15th Aug 2024

78th Independence Day: હું તો બહુ જ દેશપ્રેમી છું……વૈભવી જોશી

Banner Vaibhavi Joshi

(વિશેષ નોંધ: આ વ્યક્તિગત મત અને સ્વાનુભવનાં આધારે લખાયેલ લેખ તો નહિ પણ આક્રોશ જ કહી શકાય. જો કે અપવાદો પણ હોય જ તથા સ્ત્રી અને પુરૂષ બંનેને લાગુ પડે છે એટલે કોઈએ બંધબેસતી પાઘડી પહેરી બિનજરૂરી વાદ-વિવાદમાં સમય ન વેડફવા નમ્ર વિનંતી.)

google news png

78th Independence Day: મેં એક ભાઈ સાથેની મારી ૧૫મી ઓગસ્ટને લગતી વાતચીતમાં હેમંતભાઈની આ પંક્તિ ટાંકી એમાં તો જાણે એ ભાઈને એટલું તો લાગી આવ્યું કે એમણે તરત જ મને એ કેટલાં દેશભક્ત છે એ ગણાવવાનું શરુ કરી દીધું. મને કહે, “અરે બેન, હોતું હશે, હું તો બહુ જ દેશપ્રેમી છું. ૧૫મી ઓગસ્ટ હોય કે ૨૬ જાન્યુઆરી હું ગમે ત્યાંથી આપણો ધ્વજ લઇ આવું અને મારી ગાડીમાં મૂકું, મારાં ઘરની બાલ્કનીમાં પણ લહેરાવું અને મારાં છોકરાંઓને પણ આપું”.

એટલે મેં વચ્ચે જ ટાપસી પૂરી, “અચ્છા, પેલા પ્લાસ્ટિકનાં ધ્વજ હોય છે એ જ ને ? (હું મનમાં બબડી જે બીજાં દિવસે જમીન પર રીતસર ધુળમાં આળોટતાં જોવા મળે છે) એટલે કહે, “હા વળી એ જ તો. અરે ! આ તો સાચો ધ્વજ ક્યાં મળે એ ખબર નથી નહીંતર એ પણ લઈ આવું અને લહેરાવું મારા ઘરની બાલ્કનીમાં. એય ને બધાં જુએ!“ એટલે સામાન્ય માણસ માટે ધ્વજનાં ઉપયોગ વિશેના નિયમોથી સંપૂર્ણ અજાણ છે એવી મારી ધારણા બિલકુલ સાચી પડી.

હજી હું કંઈ આગળ કહું એ પહેલા એમણે એમનો દેશપ્રેમ આગળ ચલાવ્યો અને કહે, “હું તો આપણા ક્રિકેટરો દેશ માટે જીતીને આવે એટલા માટે કેટલી પ્રાર્થના કરું ને કેટલો સપોર્ટ કરું છું ખબર છે? એક પણ મેચ જોવા જવાનું છોડું નહિં” એટલે મેં પાછું ઉમેર્યું, “અચ્છા, ક્રિકેટપ્રેમી હોવું એટલે દેશપ્રેમી હોવું ? જો કે એ મારાં પ્રશ્નાર્થનો ભાવાર્થ સમજ્યાં જ નહિ અને આગળ હાંકે રાખ્યું અને કહે, “અરે બહેન! શું વાત કરું તમને, આપણા સૈનિકો પર જેટલી પણ ફિલ્મો બની છે એ બધી મેં જોઈ છે.”

એમણે નામ પણ ગણાવવાનાં ચાલુ કર્યાં એટલે મેં એમને અધવચ્ચે જ અટકાવ્યા. (હવે તો જરા અકળાઈને) મારાથી બોલાઈ ગયું, “ફિલ્મોમાં સૈનિકોનો માત્ર કિરદાર ભજવે છે એ ફિલ્મો તમે જોઈ છે અને યાદ છે એ તમારો દેશપ્રેમ છે ?” જોકે એ મારા ચહેરા પરની અકળામણ સાથેનો પ્રશ્નાર્થ કળવામાં સંપૂર્ણ અસક્ષમ છે એ સ્પષ્ટ વર્તાતું હતું. જો કે પછી મને પણ એ કહેવત યાદ આવી “ભેંસ આગળ ભાગવત” કદાચ આને જ કહેવાતું હશે કે શું ? એટલે હું મૂળ મુદ્દા પર પાછી આવી ગઈ, જ્યાંથી અમારી વાતચીત શરૂ થયેલી અને એ હતો એમનો ૧૫મી ઓગસ્ટનો પ્લાન.

મેં તરત જ કહ્યું, “એટલે ટૂંકમાં કાલે આખો દિવસ જલસા એમ ને ? ઓફિસે તો જવાનું નહિ હોય.” એટલે પાછા હક્કથી કહે, “હાસ્તો બહેન, કાલે તો જાહેર રજા એટલે એયય.. ને આરામથી ઊઠીશું, પછી મસ્ત વાડીગામનાં ગરમાગરમ ફાફડા લેતો આવીશ.” મેં વળી કટાક્ષમાં કીધું, “લે..જલેબી નહિ ?” તો પાછા ગર્વથી કહે, “એ તો ફાફડા હોય એટલે જલેબી સમજી જ લેવાનું હોય ને (જેઠાલાલનાં ફાફડા-જલેબીની જોડી પણ એમનાં જેટલી જ પ્રખ્યાત છે એ મને આજે જ સમજાયું).

મસ્ત ગરમાગરમ નાસ્તો કરી તૈયાર થઈ લંચ પહેલાં જરા દોસ્તોને મળી ગપ્પા મારીશું. પછી જમી કરીને ટેસથી બપોરે એકાદ દેશભક્તિની ફિલ્મ જોઈશું અને પછી થોડો આરામ. સાંજે જોઈશું, છોકરાઓને બહાર કશેક મોલમાં કે ગાર્ડનવાળી જગ્યા એ લઈ જઈશું એટલે એ લોકો પણ ખુશ. પાછો અમારા શ્રીમતીજીનો ઓર્ડર છે કે સાંજે તો રસોડું બંધ જ રહેશે હો, એક દિવસ અમને પણ તો શાંતિ જોઈએ કે નહિ એટલે ડિનર બહાર જ પતાવીશું.”

મેં પાછું કટાક્ષમાં કહ્યું, “વાહ ! ખૂબ સરસ પ્લાન છે હોં, ૧૫મી ઓગસ્ટનો…” અને મનમાં ને મનમાં બબડતાં-બબડતાં ત્યાંથી જલ્દીથી ખસી જવામાં જ મેં શાણપણ સમજ્યું. હું ત્યાંથી ચાલી તો નીકળી પણ આ વાતચીત પછી મારાં મનમાં વિચારોનું ઘોડાપુર દોડી આવ્યું.

Rakhi Sale 2024 ads

આટલી વાતચીત મારાં માટે પૂરતી હતી એ સમજવા કે કદાચ વર્તમાન સમયમાં આ ઘરઘરની કહાની બની ગઈ છે. અમુક અપવાદોને બાદ કરતા શું ખરેખર આજ રીતે આ બધાં લોકો એમનાં દેશ પ્રત્યેનાં પ્રેમને છતો કરે છે અથવા એમનાં દેશપ્રેમની વ્યાખ્યા શું આ જ છે? આ ભાઈ જે પ્લાસ્ટિકનાં ધ્વજ માટે આટલા ઉત્સાહી જણાતાં હતાં શું એમને ખબર પણ છે કે ૨૨ જુલાઈ ૧૯૪૭નાં દિવસે બંધારણ સભા દ્વારા વર્તમાન ત્રિરંગાનાં આકાર અને પ્રકાર નિશ્ચિત કરાયા હતા અને પંડિત જવાહરલાલ નહેરૂએ વર્તમાન ત્રિરંગા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ જાહેર કર્યો હતો?

શું એમને ખબર છે કે સરકારી કર્મચારીઓ કે મકાનો સિવાય સામાન્ય માણસ માટે પણ ધ્વજનાં ઉપયોગ અંગે કેટલાક નિયમો છે? કાગળના ધ્વજ કચરાપેટીમાં એકઠાં થાય છે એ રાષ્ટ્રીય ગુનો બને. જોકે આપણે ત્યાં એની સામે કોઈ પગલાં લેવાતાં ન હોવાથી કોઈ પણ રાષ્ટ્રીય દિવસની ઉજવણી પછી ઠેર-ઠેર કાગળનાં ધ્વજના ઢગલાં જોવા મળે છે જે તમામ દેશવાસીઓ માટે અત્યંત શરમજનક બાબત છે.

ફ્લેગ કોડ મુજબ રાષ્ટ્રીય સ્મારક, રાષ્ટ્રીય કચેરી, રાજ્યોનાં પ્રધાન અને સંસદનાં સભ્યો સિવાય કોઈ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકતાં નહોતાં. ૨૦૦૨માં સત્તાવાર રીતે એવી પરવાનગી મળી કે રાષ્ટ્રધ્વજનાં નીતિનિયમ સાથે એ ધ્વજનો કોઈ સામાન્ય વ્યક્તિ પણ વપરાશ કરી શકે છે. સામાન્ય માણસ પણ રાષ્ટ્રધ્વજનો ગર્વપૂર્વક ઉપયોગ કરી શકે એ પ્રકારનો ચુકાદો લઈ આવવાનું કામ નવીન જિન્દલે કર્યું હતું. નવીન જિન્દલે ૭ વર્ષ સુધી આ માટે સંઘર્ષ કર્યો અને છેવટે ૨૦૦૨માં તેમની માંગણી સ્વીકારીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ પણ ગર્વભેર કરી શકે એ માટે પરવાનગી આપી.

શું એ ભાઈને આમાંની એક પણ વાતની જાણ હશે ? ખાદીનાં એક ટુકડામાંથી બનેલો આપણો ધ્વજ એ ફક્ત કાપડનો ટુકડો ન રહેતાં આખા દેશનો આત્મા છે અને આપણી આઝાદીનું પ્રતિક છે. એનું મૂલ્ય શું આવા લોકો સમજે છે ખરાં ? આ ભાઈ જેવાં તો લાખો, કરોડો લોકો એમ સમજતાં હશે કે દેશદાઝ કે દેશનાં જવાનો પર બનેલી ફિલ્મ જોવી કે યાદ રાખવી એ દેશપ્રેમ છે. કોઈ ફિલ્મમાં દેશ માટે ફના થઈ જવાનો અભિનય કરવો અને પોતાના વતન માટે હકીકતમાં એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર પ્રાણની આહુતિ આપી દેવી એનો ફરક આપણાં જેવાં સામાન્ય લોકોને સમજાય છે ખરો ?

Reel ની life અને real ની life નો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી એ તો આવા બહાદુર જવાનોની માતા, પત્ની કે સંતાનોને પૂછીએ તો ખબર પડે. સાદર પ્રણામ આવી પત્નીને, માતાને અને એમના સંતાનોને. આજે આપણે સહુ આપણા ઘરોમાં સુરક્ષિત છીએ કારણકે આવા વીર જવાનો દેશને સાચવવાં માટે અડીખમ ઊભા છે. ભારતની સેના દેશની સીમાઓનાં રક્ષણ માટે કટિબદ્ધ છે, વાયુદળ, નૌકાસેના અને લશ્કરી રૂપે.

મેરી કોમ, મિલ્ખાસિંઘ, પાનસિંહ તોમર જેવા કેટલાય લોકોનાં નામ આજે ઘર ઘરમાં જાણીતાં થયાં એનું કારણ પણ લોકપ્રિય કલાકારોએ એમનાં જીવન પર આધારિત ફિલ્મો બનાવી એટલે. આપણા માટે આ ખૂબ જ શરમજનક બાબત છે કે આવી પ્રતિભાઓનો પરિચય લોકો સુધી પહોંચાડવા એ લોકોનો સહારો લેવો પડે છે જે લોકો માત્ર એ રમત રમવાનો અભિનય કરી જાણે છે. જ્યારે હકીકતમાં કેટકેટલી પ્રતિકુળતાઓનો સામનો કરી, પોતાનો પરિવાર સાચવતાં-સાચવતાં પણ ભારે પરિશ્રમ કરી વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરનાર આવી વિરલ પ્રતિભાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે.

ટૂંકમાં ભુલેચુકે પણ લોકનજરે ચઢેલા અને અનોખી સિદ્ધિ મેળવનારા રમતવીરોને કચકડે મઢીને એમની સિદ્ધિઓને પોતાની લોકપ્રિયતામાં વટાવવાનો ખુબ સરળ માર્ગ બોલીવુડનાં દિગ્દર્શકો અપનાવતાં હોય છે. આપણે મોંઘીદાટ ટિકિટો ખરીદીને આવી ફિલ્મો જોવાં જઈએ છીએ પણ હકીકતમાં એમના જીવન પર આધારિત ફિલ્મો બન્યાં વગર કેટલા લોકો આ વિશે જાણવા તત્પર હોય છે કે પોતાના સંતાનો સાથે આવા વિષયો પર ચર્ચા કરે છે કે એમને પ્રેરિત કરે છે?

આ ભાઈ જેવા તો કેટલાંય લોકો હશે જેમનો દેશપ્રેમ ફક્ત ક્રિકેટ રમાતું હોય એ વખતે જ પૂરજોશમાં ઉછાળા મારે છે. ક્રિકેટમાં જીતવું એટલે જાણે જંગ જીત્યાં બરાબર હોય છે અને જો ભૂલેચૂકે પણ હારીને આવે તો-તો માર્યાં ઠાર, એવી તો જોયા જેવી થાય. રમતને માત્ર એક રમત તરીકે જોતા આપણે ક્યારે શીખીશું ? રમત-ગમતમાં કોઈ એક જ જીતે છે એટલે સ્વાભાવિક રીતે જ બીજો હારે છે તો એને ખેલદિલીપૂર્વક સ્વીકારતાં ક્યારે થઈશું? અન્ય રમત ગમતોને પણ આટલાં જ ઉત્સાહથી વધાવી એટલી જ આતુરતાથી માણતાં ક્યારે થઈશું ?

આ પણ વાંચો:- Examination of parents: માતાપિતા, બાળક અને પરીક્ષા, બેટાં અમે આ પરીક્ષા પાછળ બહુ જ પૈસા ખર્ચ્યા છે એટલે……..

વૈશ્વિક સ્તર પર રમાતી ઓલમ્પિક્સ જેમાં ખરેખર ભારતનું નામ રોશન કરવાનું હોય છે એમાં ભાગ લેવા માટે કેટલા રમતવીરો આપણે તૈયાર કરીયે છીએ? છેલ્લા થોડાં વર્ષોમાં ભારત આ બધી સ્પર્ધાઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ સરસ દેખાવ કરી રહ્યું છે અને વિવિધ મેડલ પણ જીતી રહ્યું છે પણ એ જાણવાની તસ્દી કેટલાંકને લેવી છે? એ બધાં રમતવીરોને પ્રોત્સાહન કે સહકાર આપવાની કેટલા લોકોની તૈયારી છે? (કાઢનારા આમાં પણ ફક્ત સરકારનો જ દોષ કાઢશે પણ આપણે બધાં પણ એટલા જ દોષી છીએ એ સત્ય આપણે ક્યારે સ્વીકારીશું?)

ભારે હૈયે પરાજયનો ભાર ઊંચકી વતન પરત આવતાં ક્રિકેટરોની હાલત કફોડી થયાનાં કે હિંસાત્મક પ્રવૃત્તિઓ બન્યાનાં કિસ્સા પણ આપણે ક્યાં નથી વાંચ્યા. ક્રિકેટ જે આપણી રાષ્ટ્રીય રમત નથી પણ મારાં મતે તો એને રાષ્ટ્રીય રમત ઘોષિત કરી જ દેવી જોઈએ જેથી મોટા ભાગનાં લોકોની આ રીતસરની ઘેલછા કે ગાંડપણ જોઈને દુઃખ તો ન થાય, એવું તો ન લાગે કે આપણી રાષ્ટ્રીય રમત સાથે અન્યાય થાય છે. આ ભાઈ જેવાં તો લાખો કરોડો લોકો હશે આપણા દેશમાં જેમને ક્રિકેટની લગતી વર્ષો જૂની માહિતી પણ મોંઢે હશે. કોણે કઈ મેચમાં કેટલો સ્કોર કરેલો ને કેટલી વિકેટો લીધેલી વગેરે વગેરે… પણ શું એમને આજનાં દિવસનો ઈતિહાસ જાણવામાં રસ છે?

હજી પણ એ ભાઈ સાથેની વાત મારાં મનમાં ઘોળાયા જ કરે છે. શું ખરેખર આપણો સ્વર્ણિમ ઈતિહાસ, આપણા ક્રાંતિવીરોએ આપેલા બલિદાન, આપણા પત્રકારો કે સાહિત્યકારોએ જનતાને જાગૃત કરવા માટે ઉપાડેલી તેજાબી અને તેજતર્રાર કલમો, સામાન્ય જનતાએ આપેલો ભોગ, એમનાં આક્રોશ..આ બધું જાણવામાં આ ભાઈ જેવા કેટલાય લોકોને રસ રહ્યો છે ખરો? સાચે જ આ ભાઈનો પ્લાન સાંભળી મન વ્યાકુળ છે પણ દિલમાં ક્યાંક ઊંડે ઊંડે હજીય આશાનું એક કિરણ ઝળહળે છે કે મા ભારતીનું ગૌરવ વધારનારા એનાં પનોતા પુત્રો આજે પણ એની રક્ષા કાજે દિવસ રાત મહેનત કરે છે પછી એ દેશની બહાર હોય કે દેશની અંદર.

રોજે રોજ સાચા અર્થમાં સ્વતંત્રતા દિવસ તો એ લોકો ઉજવે છે. આપણા તિરંગાની આન, બાન અને શાન જોખમાય નહિ એ માટે જીવ હથેળી પર લઈને ટાઢ, તાપ કે વરસાદની પરવા કર્યા વગર સરહદ પર અડીખમ છે. મને હંમેશા લાગ્યું છે કે આવા વીર જવાનોની નસેનસમાં લોહી નહિ પણ મા ભારતી વહે છે. એમનાં હૃદયનાં એક-એક ધબકારમાં એક જ રણકો છે, ‘વંદે માતરમ’ અને શ્વાસે શ્વાસે એક જ રટણ છે ‘જય હિન્દ’..!!

આજે દરેકને મારી એક નમ્ર વિનંતી છે કે બીજું કંઈ ન કરી શકીયે તો વાંધો નહિ પણ કમસેકમ એવા કોઈ કામ ન કરીયે જેથી મા ભારતીનું મસ્તક આપણા કારણે ઝૂકી જાય. દેશને જેટલો બહારનાં દુશ્મનોથી ખતરો નથી એટલો અંદરનાં પરિબળોથી છે.

કોઈ પણ વિષય કે કોઈ પણ ક્ષેત્રે સાચી સમજ વિક્સાવીશું તો સારો અને મજબૂત સમાજ ઉભો કરી શકીશું. દેશ હોય કે પરદેશ, દિલમાં હિન્દુસ્તાન લઈને ફરતો દરેક નાગરિક જો એટલું ધ્યાન રાખે ને તો આ મહામૂલી આઝાદીને ટકાવી રાખવામાં એ પણ એક મોટું યોગદાન જ કહેવાશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *