Health Check Up Camp: ભક્તિનગર રેલવે સ્ટેશન પર સ્વાસ્થ્ય તપાસ શિબિરનું આયોજન
Health Check Up Camp: “કાર્યસ્થળ સ્વાસ્થ્ય” ની દિશામાં રાજકોટ રેલવે ડિવિઝનની મહત્વપૂર્ણ પહેલ
રાજકોટ, 10 જાન્યુઆરી: Health Check Up Camp: રાજકોટ ડિવિઝન દ્વારા આજે ભક્તિનગર રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓ અને લાભાર્થીઓ માટે સ્વાસ્થ્ય તપાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર ડિવિઝનના મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. રાજકુમાર અને તેમની મેડિકલ ટીમના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.
ભારતીય રેલવે એક વિશાળ સંસ્થા છે, જ્યાં લાખો કર્મચારીઓ વિવિધ પરિસ્થિતિઓમાં કામ કરે છે. આવી સ્થિતિમાં, કર્મચારીઓનું સ્વાસ્થ્ય તેમની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે અત્યંત મહત્વનું છે. બદલાતી જીવનશૈલીને કારણે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા, હૃદયરોગ અને તણાવ જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને “કાર્યસ્થળ સ્વાસ્થ્ય” ની વિભાવના પર આધારિત આ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરમાં રેલવે કર્મચારીઓના બ્લડ પ્રેશર, બ્લડ શુગર, વજન વગેરેની તપાસ કરવામાં આવી હતી અને નિયમિત સ્વાસ્થ્ય તપાસના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ સાથે ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, રાજકોટમાં ઉપલબ્ધ અદ્યતન તબીબી સુવિધાઓ અને પેનલ પરની ખાનગી હોસ્પિટલોની સેવાઓ વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પણ વાંચો:- Canteen facility in the hospital: રાજકોટ ડિવિઝન રેલવે હોસ્પિટલમાં ‘કેન્ટીન સુવિધા’નો શુભારંભ
કર્મચારીઓને કટોકટીની સ્થિતિમાં ઉપયોગી એવી કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) નું વ્યવહારુ પ્રદર્શન પણ આપવામાં આવ્યું હતું, જેનાથી જીવનરક્ષક ઉપાયો પ્રત્યે જાગૃતિ વધી હતી. આ સ્વાસ્થ્ય શિબિરમાં કુલ 56 રેલવે કર્મચારીઓએ ભાગ લીધો હતો.
કર્મચારીઓની ઉત્સાહપૂર્વકની ભાગીદારીએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જે રાજકોટ રેલવે ડિવિઝનની પોતાના કર્મચારીઓ અને લાભાર્થીઓના સ્વાસ્થ્ય, સુરક્ષા અને કલ્યાણ પ્રત્યેની નિરંતર પ્રતિબદ્ધતા દર્શાવે છે.

