2 employees honored by DRM: રાજકોટ ડિવિઝનના 2 કર્મચારીઓને ડીઆરએમ દ્વારા સન્માનિત કરાયા
2 employees honored by DRM: રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિઝનના ૨ કર્મચારીઓને ડીઆરએમ દ્વારા સન્માનિત કરાયા
રાજકોટ, 01 સપ્ટેમ્બર: 2 employees honored by DRM: રેલવેની સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ૨ કર્મચારીઓને રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના દ્વારા આજે ડીઆરએમ ઑફિસ, રાજકોટ ખાતેના કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પુરસ્કાર રાજકોટ ડિવિઝનના ઇલેક્ટ્રિકલ (ટ્રેક્શન) વિભાગના કર્મચારીઓને મે અને જુલાઈ, ૨૦૨૫ મહિનામાં રેલવેની સલામતીમાં તેમના શ્રેષ્ઠ કાર્ય માટે આપવામાં આવ્યો છે. પુરસ્કાર મેળવનારા કર્મચારીઓમાં ઉદય સિંહ મીણા (ગુડ્સ ટ્રેન લોકો પાઇલટ, મુખ્ય મથક-હાપા) અને અરુણ કુમાર પાંડે (ગુડ્સ ટ્રેન લોકો પાઇલટ, મુખ્ય મથક-હાપા) નો સમાવેશ થાય છે. રેલવે કર્મચારી ઉદય સિંહ મીણાએ જાગૃત રહીને કામ કરતા સંભવિત અકસ્માતોને અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

૧૯ મે ના રોજ મોડપુરથી મારવાડ જઈ રહેલી ગુડ્સ ટ્રેનની તપાસ દરમિયાન તેમણે એક વેગનમાં સેન્ટર બફર કપલર પિન (જે બે વેગનોને એકબીજા સાથે જોડી રાખે છે) તૂટેલી જોઈ અને તાત્કાલિક પગલાં લીધા હતાં. રેલવે કર્મચારી અરુણ કુમાર પાંડેએ ૨૭ જુલાઈ ના રોજ હાપાથી મોડપુર જઈ રહેલી ગુડ્સ ટ્રેનમાં ફરજ દરમિયાન મોડપુર સ્ટેશન પર કાંટા નંબર ૧૨૯માં અસામાન્યતા જોઈ અને તેમણે તરત જ ટ્રેન રોકીને એક મોટી દુર્ઘટના થતી અટકાવી.
તેમણે તાત્કાલિક ફરજ પરના સ્ટેશન માસ્ટરને જાણ કરી, ત્યારબાદ સ્ટેશન માસ્ટરે આગળની કાર્યવાહી શરૂ કરી. આમ, આ બંને કર્મચારીઓએ ફરજ પ્રત્યે નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને તેમની સતર્કતાથી એક સંભવિત અસામાન્ય ઘટના ટળી ગઈ.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ સેફટી અધિકારી રમેશચંદ મીણા અને વરિષ્ઠ ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટીઆરડી) જીતેન્દ્ર કુમાર મંગલ ઉપસ્થિત રહ્યા હતા.