swami ji pic 0905

Upnishadno Sandesh: દ… દ… દ…ઉપનિષદનો શાશ્વત સંદેશ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

“Swami ji ni vani part-47”

.દ… દ… દ…:
Upnishadno Sandesh: ઉપનિષદમાં એક સુંદર કથા આવે છે. બ્રહ્માજીએ આ જગતની ઉત્પત્તિ કરી. બ્રહ્માજીનાં ત્રણ મુખ્ય સંતાનો છે : દેવો, દાનવો અને માનવો. આ ત્રણેયને એક વાર એમ થયું કે આપણે બ્રહ્માજી પાસે જઈ જીવનને ઉપયોગી કાંઈ ઉપદેશ પ્રાપ્ત કરીએ. આવી ઇચ્છાથી ત્રણેય બ્રહ્મલોકમાં ગયા. ત્યાં તેમણે કેટલોક સમય નિવાસ કર્યો. બ્રહ્માજીની સેવા કરી. સાથે સાથે તેઓ આત્મનિરીક્ષણ પણ કરતા ગયા.

એક દિવસ દેવતાઓએ બ્રહ્માજી પાસે જઈને પ્રાર્થના કરી : ‘ભગવાન ! અમારા જીવનને ઉપયોગી થાય એવો કોઈ ઉપદેેશ આપો.’ ઉપદેશમાં બ્રહ્માજી માત્ર એક અક્ષર બોલ્યા : ‘દ’. દેવતાઓ સમજી ગયા. બ્રહ્માજીએ પૂછ્યું : ‘શું સમજ્યા ?’ દેવતાઓ કહે : આપ ‘દ’ કહો છો એનો અર્થ થાય, ‘દમન કરો’. આત્મનિરીક્ષણને કારણે દેવતાઓ જોઈ શક્યા હતા કે તેમનામાં ભોગવૃત્તિનું પ્રાબલ્ય છે. સ્વર્ગ એ એવું સ્થાન છે જ્યાં બધા પ્રકારના ભોગ ઉપલબ્ધ હોય એટલે દેવતાઓનું જીવન ભોગપ્રધાન હોય છે. તેથી બ્રહ્માજીએ તેમને ઉપદેશ કર્યો કે દમન કરો, આત્મસંયમ કરો.

કામનું મારણ છે આત્મસંયમ.
તે પછી દાનવો બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું : ‘ભગવાન ! અમને ઉપદેશ આપો જે અમારા જીવનમાં ઉપયોગી થાય.’ તેમને પણ બ્રહ્માજીએ એકાક્ષરી ઉપદેશ આપ્યો : ‘દ’. દાનવો સમજી ગયા. બ્રહ્માજીએ પૂછ્યું : ‘શું સમજ્યા ?’ દાનવોએ કહ્યું : આપે જે કહ્યું ‘દ’ તેનો અર્થ થાય છે, ‘દયા કરો’. દાનવોને આત્મનિરીક્ષણથી જણાયું હતું કે એમનામાં ક્રોધનું, ક્રૂરતાનું, હિંસાનું પ્રાબલ્ય છે. તેથી બ્રહ્માજીએ તેમને દયા કરવાનો ઉપદેશ આપ્યો.

ક્રોધનું મારણ છે દયા.
છેલ્લે માનવો જ્યારે ઉપદેશ માટે બ્રહ્માજી પાસે ગયા ત્યારે તેમને પણ બ્રહ્માજીએ એ જ એક અક્ષરનો ઉપદેશ આપ્યો : ‘દ’. માનવો સમજી ગયા. ‘શું સમજ્યા ?’ બ્રહ્માજીએ પૂછ્યું. માનવો કહે : ‘દ’ એટલે કે ‘દાન કરો’. માનવોએ કહ્યું અમે આત્મનિરીક્ષણ કરીએ તો જણાય છે કે અમારામાં લોભવૃત્તિનું પ્રાધાન્ય છે.

લોભનું મારણ છે દાન, અર્થાત્‌ ઉદારતા, આત્મસંતોષ.
આમ, દેવતાઓમાં ભોગવૃત્તિનું પ્રાધાન્ય, દાનવોમાં ક્રોધનું, હિંસાનું પ્રાધાન્ય અને મનુષ્યોમાં લોભનું પ્રાધાન્ય હોય છે. તેથી એકે ‘દ’નો અર્થ કર્યો ‘દમન’, બીજાએ કર્યો ‘દયા’ અને ત્રીજાએ કર્યો ‘દાન’.

ઉપનિષદ કહે છે કે આજે હજી પણ ચોમાસામાં જ્યારે વાદળો ગડગડાટ કરતાં હોય છે ત્યારે ‘દ… દ… દ…’ એવો ઉપદેશ આપતાં હોય છે ! માનવના જીવનમાં આ ત્રણ મુખ્ય વૃત્તિઓ છે : કામ, ક્રોધ અને લોભ. એના ઉપર વિજય કેમ પ્રાપ્ત કરવો તેનો ઉપદેશ બ્રહ્માજી હજી પણ આપણને વાદળોના ગડગડાટ દ્વારા જાણે કે આપે છે. દ…દ…દ… – આત્મસંયમ રાખો, દયા કરો, દાન કરો. કામ, ક્રોધ અને લોભ આ મુખ્ય ત્રણ વૃત્તિઓ છે જે મોટા ભાગના મનુષ્યોનું સંચાલન કરતી હોય છે અને જેના પ્રભાવના કારણે મનુષ્ય દુઃખી થતો હોય છે.

ભગવાન કહે છે કે, કામ, ક્રોધ અને લોભ આ ત્રણ નરકનાં દ્વાર છે. નરક એટલે જ દુઃખ. શાસ્ત્રમાં પણ નરકનું વર્ણન કરવામાં આવે છે જ્યાં દુઃખ અને માત્ર દુઃખ જ હોય. એવું કોઈ સ્થળ હોવાનું આપણે કદાચ સ્વીકારીએ કે નહીં, પરંતુ જીવનમાં આપણે જે શારીરિક અને માનસિક યાતનાઓ ભોગવવી પડતી હોય છે તેનું મૂળ આ ત્રણ વૃત્તિઓમાં જ છે. તેથી જ ભગવાન કહે છે કે એ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ.

મનુષ્ય માટે બે માર્ગ ખુલ્લા છે – એક શ્રેયોમાર્ગ અને બીજો પ્રેયોમાર્ગ. કામ, ક્રોધ, લોભનો માર્ગ પ્રેયોમાર્ગ છે. દયા, દાન, સંયમનો માર્ગ શ્રેયોમાર્ગ છે. જીવનના રથના સંચાલનમાં વારંવાર આ બે માર્ગ આપણી સમક્ષ આવતા હોય છે. ત્યારે આપણે દૈવી સંપત્તિનો શ્રેયોમાર્ગ પસંદ કરીશું તો જ આપણું કલ્યાણ થશે, તો જ આપણે સુખ પણ પ્રાપ્ત કરી શકીશું.

**************

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો