Hu tame ne aapne: હું, તમે ને આપણે : પરસ્પરની પાંપણે!
Hu tame ne aapne: લખું છું ખાલી દિલને મનાવવા માટે, બાકી જેમના પર આંસુઓની અસર નથી થતી એમના પર આ શબ્દોની શું થવાની !? સદ્દભાવનાઓનું વાવેતર જીવનમાં વહેલું મોડું ફળ આપ્યા વિના રહેતું નથી. નીતિ ને નિષ્ઠા બંને, એકજ સિક્કાની બાજુ છે. સત્કર્મ એટલે ઈશ્વરની ભક્તિ જેથી આપણું હૃદય નિર્મળ અને સર્વશ્રેષ્ઠ તીર્થ બની જાય છે !
ખુશી અને આનંદ જ એવી વસ્તુ છે જે તમારી પાસે નહીં હોવા છતાં આપણે ધારીએ તો અને ત્યારે, તેટલી માત્રામાં બીજાને આપી શકીએ છીએ. હદ તો સરહદને હોય, સ્નેહ તો અનહદ જ હોય ! પૂર્ણતાના તો સૌ પ્રશંસક હોય જ છે પરંતુ અપૂર્ણતા સાથે જે અપનાવે એ જ સાચો સંબંધ માનવો.
નિજ આનંદ પામવા કરતા ય અઘરું છે,
કોઈને પણ આનંદ કરતા ય જોઈ શકવું.
ગંગા સુધી જઈ ન શકાય તો શી ફીકર ?
વહે ચક્ષુમાંથી જે ધારા સૌથી પાવન છે.
જે આંખમાં આવે તે બધું કહી ન શકાય,
એ આંસુઓનું મૂલ્ય પણ કહી ન શકાય.
આપણી સાવ નજીકની વ્યક્તિઓ જ આપણને વધુ દુઃખ આપતી હોય છે. કારણ શું ? તે વખતે શું કરવું ? જેમની સાથે સૌથી વધુ પ્રેમ સંબંધ ને સૌથી વધુ દ્વેષ સંબંધ ભોગવવાના બાકી હોય તે જ વ્યક્તિઓ આપણી સૌથી નજદીક આવે છે. બાકી તો દુનિયામાં કરોડો લોકો છે.
લેણદેણના સંબંધ વગર કોઈ આપણી સાથે જોડાતું નથી. કોણ આપણાં મા-બાપ બનશે ? કોણ જીવનસાથી ? કોણ ભાઈ બહેન ? કોણ પુત્ર-પુત્રવધૂ ? કોણ દીકરી-જમાઈ ? કોણ પાડોશી ? કોણ સગા-વ્હાલા ? આ બધું જ આપણે આ સૃષ્ટિમાં જન્મ લેતાં પહેલાં પૂર્વ જીવનનાં કર્મ પ્રમાણે નક્કી થઈ જાય છે.
જ્યારે કોઈ આપણા જ નજદીકના વ્યક્તિઓ આપણને દુઃખ આપતા હોય ત્યારે વિચારવું કે આ મારાં સગા બન્યા છે તે પણ મારા જ કોઈ પૂર્વજન્મનાં લેણદેણને કારણે તે આજે મારી સાથે વેર રાખી રહ્યાં છે. તેનું કારણ મારા જીવે પૂર્વજન્મમાં ક્યારેક એ જીવ સાથે વેર બાંધ્યું હશે. ભલે આજે હું મારી જાતને નિર્દોષ માનતો હોઉં પણ હું ક્યાં જાણું છું કે પૂર્વજન્મમાં મેં આનાથી અનેક ઘણું દુ:ખ એ જીવને આપ્યું હશે. આજે જ્યારે એ જીવ મારી સાથે હિસાબ પૂરો કરવા આવ્યો છે કે મારાં જ કૃત્યની મને ભેટ પરત કરવા આવ્યો છે. ત્યારે હું સમતાભાવે સહર્ષ સ્વીકાર કરું તો જ આ વેરની ગાંઠ ભેદી શકાશે.
ક્યારેક કોઈ વ્યક્તિ સાથે થોડો વખત સારા સંબંધ રહે છે. પછી એ જ વ્યક્તિ દુશ્મન જેવી બની જાય છે ત્યારે સમજવું કે એની સાથે રાગના સંબંધ હતા તે પૂરા થયા. હવે વેરના સંબંધ ચાલુ થયા લાગે છે – તેવા સમયે બે વસ્તુ ધ્યાનમાં રાખવી. રાગ અને પ્રેમના સંબંધોનો ઉદય થાય ત્યારે ખૂબ ખુશ ન થવું, અહંકાર ન કરવો, રાગને ટકાવી રાખવા કાવાદાવા ન કરવા, નહીં તો રાગના કર્મોનો ગુણાકાર થઈ જશે. જ્યારે દ્વેષના કર્મનો ઉદય થાય અને દુશ્મનાવટ થાય ત્યારે અત્યંત દુઃખી દુઃખી ન થઈ જવું, રોકકળ ના કરવી.
કોઈ વ્યક્તિને તો હંમેશા નિમિત તરીકે જ જોજો. નિમિત્તને દોષ દેવાનો કોઈ મતલબ નથી. મારા નસીબમાં આમ બનવાનું જ હતું માટે જ આ વ્યક્તિ આમાં નિમિત્ત બની છે એમ વિચારીને જે બન્યું છે તે બધું જ હસતે મોઢે સ્વીકારવું. તમારા નજીકના સગાને જ તમને ખરાબ ચિતરવામાં બહુ રસ હોય છે. દૂરનાને તો શું પડી હોય ? પાર્શ્વનાથ ભગવાનને એમના સગા ભાઈનો જીવ, આઠઆઠ ભવ સુધી તેમને મારવા વાળો બન્યો હતો. ગાંધીજીને આખી દુનિયા માન આપે છે, તેમનો ખુદનો દીકરો જ તેમના વિરુદ્ધમાં હતો. ઈસુ ખ્રિસ્તને ખીલા ઠોકવાવાળા એમના જ માણસો હતા.
આ બધાનો વિચાર કરી મનને સમજાવવું કે કસોટી તો સોનાની જ હોય, પિત્તળની ના હોય. અગર હું પિત્તળની કક્ષામાં છું, તો મારે મારી ભૂલો સુધારી સોનાની કક્ષામાં આવવું. જો હું સોનાની કક્ષામાં છું તો જાતને કુદરતને ભરોસે છોડી દેવી.
બીજાના મંતવ્ય પર કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ ન માપવું. પોતાના અનુભવ પછી જ કોઈ વ્યક્તિ વિશે ધારણા બાંધવી, કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ અનુભવ જુદા હોય છે.
આ પણ વાંચો:-MKKN: મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના ગુજરાતની ‘વ્હાઈટ કોટ’ મહિલા વોરિયર્સને પ્રોત્સાહિત કરી રહી
સ્વજન હંમેશાં સહમત જ હોય, એવું શક્ય નથી. અસહમતિ એ અસ્વીકાર કે અપમાન નથી જ. કોઈપણ વ્યક્તિ પાસે પોતાનો અભિપ્રાય હોય છે. એના અનુભવો અને સમજણમાંથી એણે શોધેલો પોતાના સવાલનો જવાબ હોઈ શકે. બે વ્યક્તિના સવાલો સરખા ન હોય, તો એમના જવાબો સરખા કઈ રીતે હોઈ શકે ?
‘મત’નો અર્થ જ અંગત અભિપ્રાય-અંગત પસંદગી એવો થાય. બે વ્યક્તિઓની અંગત પસંદગી જુદી હોય એથી એ એકબીજાની વિરુધ્ધ છે એવું માનવાની જરૂર નથી. વિચારોનું આદાન-પ્રદાન બન્ને જુદી રીતે વિચારવામાં મદદ કરી શકે. ઉંમર, અનુભવ, આવડત કે અંગત લાગણીઓને કારણે કેટલીકવાર આપણે જે ન જોઈ શકતા હોઈએ કે ન સમજી શકતા હોઈએ એ કોઈ બીજી વ્યક્તિ આપણને સમજાવી શકે છે – કારણ કે એની પાસે પરિસ્થિતિને જોવાની એક જુદી દ્રષ્ટિ હોય છે. આપણે જો બીજાની દ્રષ્ટિ સમજી શકીએ તો કદાચ અન્ય વ્યક્તિ પણ આપણી દ્રષ્ટિ સમજવાનો પ્રયાસ કરે.
બેમાંથી કોઈ એક જ સાચું હોય, હોવું જ જોઈએ એવું જરૂરી નથી. બંને પોતાના મત રજૂ કરી જ શકે, અને કોઈપણ બુધ્ધિશાળી વ્યક્તિએ બીજાનો મત સાંભળવાની તૈયારી રાખવી જ જોઈએ. મત દલીલ નથી, અભિપ્રાય, અપમાન નથી અને અંગત વિચાર એ વિરોધ નથી.
ગમે તેટલો પ્રેમ કરતા હોઈએ એથી સામેની વ્યક્તિએ આપણી સાથે સહમત થવું જ જોઈએ એવો આગ્રહ ન રાખી શકાય. એવી જ રીતે કોઈ વ્યક્તિ આપણા વિચારનો કે આપણી વાતનો વિરોધ કરે, આપણે માનતા હોઈએ કે વિચારતા હોઈએ એથી જુદું કહે તેથી એને આપણા માટે પ્રેમ નથી એવું કેવી રીતે માની શકાય ?
અત: આત્મીયતા હોય ત્યાં આકર્ષણ જન્મે, વિશ્વાસ હોય ત્યાં વાત્સલ્ય જન્મે અને શ્રધ્ધા હોય ત્યાં સ્નેહ જન્મે. જીંદગી શું છે ? આરંભે ઈશ્વરે બક્ષેલી યાત્રા, મધ્યે આભાસી સુખ-દુઃખ ભરેલી જાત્રા અને અંતે તો એ બીજાઓ માટે ફક્ત નાનકડી વાર્તા….
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો