Braille Map: રાજકોટ રેલવે સ્ટેશન પર દ્રષ્ટિહીન મુસાફરો માટે બ્રેઈલ સાઈનેજ અને બ્રેઈલ મેપની સુવિધા શરૂ
Braille Map: સમાવેશી અને દિવ્યાંગજન–અનુકૂળ રેલ મુસાફરીની દિશામાં મહત્વપૂર્ણ પહેલ
રાજકોટ, 25 ડિસેમ્બર: Braille Map: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશન પર દ્રષ્ટિહીન મુસાફરોની સુવિધા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી બ્રેઈલ સાઈનેજ અને બ્રેઈલ મેપની આધુનિક સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પહેલ રેલવેની સુગમ, સુરક્ષિત અને સમાવેશી મુસાફરી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
નવી વ્યવસ્થા અંતર્ગત રાજકોટ સ્ટેશનના મુખ્ય સ્થળો પર બ્રેઈલ લિપિમાં સાઈનેજ લગાવવામાં આવ્યા છે, જેનાથી દ્રષ્ટિહીન મુસાફરો પુરુષ શૌચાલય, મહિલા શૌચાલય, દિવ્યાંગજન શૌચાલય, પીવાનું પાણી, દિવ્યાંગજન રેમ્પ, લિફ્ટ, ફૂટ ઓવર બ્રિજ (પેદલ પાર પુલ), પૂછપરછ કાઉન્ટર અને પ્રતીક્ષાલય જેવી આવશ્યક સુવિધાઓ સુધી કોઈ પણ સહાય વિના સરળતાથી પહોંચી શકશે. આ સાથે જ બ્રેઈલ મેપ દ્વારા મુસાફરોને સ્ટેશનના સંપૂર્ણ લેઆઉટની સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થશે.
આ સુવિધાના મુખ્ય લાભો આ મુજબ છે:
૧) દ્રષ્ટિહીન મુસાફરોને સ્વતંત્ર અને સુરક્ષિત માર્ગદર્શન પ્રાપ્ત થશે.
૨) સ્ટેશન પરિસરમાં મૂંઝવણ અને અસુવિધામાં ઘટાડો થશે.
૩) સહાય પરની નિર્ભરતા ઘટવાથી સમયની બચત થશે.
૪) દિવ્યાંગજનો માટે ગરિમાપૂર્ણ અને સમાન તક આધારિત મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત થશે.
૫) રાજકોટ રેલવે સ્ટેશનને દિવ્યાંગજન–અનુકૂળ અને સમાવેશી સ્ટેશન તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું.
રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક (DRM) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ પહેલ “દરેક મુસાફર માટે સુલભ રેલ મુસાફરી” ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પ્રશંસનીય પ્રયાસ છે, જેનાથી સમાજના તમામ વર્ગોને સમાન સુવિધા અને સન્માન સાથે મુસાફરી કરવાની તક મળી શકશે.

