Geeta Vandana: ચિન્મય મિશનનાં 75 વર્ષની ભવ્ય ઉજવણી
Geeta Vandana: આ મહોત્સવ અંતર્ગત ચિન્મય મિશન અમદાવાદ દ્વારા “ગીતા વંદના” નામે એક વિશિષ્ટ અને આત્મસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Geeta Vandana: જ્ઞાનયજ્ઞની અદ્વિતીય પરંપરાના પ્રણેતા, યુગપુરુષ અને ગીતા જ્ઞાનયજ્ઞ પ્રચારક તરીકે વિશ્વવિખ્યાત સ્વામી ચિન્મયાનંદજી દ્વારા સ્થાપિત ચિન્મય મિશન ગૌરવપૂર્ણ 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગને વિશ્વભરનાં 350થી વધુ ચિન્મય કેન્દ્રો દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવશે.
વેદ, ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનને સરળ અને સ્પષ્ટ રૂપે જન-જન સુધી પહોંચાડવા માટે સ્વામી ચિન્મયાનંદજીએ પોતાના જીવનકાળ દરમિયાન 500થી વધુ જ્ઞાનયજ્ઞોનું આયોજન કર્યું. આ અમૂલ્ય આધ્યાત્મિક યાત્રાને કૃતજ્ઞતા અર્પણ કરવા ચિન્મય અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવ અંતર્ગત ચિન્મય મિશન અમદાવાદ દ્વારા “ગીતા વંદના” નામે એક વિશિષ્ટ અને આત્મસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
11મી જાન્યુઆરીના રોજ, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રત્નમણિ પાર્ટી પ્લોટ ખાતે સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન આ ભવ્ય કાર્યક્રમ યોજાશે. બે કલાકનો આ કાર્યક્રમ દર્શકો માટે એક અનોખો અને રસસભર અનુભવ બની રહેશે. તેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના 700 શ્લોકોમાંથી અમૃત સમાન પાંચ શ્લોકો — ‘ગીતા પંચામૃત’ને આધાર બનાવી ભાવસભર સંગીતમય નૃત્યપ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો:- PM Visit Gandhi Ashram: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી
આ હૃદયસ્પર્શી પ્રસ્તુતિ દ્વારા ગીતાના શાશ્વત સંદેશને આજના જીવન સાથે જોડવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક ભાવનાનો સુમેળભર્યો સંગમ જોવા મળશે. આ સાથે ચિન્મય મિશન બાલવિહારનાં બાળકો દ્વારા વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે, જે બાળકોમાં સંસ્કાર, ભક્તિ, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ ક્ષમતાના વિકાસનું સુંદર પ્રતિબિંબ બની રહેશે.

આ ભવ્ય કાર્યક્રમનું શિખરબિંદુ રહેશે ગીતા મહાઆરતી, જેમાં દરેક હાજર વ્યક્તિ ભાવપૂર્વક સહભાગી બની શકશે. તે સાથે જ શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથનું શોભાયાત્રા દ્વારા ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે 1000થી વધુ લોકો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવશે, જે સમગ્ર વાતાવરણને દિવ્ય આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ કરી દેશે. ચિન્મય અમૃત મહોત્સવ – ગીતા વંદના માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગીતા સાથે જોડાવાનો, તેને અનુભવવાનો, અને તેના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો એક દિવ્ય અને સ્મરણીય અવસર છે.

