Surat Ukado 3

કોરોના દર્દીને ઉકાળો આપતા વાતો કરી જલ્દી સારા થઈ ઘરે જશો એવી હિંમત આપીએ છીએ: નિલેશભાઈ રાઠોડ

Surat Ukado 3

આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલના ચાર વોર્ડ બોય કોવિડ વોર્ડમાં દર્દીઓ-સ્ટાફગણને દરરોજ સ્વાસ્થ્યવર્ધક ઉકાળો પીવડાવે છે.

૪૫ વર્ષીય નિલેશભાઈ રાઠોડ અને ટીમની સેવાને બિરદાવતા નવી સિવિલના તબીબો,પેરામેડિકલ સ્ટાફ, વહીવટી કર્મચારીઓ

Surat Ukado

સુરત:સોમવાર: સેવા કરવાની કોઈ ઉંમર, કારણ કે મોકાની જરૂર હોતી નથી. માનવજાત પર આફત આવે છે ત્યારે સેવાભાવી લોકોનું સેવાકીય યોગદાન સમાજમાં સુવાસ ફેલાવે છે. આવા જ ચાર સેવાભાવી સુરતીઓએ કોરોનાગ્રસ્ત દર્દીઓની અનોખી સેવા કરવાનું બીડું ઝડપ્યું છે. શ્રી આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલ એન્ડ કોલેજના ચાર વોર્ડબોય તા.૧૮ મે થી રોજ સવારે સિવિલ હોસ્પિટલમાં પહોંચી જઈ કોવિદ વોર્ડમાં સારવાર લઈ રહેલાં દર્દીઓને દરરોજ સ્વાસ્થ્યવર્ધક ઉકાળો પીવડાવે છે. ઉપરાંત, દર્દીઓ ઉપરાંત જેમના પર દર્દીઓના સ્વસ્થ કરવાની મોટી જવાબદારી છે એવા તબીબો, પેરામેડિકલ સ્ટાફને પણ તેઓ ઉકાળો પીવડાવે છે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વહીવટી કાર્ય સાથે સંકળાયેલાં કર્મચારીઓ પણ રજા લીધા વિના ફરજ બજાવી રહ્યાં હોવાથી તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આ ટીમ દરેક વિભાગોમાં  ટેબલે ટેબલે જઈ ઉકાળો પીવડાવે છે. 

Surat Ukado 2

આ ચાર વ્યક્તિઓની ટીમ કોરોના પોઝિટીવ વોર્ડમાં પી.પી.ઈ.કીટ પહેરીને જાય છે, અને ઉકાળો પીવડાવતા સમયે એમની હિંમત વધારે છે. જલ્દી સારા થઈ જશો એમ કહી તેમનું મનોબળ મજબૂત પણ કરે છે. 
હોસ્પિટલમાં દરરોજ ઉકાળા વિતરણનું સેવાકાર્ય કરતા નિલેશભાઈ રાઠોડ, સતિષભાઈ ગામીત અને અતુલભાઇ સોલંકી અને નિલેશભાઈ ગામીતની ટીમની સેવાની ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને દર્દીઓ પણ સરાહના કરી રહ્યા છે. 

Surat Ukado 4

સેવાકાર્યમાં પ્રમુખ ભૂમિકા નિભાવતા અને અમરોલી વિસ્તારમાં મીરા નગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતાં ૪૫ વર્ષીય નિલેશભાઈ નગીનભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ‘છેલ્લા ૨૫ વર્ષથી શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલ એન્ડ કોલેજમાં વોર્ડ બોય અને કેર ટેકર તરીકે ફરજ નિભાવી રહ્યો છું. કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી અમારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમાર્રી સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઈમ્યુનિટી પાવર વધે અને ઝડપભેર સ્વસ્થ થવામાં સહાયરૂપ થાય એ માટે સ્વાસ્થ્યવર્ધક ઉકાળાની સેવન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી અમારી ચાર સભ્યોની ટીમ ઉકાળાનું વિતરણ કરીને દર્દીઓને સ્વસ્થ કરવામાં યોગદાન આપીએ છીએ. કોવિડ વોર્ડ માં પણ પી.પી.ઈ.કીટ પહેરી દર્દીને ઉકાળો આપીએ છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘મારી ૪૫ વરસની ઉંમર છે. જેથી શરૂઆતમાં કોવિડ વોર્ડમાં ઉકાળો આપવા જવામાં ડર લાગતો હતો. પરંતુ મારાથી પણ ઉમરલાયક લોકો કોરોના દર્દીઓની અનેક પ્રકારની સેવા કરી રહ્યાં છે. જેથી સારા કાર્યમાં ડર શેનો? એવું વિચારી સેવામાં જોડાયેલો રહ્યો છું. હજુ સુધી મને શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ જણાઈ નથી. રોજ સવારે કોવિડ વોર્ડમા કોરોના દર્દીઓ, કર્મચારીઓને ઉકાળો આપવા જઈએ છીએ ત્યારે તેઓ અમારી સેવાને બિરદાવે છે. 

Surat Ukado 5

શ્રી આત્માનંદ સરસ્વતી આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ ડો. સચિન કેદિકર જણાવે છે કે, ‘અમારી આયુર્વેદ હોસ્પિટલમાં ઉકાળો બનાવવામાં આવે છે, જેનું સુરતમાં જુદા જુદા વિસ્તારોમાં પણ વિતરણ કરવામાં આવે છે. તા.૧૮ મેથી અમે સિવિલ હોસ્પિટલના કોરોના દર્દીઓ અને સ્ટાફ કર્મચારીઓ, તબીબો અને નર્સિંગ સ્ટાફને નિ:શુલ્ક ઉકાળો સેવન કરાવીએ છીએ. રાતદિવસ દર્દીઓને સાજા કરવા  મહેનત કરી રહેલા કોરોના યોદ્ધાઓ પણ સ્વસ્થ રહે એ પણ એટલું જ જરૂરી છે. અમારી સંસ્થાના ચાર વોર્ડ બોય પણ ૧૫ દિવસની શિફ્ટ મુજબ ઉત્સાહભેર આ કાર્ય કરે છે, અને કૈંક સારૂ કાર્ય કર્યાનો આત્મસંતોષ મેળવે છે. આમ ચારેય કોરોના વોરીયર્સ પોતાની ફરજ બજાવી રહ્યાં છે.