Drone Didi Scheme

Namo Drone Didi Yojana: ખેતરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીને મહિલાઓ મેળવી રહી છે લાખોની આવક

Namo Drone Didi Yojana: નમો ડ્રોન દીદી યોજના: રાજકોટના સોનલબેન પાંભર બન્યા લખપતિ, ખેતીમાં ડ્રોન ટેક્નોલૉજી દ્વારા કરી ₹15 લાખની કમાણી

  • સખી મંડળ સાથે જોડાયેલા બનાસકાંઠાના ડ્રોન દીદી ભાવનાબેન ચૌધરી મહિને કરે છે ₹50,000થી વધુની કમાણી
google news png

ગાંધીનગર, 25 સપ્ટેમ્બર: Namo Drone Didi Yojana: નવરાત્રિ એટલે આસ્થા, ભક્તિ અને ઉત્સવનો મહાકુંભ. નવરાત્રિનો તહેવાર સ્ત્રી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે સ્ત્રી શક્તિની વાત થાય ત્યારે એ પણ ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવે તેવા સતત પ્રયાસો કર્યા છે.

તેઓ દ્રઢપણે માને છે કે, વિકસિત ભારત @2047ના ધ્યેયને સાકાર કરવામાં મહિલાઓ અમૂલ્ય યોગદાન આપશે. તેમણે લૉન્ચ કરેલી વિવિધ યોજનાઓએ મહિલાઓનું મનોબળ વધાર્યું છે અને તેમને આગળ વધવા પ્રેરિત કરી છે. આવી જ એક યોજના છે- નમો ડ્રોન દીદી યોજના, જે નવીન ડ્રોન ટેક્નોલૉજીના ઉપયોગ દ્વારા મહિલાઓને આર્થિક સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે વર્ષ 2023માં શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સ્વ-સહાય જૂથો અને સખી મંડળોએ નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

નમો ડ્રોન દીદી યોજના:(Namo Drone Didi Yojana) કૃષિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવાની મહત્વાકાંક્ષી પહેલ
નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની મહત્વાકાંક્ષી પહેલ છે. દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને ક્લસ્ટર લેવલ ફેડરેશન હેઠળ ‘નમો ડ્રોન દીદી યોજના’ કૃષિ સેવાઓ માટે ડ્રોન પૂરા પાડીને મહિલા સ્વ-સહાય જૂથોને સશક્ત બનાવે છે.

આ યોજનાનો ઉદ્દેશ ડ્રોન પ્રદાન કરીને હાલના કસ્ટમ હાયરિંગ કેન્દ્રોને મજબૂત બનાવવાનો, શ્રમ અને ઇનપુટ્સ પરના ખર્ચમાં ઘટાડો કરવાનો, ડ્રોન પાઇલટ્સ અને ટેક્નિશિયન માટે આવકના સ્ત્રોત પેદા કરવાનો, પાક વ્યવસ્થાપન વધારવાનો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. એડવાન્સ ટેક્નોલૉજીના સુયોગ્ય ઉપયોગથી આજે ડ્રોન દીદી કૃષિ ક્ષેત્રને નવી દિશાઓ આપી રહી છે.

આ પણ વાંચો:- Garba at IPS Mess: અમદાવાદમાં આઈપીએસ મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

રાજકોટના ડ્રોન દીદી સોનલબેન પાંભર ₹15 લાખની આવક મેળવી બન્યા લખપતિ(Namo Drone Didi Yojana)
રાજકોટ જિલ્લાના નાનાવડા ગામના 33 વર્ષીય સોનલબેન પાંભરે ખેતીમાં ડ્રોન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ₹15 લાખની કમાણી કરી છે અને એટલે જ સોનલબેન માત્ર ડ્રોન દીદી જ નહીં, પણ લખપતિ દીદી તરીકે પણ ઓળખાય છે. સોનલબેને ડ્રોન દીદી બનવાની સફર અંગે જણાવ્યું હતું કે, “પહેલા હું ઘરકામ કરતી હતી. મિશન મંગલમના કર્મચારીએ અમારા ગામમાં જાહેર મીટિંગ કરી મંડળની બહેનોને નમો ડ્રોન યોજનાની જાણકારી આપી જેનાથી મને આત્મનિર્ભરતાની પ્રેરણા મળી.

ડિસેમ્બર 2023માં મેં મહારાષ્ટ્રના પૂણે (સેવરી) ખાતે 15 દિવસની તાલીમ લીધી અને ત્યારબાદ રાજકોટમાં IFFCO તરફથી વધારાની તાલીમ મેળવી. ટેક્નિકલ ટીમે મને ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું. પહેલી વાર મેં 10 જૂન, 2024ના રોજ સફળતાપૂર્વક ડ્રોનનો ઉપયોગ કરીને મારા ગામના ખેતરોમાં કપાસ અને મગફળીના પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કર્યો. એ પછી તો મને અન્ય ખેડૂતો પાસેથી પણ કામ મળવા લાગ્યું અને મારી આવકમાં વધારો થયો.”

સોનલબેને ઉમેર્યું કે, “છેલ્લા એક વર્ષમાં મેં 1,740 ખેડૂતોને મગફળી, સોયાબીન, તુવેરદાળ, કપાસ, ચણા, વટાણા, જેવા અનેકવિધ પાકોમાં ડ્રોન મારફતે જંતુનાશક દવાનો છંટકાવ કરી આપ્યો છે, જેનાથી આજ સુધીમાં મને કુલ ₹15,38,500ની કમાણી થઈ છે. સ્વ-સહાય જૂથમાં જોડાવાથી મને ફક્ત ડ્રોન દીદી તરીકે જ નહીં, પરંતુ લખપતિ દીદી તરીકે પણ ઓળખ મળી છે. આ યોજનાથી મારું અને મારા પરિવારના જીવનધોરણમાં સુધારો થયો છે. આ યોજના માટે હું મિશન મંગલમ વિભાગ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માનું છું.”

બનાસકાંઠાના ડ્રોન દીદી ભાવનાબેન ચૌધરી કરે છે દર મહિને ₹50,000થી વધુની કમાણી(Namo Drone Didi Yojana)
બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વરસડા ગામના રહેવાસી ભાવનાબેન ચૌધરી જણાવે છે કે, “મેં બીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને હું ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલી છું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ હું શ્રી સખી મંડળ સાથે કામ કરી રહી છું. હું સખીમંડળના તમામ કાર્યક્રમોમાં સક્રિય રીતે જોડાઉં છું. પહેલો તો ડ્રોન વિશે મને કે મારા ગામમાં કોઇને પણ કોઇ જાણકારી નહોતી. મને જિલ્લા અને તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાની શાખામાં બોલાવવામાં આવી અને ડ્રોન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.

મને ડ્રોન દીદી બનવાની ખૂબ ઉત્સુકતા હતી. મેં GNFC, ભરૂચ દ્વારા અમદાવાદ ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 15 દિવસની રેસિડેન્શિયલ ડ્રોન તાલીમ મેળવી હતી અને ત્યારબાદ ડ્રોન પાયલટની પરીક્ષા પાસ કરીને મેં મારું લાયસન્સ મેળવ્યું. તે પછી મને ડ્રોનનો પ્રારંભિક સેટ મારા ઘરે પ્રાપ્ત થયો અને મેં મારા ગામમાં ખેતરોમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું શરૂ કર્યું. આજે હું મારા ગામમાં ડ્રોન દીદી તરીકે ઓળખાઉં છું અને દર મહિને ₹50,000થી વધુની કમાણી કરું છું. આ કામે મને સન્માન અને સ્વતંત્રતા બંને અપાવ્યા છે, અને આ તક પૂરી પાડવા બદલ હું શ્રી નરેન્દ્ર મોદીસાહેબ અને નમો ડ્રોન દીદી યોજનાની ખૂબ આભારી છું.”

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ માટે નમો ડ્રોન દીદી યોજના એક પરિવર્તનકારી પહેલ સાબિત થઈ છે. આ યોજના થકી, ગ્રામીણ મહિલાઓએ આર્થિક સ્વતંત્રતા, સમ્માન મેળવ્યા છે અને તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે અને પોતાના સમુદાયો માટે તેઓ રોલ મૉડલ બની છે. તેમની હિંમત, દૃઢતા અને સફળતા મહિલા સશક્તિકરણની સાચી ભાવનાના ચરિતાર્થ કરે છે અને ભારતના ઉજ્જવળ, આત્મનિર્ભર ભવિષ્યના વચનને પ્રતિબિંબિત કરે છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો