આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં ખૂબ સારી જોગવાઈ

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં ખૂબ સારી જોગવાઈઓ છે, ગરીબ-મધ્યમ વર્ગને પરવડે તેવો વ્યાજ દર – રમેશભાઈ મંગવાણીયા
અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ
રાજકોટ, ૦૨ નવેમ્બર: હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે તેના સંક્રમણને અટકવવા લોકડાઉન સહિતના પગલાં અમલી બનાવાયા હતા. જેના પગલે લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ ધંધા-વ્યવસાય બંધ રહ્યા હતા. રાજ્ય સરકારે આ સમયે આર્થીક પ્રવૃતિને ગતીમાન બનાવવા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ તથા ૨ જાહેર કરી, જેના પરિણામે આ યોજના લોકડાઉન બાદ ફરી લોકો ધંધા-રોજગાર શરૂ કરવામાં પ્રાણવાયુ સાબિત થઈ રહી છે. ત્યારે આજે વાત કરવી છે રાજકોટમાં શાકભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવતાં આ યોજના લાભાર્થી રમેશભાઈ મંગવાણીયાની….
રમેશભાઈ પોતાના વ્યવસાયને ગતિ આપવા માટે નવા ઉત્સાહ દ્રઢ નિર્ધાર વ્યક્ત કરતા કહે છે કે,”કોવીડ-૧૯ના પગલે વ્યાપેલી મહામારીમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. એટલે સ્વભાવિક રીતે મારે શાકભાજીની લારી ચલાવવાનું પણ બંધ કરવું પડ્યું, આ લોકડાઉનના કારણે કમાણીનો સ્ત્રોત હતો તે જ બંધ થઈ ગયો અને સતત ચિંતા સતાવતી રહેતી કે હવે કેવી રીતે ઘર ચલાવી શું,.. ? પરંતુ ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત સહાય મળતા હું ચિંતામુક્ત બન્યો, આ યોજનાનો લાભ લેવા માટે મેં ધી કો-ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટ લિમિટેડ (રાજ બેન્ક) ની મુલાકાત લીધી, ત્યાં લોન વિશે આવશ્યક માહિતી મેળવી, ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને, અરજી કરતા તુરંત મને રૂા. ૫૦ હજારની લોન મળી ગઈ. લોન મળતાં શાકભાજી ખરીદી કરી, લારીમાં આવશ્યક રિપેરિંગ કરી મેં મારો ધંધો ફરી શરૂ કર્યો છે. આ યોજનામાં ખૂબ સારી જોગવાઈઓ છે, ગરીબ-મધ્યમ વર્ગને પરવડે તેઓ વ્યાજદર છે, માત્ર બે ટકાના વ્યાજદરે લોન મળે અને તેમાંય પણ છ માસ સુધી લોનના હપ્તા ભરવામાંથી છૂટ મળે છે. હું સરકારનો આભારી છું કે આમારા જેવા નાના ધંધાદારીઓ માટે આ લોન રૂપી આર્થિક ટેકો પૂરો પાડ્યો. “
આમ, આત્મનિર્ભર સહાય યોજનાએ રમેશભાઈ જેવા રોજે રોજનું કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકોનું મનોબળ મજબુત કરીને તેમને પુનઃ પગભર બનાવ્યા છે.