ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ કોરોનાથી થયા મુકત

રાજકોટની સિવિલ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરના ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ હરિભાઇ ત્રાંબડિયા કોરોના –કબજિયાતની બિમારીથી મુકત બન્યા છે.
અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ
રાજકોટ, ૧૯ ઓક્ટોબર: હરિભાઇ પરિવારજનો સાથે નિવૃત જીવન પસાર કરે છે. તેમને કબજિયાતની તકલીફ રહેતી હતી. રાજકોટના બે જેટલા ખાનગી તબીબો પાસે હરિભાઇએ પોતાની બિમારીની સારવાર કરાવી હતી. જેમાં વિવિધ ટેસ્ટની સાથે કોરોનાનો રિપોર્ટ પણ કરાવ્યો. રિપોર્ટ પોઝિટીવ આવતા ખાનગી તબીબે હરિભાઇને સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા માટે ભલામણ કરી. જેથી તેઓ સિવિલમાં કોરોના ટેસ્ટ ફરી કરાવ્યો. ત્યાં પણ રિપોર્ટ ફરી પોઝિટીવ આવ્યો. જેથી બે દિવસ તેઓને સિવિલ હોસ્પિટલમાં અને પાંચ દિવસ સુધી સમરસ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.
હરિભાઇ કહે છે કે, મને જયારે જાણ થઇ કે કોરોના છે ત્યારે પહેલા તો હું અને મારા પરિવારજનો ગભરાઇ ગયા હતા. ૭૯ની વયે બિમરીમાંથી સાઝા થવું અઘરૂ છે, પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દી તરીકે નિયમિત અને ઉત્તમ સારવારથી લઇ આરોગ્યવર્ધક ભોજન પ્રાપ્ત થતાં મારી કબજિયાત અને કોરોનાની બિમારી દૂર થઇ છે. મારા સહિત પરિવારજનો પણ ખુશ છે કે હુ કોરોનાના સંક્રમણથી બહાર આવી શકયો છું. આ માટે મારી સારવાર કરનાર તબીબો, નર્સો સહિતના તમામ સ્ટાફનો આભારી છું. ડોકટર, નર્સો સહિતનો સ્ટાફ બહુ માયાળુ હતો. સારવાર હાઇકલાસ કરી હતી, મારી સરભરા પણ સારી કરી હતી. ખાવાપીવાનું પણ સરસ હતું. હા, પરિવારથી દૂર બહુ સોરવતું ન હતું.
સરકારી આઇસોલેશન વિશે હરિભાઇ કહે છે કે, હું દાખલ થયો તે દરમિયાન મને દરરોજ ચાર થી પાંચ વાર અલગ અલગ ડોકટર, નર્સો સહિતનો મેડિકલ સ્ટાફ આવી ઓકિસજન લેવલ તપાસતું. બીજા અનેક પ્રકારના ટેસ્ટ પણ થતાં હતા. નિયમિત દવાઓ અપાતી હતી. બપોરે અને રાત્રે ભોજન પણ આરોગ્યવર્ધક સારી ગુણવતાનું પૂરુ પડાતુ હતું. સવારે અને સાંજે ચા અને હળવો ગરમ નાસ્તો તથા રાત્રે હળદળવાળું દૂધ આપવામાં આવતું હતું.
આમ હરિભાઇ સહી સલામત રીતે કોરોનાને મહાત આપી નવજીવન પ્રાપ્ત કરી પોતાના ઘરે પરત ફર્યા છે. આ નવજીવન સીવીલની શ્રેષ્ઠ સારવારના કારણે શકય બન્યુ છે. તેમની કોરોનાને હરાવવાની લડાયક વૃત્તિથી કોરોનાનું સંક્રમણ પરાસ્ત થયું છે.
*******