંધીવિચાર દેશ અને દુનિયામાં શાશ્વત છે.

ગાંધીજીની યાદમાં બરાબર અગિયાર કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:- Implementation of three new criminal laws: ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક

રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને વક્તવ્યની શરૂઆત કરતાં કહ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠમાં આવવું એટલે રાષ્ટ્રીય તીર્થભૂમિમાં આવવું. ગાંધીજીને મહાન નૈતિક વિભૂતિ ગણાવીને તેમણે કહ્યું કે, બાપુના વિચારોએ ભારત ઉપરાંત દુનિયાના દેશોને પણ સત્ય અને અહિંસાના માધ્યમથી મુક્તિનો માર્ગ દેખાડ્યો હતો. આ અર્થમાં બાપુ મુક્તિદાયક હતા. ભારતીય સંસ્કૃતિનું મુખ્ય લક્ષ્ય મુક્તિપ્રાપ્તિ હતું. માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડેલા, અને બરાક ઓબામા માટે ગાંધીજી પ્રેરણાસ્રોત હતા.

BJ ADVT

હજારો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિનાં ઉદાહરણો આપીને તેમણે બાપુને ભારતીય સંસ્કૃતિના માનસ-પ્રતીક તરીકે ઓળખાવ્યા હતા. જેમની સાથે મતભેદ હોય તેમને સાથે લઈને અને વિરોધીઓ પ્રત્યે પણ દુર્ભાવ નહીં દાખવવાના ગાંધીગુણને તેમણે યાદ કર્યો હતો.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગાંધીજીના શબ્દોના માધ્યમથી ભારતનો આત્મા જાણે બોલી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિનો આધાર એકાત્મતા છે. ભારતીય સંસ્કૃતિ અને આપણી જીવનશૈલી કેવળ માનવજાત નહીં, પણ સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે સમાન આદરભાવ રાખવાનું કહે છે.

તેમણે જણાવ્યું હતું કે, બાપુને વાંચો, ખુદ સમજમાં આવશે. ગાંધીજીના વ્યક્તિત્વને યાદ કરતાં તેમણે કહ્યું કે, બીજાને ન બદલો પણ પોતાને બદલો. ભાષણોથી દુનિયા બદલાતી નથી. ધર્મ વિશેની સમજણ આપતાં તેમણે કહ્યું કે, સભ્ય આચરણના નિયમ એટલે ધર્મ. આચરણ કરો તો આત્મસાત્ થાય. વક્તવ્યનું સમાપન કરતાં તેમણે કહ્યું હતું કે, સનાતન ધર્મની સંસ્કૃતિ જ સશક્ત અભિવ્યક્તિ છે. નિયતિએ ગાંધીજીને આપણી વચ્ચે ઉતાર્યા. આથી ગૌરવથી કહો કે, અમારા પૂર્વજ મોહનદાસ કરમચંદ ગાંધી હતા.

ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટે આભારવિધિ કરી હતી.

શ્રદ્ધાસુમન કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટીઓ દિલીપ ઠાકર, ચંદ્રવદન શાહ, આયેશા પટેલ, શ્રીકૃષ્ણ કુલકર્ણી તેમજ પર્યાવરણ અને સફાઈ સંસ્થાનના જયેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો