કોરોનાથી આઝાદીનો જંગ લડી રહ્યા છે બાળ કોરોના વોરીયર્સ

Corona 2
  • નવી સિવિલમાં કોરોનાથી આઝાદીનો જંગ લડી રહ્યા છે બાળ કોરોના વોરીયર્સ પાંચ વર્ષની કાવ્યા અને ત્રણ વર્ષનો હંસિત મરાઠે
  • કોરોનાથી સ્વતંત્ર થવાની સામૂહિક લડાઈ લડી રહેલો સુરતનો મરાઠે પરિવાર
  • ૧૫મી ઓગસ્ટની ઉત્સવ જેવી ઉજવણી થઈ એટલે આજે મારા બાળકો ખુબ ખુશ થયાં છે: માતા કિર્તીબેન
  • કોરોના યોદ્ધાઓના પરિશ્રમથી કોરોના કાળનો અંત આવશે અને કોરોનાથી આઝાદીનો થશે ઉદય

સુરત:શનિવાર: કોવિડ-૧૯ની લડાઈ લડી રહેલાં નવી સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ તબીબો, પેરામેડિકલ સ્ટાફે આજે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે કરી ત્યારે આ દર્દીઓમાં એક એવાં પરિવારના સભ્યો છે, જે તમામ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી એક માતા અને બે બાળકો કોરોનાથી સ્વતંત્ર થવાની લડાઈ લડી રહ્યાં છે. આ વાત છે સુરતના ડિંડોલી વિસ્તારના ગોકુલધામ સોસાયટીમાં રહેતા મરાઠે પરિવારની. હાલ મરાઠે પરિવારના કીર્તિબેન તેમના પાંચ વર્ષની પુત્રી કાવ્યા અને ત્રણ વર્ષના પુત્ર હંસિત મરાઠે કોરોના પોઝિટીવ વોર્ડમાં કોરોના સામે જંગ લડી રહ્યા છે. નાનકડાં બાળ કોરોના વોરિયર્સ સાથે કોવિડ હોસ્પિટલના તબીબોએ બાળક સાથે બાળક જેવા બની તેમને તિરંગો અને ચોકલેટ આપી સ્વતંત્રતા પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

New Civil Marathe Family Story 3

દર્દી કિર્તીબેન મરાઠેએ જણાવ્યું હતું કે, મારા પતિ વિજયભાઈને સૌથી પહેલા ૯મી ઓગસ્ટે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારા વૃદ્ધ સાસુ સસરા અને બે નાના બાળકો હોવાથી સોશિયલ ડિસ્ટન્સ રહે અને તેઓ સંક્રમણનો ભોગ ન બને તે માટે સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયા હતા. પરંતુ ત્યારબાદ ઘરની તમામ વ્યક્તિઓમાં પ્રાથમિક લક્ષણો જણાતા તા.૧૧ ઓગસ્ટે સિવિલ હોસ્પિટલ ખાતે આખા પરિવારે તપાસ કરાવી હતી. જેમાં મારી સાથે મારા ત્રણ વર્ષના પુત્ર હંસિત અને પાંચ વર્ષની પુત્રી કાવ્યાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. દાદા દાદીને પણ કોરોના પોઝિટિવ હોવાથી તેઓ સમરસ હોસ્પિટલમાં દાખલ છે.

corona surat

અહીં અમને કોઈ પણ પ્રકારની ચિંતા નથી. તબીબો અને નર્સ બહેનોની દેખરેખથી મને અને મારા બંને બાળકોને રિકવરી આવી રહી છે. આજે સ્વાતંત્ર્ય પર્વ છે, ત્યારે ડોક્ટરોએ મને અને બાળકોને તિરંગો ઝંડો આપી કહ્યું કે, ‘તમને પણ કોરોનાથી જલ્દી આઝાદી અપાવીશું.’ મારા બાળકોને પણ ચોકલેટ આપીને વ્હાલ કર્યું ત્યારે લાગ્યું કે, અમારૂ ઘર અહીં જ છે. ઘરના અંગત વ્યક્તિની જેમ સારસંભાળ રાખતા નર્સિંગ સ્ટાફ તેમજ ગુજરાત વિદ્યાપીઠથી આવેલાં કાઉન્સેલર દિપીકાબેન અને શિતલબેન મારા બંન્ને છોકરાઓને રમાડીને ભૂલાવી દે છે કે અમે હોસ્પિટલમાં છીએ. બાળકોના ભોજન, દવાની ખાસ કાળજી લેવામાં આવે છે.

Corona nurse edited

કિર્તીબેન જણાવે છે કે, મારા બંને બાળકો દાદા-દાદીના લાડકા હોવાથી દિવસમાં બે વાર અહીનાં સ્ટાફ દ્વારા વિડીયો કોલથી વાત કરાવે છે. ૧૫મી ઓગસ્ટની ઉત્સવ જેવી ઉજવણી થઈ એટલે આજે મારા બાળકો ખુબ ખુશ થયાં છે.

ખરેખર, હજારો કોરોના યોદ્ધાઓના પરિશ્રમથી કોરોના કાળનો અંત આવશે એ નક્કી છે, અને કોરોનાથી આઝાદીનો ઉદય થશે એ પણ નક્કી છે. જે રીતે વર્ષો પહેલા લાખો સ્વતંત્રતા સેનાનીઓની મહેનતથી અંગ્રેજોની ચુંગાલમાંથી દેશ મુક્ત થયો એ જ રીતે કોરોનાની ચુંગાલમાંથી દેશ આઝાદ થશે જ.. કારણ કે કોઈ પણ આપત્તિ સામે સામૂહિક મહેનત રંગ લાવે છે.