લોકડાઉનમાં ગુજરાતનું ગ્રામ્ય-અર્થતંત્ર પશુપાલનને કારણે ધબકતું રહ્યું: મુખ્યમંત્રી શ્રી
મુખ્યમંત્રી નિવાસનું પ્રાંગણ બન્યું પશુપાલકોના ચિંતન-મનન નું કેંદ્ર

ગુજરાતની ઓળખ એવી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન થકી પશુપાલકો કામધેનુ સમાન ઉંચી ઓલાદની ગાયોની જાળવણી અને મહત્તમ દૂધ ઉત્પાદન કરે તે રાજ્ય સરકારની નેમ: મુખ્યમંત્રીશ્રી
- રાજ્યના પશુપાલકોને કારણે ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર
- લોકડાઉનમાં ગુજરાતનું ગ્રામ્ય-અર્થતંત્ર પશુપાલનને કારણે ધબકતું રહ્યું
- રાજ્ય સરકારે ગૌ-વંશ હત્યા પ્રતિબંધ માટે કડક કાયદા બનાવી તેનું અસરકારક પાલન કરાવ્યું
- ખેતી સાથે પશુપાલન વ્યવસાય પુરક નહીં પણ સમકક્ષ વ્યવસાય બન્યો છે
અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ
ગાંધીનગર, ૧૭ ડિસેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના પશુપાલકોના પરિશ્રમને કારણે ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. પશુપાલન ક્ષેત્રે વિકાસ, શ્વેતક્રાંતિ અને અમૂલડેરી જેવા ગૌરવ ગુજરાતને પશુપાલકોએ જ અપાવ્યા છે. પશુપાલન ક્ષેત્રે રાજ્યને સ્વાવલંબી બનાવવામાં મહિલાઓનું પણ યોગદાન મહત્વપૂર્ણ છે તેમ તેઓએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સી.એમ. કોમન મેન તરિકે રાજ્યના વિવિધ સમાજ-વર્ગો સામે મુક્ત મને સંવાદ-ગોષ્ઠી અને તેમના પ્રશ્નોની રજુઆત-સમાધાન માટે શરુ કરેલી મોકળા મને સંવાદ શૃંખલાની વધુ એક કડી સંપન્ન કરી હતી.

તેમણે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓના પશુપાલકોને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીને સોશિયલ ડિસ્ટન્સિગ અને કોરોના સંક્રમણ નિયંત્રણ એસ.ઓ.પી, સાથે મોકળા મને સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોનામાં આખું વિશ્વ લોકડાઉનમાં હતું ત્યારે ગુજરાતનું ગ્રામ્ય અર્થતંત્ર પશુપાલનને કારણે ધબકતું હતું. પ્રતિદિન ૨૮૯ લાખ લીટર દુધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં અગ્રીમ હરોળનું રાજ્ય છે. ગુજરાતની ઓળખ એવી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન થકી કામધેનુ સમાન ઉંચી ઓલાદની ગાયોની જાળવણી અને મહત્તમ દૂધ ઉત્પાદન રાજ્ય સરકારની નેમ છે, તેમ તેમેણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, લોકડાઉન દરમિયાન પશુપાલકોની વિવિધ રજુઆતો ધ્યાને લઇ રાજ્ય સરકારે અસરકારક પગલા લીધા છે. વિભિન્ન યોજના હેઠળ રૂ. ૨૦૦ કરોડની સબસીડી મંજુર કરવામાં આવી છે. રાજ્યની મોટી સહકારી દૂધ મંડળીઓ ૧૯,૫૦૦ ગામડામાંથી દૂધ એકત્રીત કરે છે. રાજ્યનાં ૩૭ લાખ લોકો પશુપાલન સાથે સીધા સંકળાયેલા છે. ખેડુતો ખેતી સાથે પશુપાલનનો પણ વિકલ્પ છે અને રાજ્ય સરકાર તેને પ્રોત્સાહિત કરે છે.
તેમણે કહ્યું કે, ગાય માતાની રક્ષા આપણા સૌની ફરજ છે. રાજ્ય સરકારે ગૌ-વંશ હત્યા પ્રતિબંધ માટે કડક કાયદા બનાવી તેનું અસરકારક પાલન કરાવ્યું છે. હરતાં-ફરતાં પશુ દવાખાના અને કરુણા અભિયાનનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, રાજ્ય સરકારે જીવ-પ્રાણી માત્ર પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે આથી જ પશુઓ માટે અનેક પ્રકલ્પો-યોજનાઓ અમલમાં મુકી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે. ખેતીમાં જીવામૃતના ઉપયોગ માટે ગાય રાખવી આવશ્યક છે. રાજ્ય સરકાર ગાયના નિભાવ માટે ગાય દીઠ રૂ. ૯૦૦ ની આર્થિક સહાય પણ આપે છે. આજે અહીં પશુપાલકો ગર્વથી પોતે નિભાવતા ગૌ-વંશની સંખ્યા ૬૦, ૨૦૦ કે ૪૦૦-૫૦૦ સુધી જણાવી રહ્યા છે. પ્રાચીન કાળમાં વધુ ગૌ-ધન સમૃદ્ધિની નિશાની ગણાતી એ સમય હવે પાછો આવ્યો છે. તેમણે વધુંમાં કહ્યું કે, સુદ્રઢ પરિવહન વ્યવસ્થા, પાકા રસ્તાઓનું નેટવર્ક અને પશુ-દવાખાનાને કારણે દૂધ ઉત્પાદન ક્ષેત્રે આપણે ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહ્યા છીએ. દૂધની અવનવી પ્રોડક્ટ્સનું આપણે માર્કેટ ઉભું કરી શક્યા છીએ. અમુલ ડેરી વિશ્વની ટોપ-૨૦ ડેરીમાં સામેલ છે. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં જ કચ્છ ખાતે ડેરી-પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. બહોળી સંખ્યામાં રોજગારી આપનારા પશુપાલન ક્ષેત્રમાં માથાદીઠ આવક વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ મોકળા મને સંવાદ કરતા કહ્યું કે અહીં ખુલ્લામને ચર્ચા કરવા બોલાવીએ છીએ. લોકો રજુઆતો કરવા આવેદનપત્રો લઇને આવે તો જ કામ થાય તેવુ નહીં પણ સામેથી લોકોને બોલાવી-આમંત્રીત કરી તેમના પ્રશ્નો-રજુઆતો સાંભળવામાં આવે છે એવો પ્રોએક્ટિવ અભિગમ છે. મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્યભરમાંથી આવેલા પશુપાલકોએ તેમના પ્રશ્નો-મુશ્કેલીઓ અને રજુઆતો વ્યક્ત કરી હતી.
આણંદના પશુપાલક શ્રી સંજયભાઇ રબારિએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ પોતે ૫૦૦ ગાય નિભાવી રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક સ્પર્ધા અને દૂધ ઉત્પાદન હરીફાઇમાં વિજેતા બન્યા તે પાછળની સાફલ્ય-ગાથા વર્ણવી હતી. તેઓએ વિભિન્ન પશુપાલન સહાય યોજનાનો ઉલ્લેખ કરી તેને બિરદાવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પશુપાલક શ્રી પરમાર રજનીકાંતે મોકળા મને પોતાની વાત રજુ કરતા કહ્યું કે, માણસ પ્રાર્થના કરવા બેસે ત્યારે મોકળા મને પ્રભુ સાથે વાત કરતો હોય છે. આજે મુખ્યમંત્રીશ્રીએ અમારા વડીલ-સ્વજન બની અમારા મોકળા મનની વાત સાંભળી છે તે બદલ તેઓનો આભાર.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગોંડલના શ્રિમતી ગીતાબહેને સરકારી યોજનાનો લાભ મેળવી ૦૧ માંથી ૪૫ ગાય રાખતા થયા અને વર્તમાનમાં ૧૪લાખ રૂપીયાનો નફો રળતા હોવાની વાત જણાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનિકુમાર, પશુપાલન વિભાગના સચિવ શ્રી નલીન ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.