Mock Drill: સુરેન્દ્રનગરમાં રાજકોટ રેલવે મંડળની હાઇ ઇન્ટેન્સિટી મૉક ડ્રિલથી આપત્તિ તૈયારીનું મૂલ્યાંકન
Mock Drill: માલગાડી–કોચ ટક્કરની કાલ્પનિક દુર્ઘટનામાં ૧૨ કર્મચારીઓના બચાવનો સફળ અભ્યાસ

રાજકોટ, ૧૯ નવેમ્બર: Mock Drill: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આજે સુરેન્દ્રનગર સ્ટેશન પર આપત્તિ અને દુર્ઘટના વ્યવસ્થાપનની તૈયારીઓનું આંકલન કરવા માટે એક વ્યાપક મોક ડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ સંયુક્ત અભ્યાસમાં એનડીઆરએફ (NDRF), રેલવે અધિકારીઓ, સિવિલ પ્રશાસન, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, આરપીએફ (RPF) તથા રાજ્ય સરકારની જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમોએ સક્રિય સહભાગિતા કરી.
ડ્રિલ દરમિયાન સવારે લગભગ ૦૮.૩૦ કલાકે એક કાલ્પનિક દુર્ઘટના હેઠળ એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી કે ન્યારા એનર્જી પ્રા. લિ. સાઇડિંગથી રતલામ રેલવે ડિવિઝન સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન સાઇડિંગ જઈ રહેલી એક માલગાડીની સુરેન્દ્રનગર યાર્ડની લાઇન સંખ્યા ૮ પર ઊભેલા એક કેમ્પિંગ કોચ સાથે અચાનક ટક્કર થઈ ગઈ. આ ટક્કરના પરિણામે કોચનાં ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયાં અને તેમાં હાજર ૧૨ રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ થવાની સ્થિતિ દર્શાવવામાં આવી.
ઘટનાની જાણ થતાં જ રાજકોટથી એક્સિડન્ટ રીલિફ મેડિકલ ઇક્વિપમેન્ટ (ARME) તથા એક્સિડન્ટ રીલિફ ટ્રેન (ART) તરત જ સુરેન્દ્રનગર મોકલવામાં આવી. સાથે જ રેલવે અધિકારીઓ, સિવિલ પ્રશાસન, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, આરપીએફ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દળ તથા નજીકની હોસ્પિટલોને સૂચિત કરીને રાહત કાર્યોની રૂપરેખા સક્રિય કરી દેવામાં આવી.

સાઇટ પર પ્રાથમિક ઉપચાર માટે તંબુઓ સ્થાપિત કરાયા, યુનિફાઇડ કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું તથા સહાયતા/માહિતી માટે હેલ્પલાઇન બૂથ પણ સંચાલિત કરાયા. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના, વરિષ્ઠ ડિવિઝનલ સુરક્ષા અધિકારી આર. સી મીણા, વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના તથા NDRFના વરિષ્ઠ અધિકારી અનુપમના માર્ગદર્શન હેઠળ સંયુક્ત બચાવ યોજના પર કાર્ય કરવામાં આવ્યું.
રેલવે અને NDRFની ટીમોએ સંકલિત કાર્યવાહી કરતાં કોચને કાપીને તમામ ૧૨ ‘ઘાયલ’ કર્મચારીઓને સ્ટ્રેચરની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા. વાસ્તવિક જેવી આ પરિસ્થિતિ જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બપોરે લગભગ ૧૧.૩૩ કલાકે સમગ્ર પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરતાં તેને મોક ડ્રિલ જાહેર કરવામાં આવી.
અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ વિભાગોની કટોકટીની તૈયારી, ત્વરિત પ્રતિભાવ, પરસ્પર સંકલન તથા રાહત કાર્યોની અસરકારકતાનું પરીક્ષણ કરવાનો હતો. ડ્રિલ દરમિયાન ઘાયલોને બહાર કાઢવા, પ્રાથમિક ઉપચાર, ભીડ નિયંત્રણ, સંચાર વ્યવસ્થા, સુરક્ષાનાં પગલાં તથા રાહત પ્રવૃત્તિઓનું વિસ્તૃત અનુસરણ કરવામાં આવ્યું. અભ્યાસના અંતે સમીક્ષા બેઠકમાં સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત સુધારણાના મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી.
આ સંયુક્ત અભ્યાસમાં રેલવેના ઓપરેટિંગ, સેફટી, ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ, મિકેનિકલ, સુરક્ષા, વાણિજ્યિક, મેડિકલ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત NDRF, પોલીસ, મેડિકલ અને સિવિલ પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થયા.

