અદ્યતન પોલીસ સ્ટેશનનું ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ
ડેસરમાં રૂ.૫૭ લાખના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન પોલીસ સ્ટેશનનું ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ
૨૯ ઓગસ્ટ,વડોદરા:ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના છેવાડાના તાલુકા ડેસર ખાતે તાલુકા પોલીસ ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે અદ્યતન અને સુવિધા સુસજ્જ પોલીસ ભવનથી પોલીસ તંત્રની કામગીરી વધુ અસરકારક બનવાની સાથે લોકોને વધુ ઝડપી પોલીસ સેવા સુલભ બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે ડેસર તાલુકાના ગામોની સંખ્યા,ઉદ્યોગોનું પ્રમાણ અને પ્રકાર અંગેની જાણકારી મેળવી હતી.
વડોદરા જિલ્લાનું ડેસર પોલીસ સ્ટેશન-ગ્રામ્ય જૂના સરકારી દવાખાનામાં કાર્યરત હતુ. ત્યાં આવવા-જવા સહિતની અગવડતાઓ હતી. ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા રૂ.૫૭ લાખના ખર્ચે વાલાવાવ ગામની સીમમાં ડેસર પોલીસ સ્ટેશનની અદ્યતન નવીન ઇમારતનું નિર્માણ કર્યુ છે.
આ પ્રસંગે રાજયના ઉચ્ચ પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય,શ્રી હરિકૃષ્ણ પટેલ, ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર,કાર્યકારી જિલ્લા કલેકટર શ્રી કિરણ ઝવેરી,અધિકારી-પદાધિકારીશ્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.


 
			






