Arjun Modwadia

IIT ગાંધીનગરમાં IISF-2025 નો કર્ટન રેઝર કાર્યક્રમ યોજાયો

IISF-2025: આયોજક: રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન – ભારત તથા વિજ્ઞાન ભારતી

ગાંધીનગર, 19 નવેમ્બર: IISF-2025: રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન – ભારત (NIF), જે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ભારત સરકારનું સ્વાયત્તસાશી સંસ્થાન છે, અને વિજ્ઞાન ભારતીની ગુજરાત પ્રાંત એકમ વિજ્ઞાન ગુર્જરીના સહયોગથી 11મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (IISF-2025) નો કર્ટન રેઝર કાર્યક્રમ આજરોજ IIT ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો.

આ વર્તમાન વર્ષનો IISF-2025 પંચકુલા–ચંડીગઢ ખાતે 6 – 9 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાશે. વર્ષનું મુખ્ય વિષય “વિજ્ઞાન સે સમૃદ્ધિ ફોર આત્મનિર્ભર ભારત” રાખવામાં આવ્યું છે, જે દેશના સર્વાંગી વિકાસમાં વિજ્ઞાન આધારિત પ્રગતિના મહત્વને રેખાંકિત કરે છે. આ ફેસ્ટિવલ વૈજ્ઞાનિકો, સંશોધકો, નવપ્રવર્તક, ઉદ્યોગજગત, સ્ટાર્ટ-અપ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને એક જ મંચ પર લાવી વિજ્ઞાનને ઉજવણી, જ્ઞાનવર્ધન અને સહકાર માટે પ્રોત્સાહિત કરવાનું ધ્યેય ધરાવે છે.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના વન-પર્યાવરણ, જળવાયુ પરિવર્તન તથા વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી વિભાગના માનનીય કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોડવાડિયા ઉપસ્થિત રહ્યા. સાથે સાથે પ્રોફ. રાજુલ કે. ગજ્જર, કુલપતિ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી; પ્રોફ. આર.સી. પટેલ, કુલપતિ – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન; પ્રોફ. શૈલેન્દ્ર સરાફ, નિયામક — NIPER અમદાવાદ; પ્રોફ. ચૈતન્ય જી. જોશી, ભૂતપૂર્વ નિયામક – GBRC અને અધ્યક્ષ – વિજ્ઞાન ગુર્જરી, પ્રોફ. બનાની ચક્રવર્તી, પ્રમુખ – IEM UEM શૈક્ષણિક સંસ્થાન, ડૉ. સ્નેહલ બગથરીયા, નિયામક- GBRC; તથા મહેશ પટેલ, વૈજ્ઞાનિક ‘જી’, રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન – ભારત સહિતના માન્યવરોએ ઉપસ્થિતિ નોંધાવી.

આ પણ વાંચો:- Mock Drill: સુરેન્દ્રનગરમાં રાજકોટ રેલવે મંડળની હાઇ ઇન્ટેન્સિટી મૉક ડ્રિલથી આપત્તિ તૈયારીનું મૂલ્યાંકન

કાર્યક્રમની શરૂઆત વિશિષ્ટ મહેમાનોના સ્વાગત તથા IISF-2025 ના હેતુઓ અને “વિજ્ઞાન સે સમૃદ્ધિ ફોર આત્મનિર્ભર ભારત” થીમની મહત્તાનો સંક્ષિપ્ત પરિચય સાથે કરવામાં આવી. કી-નોટ સંબોધનમાં પ્રોફ. ચૈતન્ય જી. જોશીએ ભારતના વિકાસયાત્રામાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે વૈજ્ઞાનિક પ્રગતિ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સંકલિત રહેવી જોઈએ અને તેનો લાભ સીધો સમાજ-આર્થિક પ્રગતિમાં દેખાય તે અનિવાર્ય છે.

વિજ્ઞાન ભારતી તરફથી શ્રીપ્રસાદે IISF ને લોકો કેન્દ્રિત પહેલ તરીકે વર્ણવી. તેમણે ભારત અને વિશ્વમાં વિજ્ઞાન-ટેકનોલોજીના વિકસનના તબક્કાઓની ચર્ચા કરી અને IISF ને ભારતની વૈજ્ઞાનિક સફળતાઓ, સહકાર અને જનજાગૃતિ માટેનું વિશિષ્ટ મંચ ગણાવ્યું.

આગળ, ડો. પાર્થકુમારે પી. દવે (NIF) દ્વારા IISF-2025 ની વિવિધ થીમેટિક ઇવેન્ટ્સ, ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર તથા હિમાલયન ઇકોસિસ્ટમ પર ખાસ ધ્યાન અને ભાગીદારી વિસ્તરણ અંગે વિગતવાર રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે ફેસ્ટિવલ યુવા વૈજ્ઞાનિકો, સંશોધકો, ગ્રામ્ય ઇનોવેટરો, સ્ટાર્ટ-અપો, ઉદ્યોગજગત અને વિદ્યાર્થીઓને એકીકૃત કરશે. તેમજ માનનીય પ્રધાનમંત્રીએ વ્યક્ત કરેલી “અમૃત પેઢી” સંદેશાના અનુસરણરૂપ યુવાનોને ભારતના ભવિષ્યના વૈજ્ઞાનિક વિકાસના મુખ્ય વાહક ગણાવ્યા.

પ્રોફ. આર.સી. પટેલે ભારતની નવી શૈક્ષણિક નીતિમાં થયેલા સુધારાઓ વિદ્યાર્થીઓ–સંશોધકોમાં કુતૂહલ, સર્જનાત્મકતા, આંતરવિષયકતા અને પ્રાયોગિક સમજણને પ્રોત્સાહન આપે છે તેવો ઉલ્લેખ કર્યો. પ્રોફ. રાજુલ કે. ગજ્જરે ભારતીય સંશોધકો–ઇનોવેટરો માટે ઊભી થતી વૈશ્વિક તકો પર પ્રકાશ નાખ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંશોધન “લેબ થી લેન્ડ” પહોંચે તે આજે અતિ આવશ્યક છે, ખાસ કરીને આરોગ્ય, પર્યાવરણ, જળવાયુ સ્થિરતા, શિક્ષણ અને આજની આજીવિકા પડકારો માટે.

મુખ્ય અતિથિ અર્જુનભાઇ મોડવાડિયાએ કર્ટન રેઝરનું આયોજન કરવા બદલ NIF, વિજ્ઞાન ગુર્જરી અને IIT ગાંધીનગરની પ્રશંસા કરી. તેમણે IISF જેવા ઉત્સવોને યુવાનોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મજબૂત કરવા તથા ભારતને જ્ઞાન–ઇનોવેશન અને ટકાઉ વિકાસના વૈશ્વિક નેતૃત્વમાં આગળ લેવા મહત્વપૂર્ણ ગણાવ્યા. કાર્યક્રમનો સમાપન IISF-2025 ના કર્ટન રેઝર પોસ્ટરનું અનાવરણ કરી કરવામાં આવ્યો.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો