Surendranagar ADM released notification: સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
Surendranagar ADM released notification: ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
ચાઈનીઝ માંજા/ પ્લાસ્ટિક દોરી/ કાચ પાયેલી નાયલોન દોરી/ ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ)ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ
સુરેન્દ્રનગર, 20 ડિસેમ્બર: Surendranagar ADM released notification: ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે અગાઉથી પતંગ તથા દોરીના વેચાણ બાબતે તેમજ ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. આ દિવસોમાં “સ્કાય લેન્ટર્ન”(ચાઈનીઝ તુક્કલ), ચાઈનીઝ દોરી તેમજ ચાઈનીઝ માંજા/સિન્થેટિક માંજા/નાયલોન/સિન્થેટિક પદાર્થ/ પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થની કોટીંગ કરેલ હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરીના ઉપયોગથી પશુ-પક્ષી તેમજ પર્યાવરણ નુકસાન, આગની કે તેવી અન્ય કોઈ દુર્ઘટના ન બને તે બાબતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા તા.૧૫/૦૧/૨૦૨૩ સુધી પતંગ ચગાવવા સંબંધિત નિયંત્રણો મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અંતર્ગત ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, નવી દિલ્હી અને હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ હુકમ અન્વયે ચાઈનીઝ માંજા/ પ્લાસ્ટિક દોરી/ કાચ પાયેલી નાયલોન દોરી/ ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ)ના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો ભંગ કરનાર વિરુદ્ધ The Environment (protection) Act, 1986, The Prevention of Cruelty to animal Act 1960, The Wildlife (protection) Act,1972 અને Indian penal code, 1860 વગેરે હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, નવી દિલ્હી સમક્ષની એપ્લિકેશન તથા કેસના હુકમથી આપેલ ડાયરેક્શન અન્વયે પતંગ ચગાવવાના નાયલોન અથવા અન્ય સિન્થેટિક માંઝા, સિન્થેટિક પદાર્થની કોટિંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/ ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો ભંગ કરનાર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મકાન/ ફ્લેટનાં ધાબા/ અગાસી કે રહેણાંક સોસાયટીઓના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફ્લેટ/ રહેણાંક સંબધિત કોઈપણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી/ ફ્લેટના સેક્રેટરી/અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુદ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કોઈપણ વ્યક્તિ જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈ પણ પ્રકારના લખાણો/સ્લોગન/ચિત્રો પતંગ પર લખી શકાશે નહીં. કોઈપણ વ્યક્તિને જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ/રસ્તા/ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા નહીં. આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર પણ વગાડવા નહીં. કપાયેલ પતંગો અને દોરીઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસની લાંબી લાકડીઓ, લોખંડના કે કોઈપણ ધાતુના તારના લંગર બનાવીને આમ-તેમ શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ પર દોડાદોડી કરવા પર તેમજ ટેલીફોન કે ઇલેક્ટ્રીકના તાર પર લોખંડ કે કોઈપણ ધાતુના તાર, લંગર(દોરી) વડે ફસાયેલ દોરી કે પતંગ કાઢવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આ બધી જ સૂચનાઓના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ રાખવાનું રહેશે તથા જરૂરિયાત અનુસાર ડ્રોન તેમજ સી.સી.ટી.વી. મારફતે પણ સર્વેલન્સ પણ રાખવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ/મદદગારી બદલ ભારતીય દંડ સહિતાની કલમ-188 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ-131 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે. અહેવાલ: માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર