WR 75th Foundation Day: રાજકોટ ડિવિઝનના સ્ટેશન ભવનો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા
પશ્ચિમ રેલવેએ ૭૫મો સ્થાપના દિવસ(WR 75th Foundation Day) ઉજવ્યો – રાજકોટ ડિવિઝનના સ્ટેશન ભવનો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા

રાજકોટ, ૦૫ નવેમ્બર: WR 75th Foundation Day: આજ રોજ પશ્ચિમ રેલવેએ પોતાનો ૭૫મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો. રાષ્ટ્રની સેવામાં પોતાની ગૌરવપૂર્ણ યાત્રાનાં ૭૦થી વધુ વર્ષોમાં પશ્ચિમ રેલવેએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
આ અવસરે રાજકોટ ડિવિઝનના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, હાપા, દ્વારકા અને ઓખા સ્ટેશન ભવનોને રંગબેરંગી રોશનીથી સુસજ્જિત કરવામાં આવ્યા, જેનાથી ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું.
આ પણ વાંચો:- Operation Rail Security: ઓક્ટોબર મહિનામાં આરપીએફ રાજકોટ મંડળનું પ્રશંસનીય કાર્ય
પશ્ચિમ રેલવેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અત્યંત સમૃદ્ધ રહી છે.(WR 75th Foundation Day) બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે કંપની (BB & CI)ની સ્થાપના વર્ષ ૧૮૫૫માં થઈ હતી. તેની શરૂઆત ગુજરાત રાજ્યના પશ્ચિમી તટ પર અંકલેશ્વરથી ઉતરાણ (સુરત) સુધી ૨૯ માઇલ બ્રોડ ગેજ ટ્રેકના નિર્માણથી થઈ હતી.
તે જ વર્ષે ૨૧ નવેમ્બર, ૧૮૫૫ના રોજ કંપનીએ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સુરતથી બરોડા અને અમદાવાદ સુધી રેલવે લાઇનના નિર્માણ માટે સમજૂતી કરી. આની સાથે જ ઉતરાણથી તત્કાલીન બોમ્બે સુધી કપાસનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે અન્ય એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આગળના વર્ષે આ લાઇનનું કાર્ય શરૂ થયું અને ૨૮ નવેમ્બર, ૧૮૬૪ના રોજ ઉતરાણથી બોમ્બે (ગ્રાન્ટ રોડ સ્ટેશન) સુધીની રેલ લાઇનને ઔપચારિક રીતે ખોલવામાં આવી, જેનાથી મુંબઈમાં પશ્ચિમી રેલવે લાઇનનો પ્રારંભ થયો.

પોતાના વર્તમાન સ્વરૂપમાં પશ્ચિમ રેલવેનું ગઠન ૫ નવેમ્બર, ૧૯૫૧ના રોજ થયું, જ્યારે તત્કાલીન બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે (BB & CI)નું સૌરાષ્ટ્ર, રાજપુતાના અને જયપુર રાજ્ય રેલવે સાથે વિલીનીકરણ કરવામાં આવ્યું. ૧૮૫૦ના દાયકામાં તેની સ્થાપના પછી પશ્ચિમ રેલવેએ પોતાની શ્રેષ્ઠતા, કાર્યક્ષમતા અને સેવા ભાવના સાથે ભારતીય રેલ નેટવર્કમાં વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.

