Aatmanirbharata in Defence Sector: સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વિષય પર સેમિનાર
Aatmanirbharata in Defence Sector: ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ, GCCI અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે આ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો

ગાંધીનગર, 11 ઓગસ્ટ: Aatmanirbharata in Defence Sector: ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા 11 ઓગસ્ટ, 2025ના રોજ ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે ‘સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા’ વિષય પર એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો. આ સેમિનાર ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ, GCCI અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતનું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે કે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર ‘આત્મનિર્ભર ભારત’ના રાષ્ટ્રીય વિઝન અને વિકસિત ભારત @2047ના વ્યૂહાત્મક રોડમેપ દ્વારા સંચાલિત ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. આજે જ્યારે વધુ ને વધુ ખાનગી કંપનીઓ સંરક્ષણ સંસાધનોના ઉત્પાદનમાં જોડાઇ રહી છે, ત્યારે આ સંરક્ષણ ક્ષેત્રે એક આત્મનિર્ભર ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં સૂક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગો (MSMEs)ની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે.
ગુજરાત, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, અદ્યતન ટેક્સટાઇલ્સ, અને સ્પેશિયાલિટી મટિરિયલ્સ જેવા ક્ષેત્રોમાં એક મજબૂત ઔદ્યોગિક આધાર ધરાવે છે, અને એટલે જ ભારતની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવામાં યોગદાન આપવા માટે ગુજરાત સજ્જ છે. પરંતુ, ગુજરાત સ્થિત ઘણા MSMEs માટે ડિફેન્સ સપ્લાય ચેઇન્સ એટલે કે સંરક્ષણ પુરવઠા શ્રૃંખલાઓ સાથેનું સંકલન મર્યાદિત રહે છે. આ મર્યાદાઓને દૂર કરવા માટે જ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ભારત આત્મનિર્ભર રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત આ સફરમાં એક અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સંરક્ષણ ઉત્પાદન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને રાજ્યએ દર્શાવ્યું છે કે યોગ્ય નીતિઓ, માળખાગત સુવિધાઓ અને કૌશલ્ય વિકાસ સાથે, આપણે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી શકીએ છીએ.”
આ પણ વાંચો:- FASTag વાર્ષિક પાસ; 15 ઓગસ્ટથી શરૂ
કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના ડિફેન્સ પ્રોડક્શનના સંયુક્ત સચિવ મનિષા ચંદ્રા (IAS)એ ‘એરોસ્પેસ અને સંરક્ષણમાં આત્મનિર્ભરતા અને ગુજરાતની ક્ષમતા’ પર સંબોધન કર્યું હતું, જ્યારે ભારત સરકારના ડિફેન્સ પ્રોડક્શનના સચિવ સંજીવ કુમાર (IAS) દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતીના પ્રેસિડેન્ટ બળદેવભાઈ પ્રજાપતિએ પણ કાર્યક્રમમાં વિશેષ સંબોધન આપ્યું હતું.

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે “ગુજરાતમાં અત્યારે આ ક્ષેત્રમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ અને 16 હજાર MSME કામ કરી રહ્યા છે. આ ક્ષેત્રની ક્ષમતાને ઉજાગર કરવાની ગુજરાતમાં વિશાળ સંભાવના છે. ભારતમાં આ ક્ષેત્રમાં મોટાપાયે કામ થયું છે અને આ ક્ષેત્રની ક્ષમતાઓને ઉજાગર કરવા માટે સરકારી યોજનાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ અને નીતિઓનો લાભ લેવો જોઈએ.”
આ ઉપરાંત, (Aatmanirbharata in Defence Sector) કાર્યક્રમ દરમિયાન, સંરક્ષણ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ લોકેશ કુમાર શર્મા દ્વારા સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં MSMEsની ભૂમિકા પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ડિફેન્સ સેક્ટરમાં કાર્યરત એક સ્ટાર્ટઅપ સ્વદેશી એમ્પ્રેસા પ્રા.લિ. દ્વારા સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં DRDO લેબોરેટરીઝના મેજર જનરલ એ.કે.ચાનન દ્વારા સંરક્ષણ ખરીદીઓ પર સંબોધન કરવામાં આવ્યું હતું, જ્યારે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સુમેન્દુ રે દ્વારા ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, SIDBI તરફથી ડેપ્યુટી જનરલ મેનેજર એસ. મુરલીધરન, L&T પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ્સ તરફથી સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર આનંદ મિસ્ત્રી, HAL તરફથી ડેપ્યુટી જનરલ મેનેજર જાવેદ અલી અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ જેવી કંપનીઓના પ્રતિનિધિઓએ વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન્સ આપ્યા હતા તેમજ ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીનું પણ એક સત્ર યોજાયું હતું.

Aatmanirbharata in Defence Sector: આ કાર્યક્રમમાં HAL – હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, અભ્યુદય ભારત પ્રોજેક્ટ્સ પ્રા. લિમિટેડ, યુનિક ફોર્જ રાજકોટ, ઇનસાઇડ FPV ડ્રોન્સ, ઉર્જા પ્રોડક્ટ્સ પ્રા. લિમિટેડ, ક્રિષ્ના એન્જિનિયરિંગ, એસએલએસ સિસ્ટમ લેવલ સોલ્યુશન, સ્પાઇક એન્જિનિયરિંગ, વેક્સમા ટેક્નોલોજીસ પ્રા. લિમિટેડ, એક્સિયો ઇન્સ્પાયર્ડ મેડ ટેક અને SIDBI જેવી સંરક્ષણ ઉત્પાદન કંપનીઓના સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનો ઉદ્દેશ અને ગુજરાતના ફોકસ ક્ષેત્રો
આ કાર્યક્રમનો ઉદ્દેશ, ભારતની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો, ગુજરાત આધારિત MSMEsને રાષ્ટ્રીય સંરક્ષણ સંબંધિત ખરીદીઓ, ઇનોવેશન અને એક્સપોર્ટ સુધીની પહોંચ આપવાનો અને તેમાં ભાગીદારી માટે સક્ષમ કરવાનો, સ્થાનિક ઉદ્યોગો અને મુખ્ય હિસ્સેદારો જેવાંકે, ડિફેન્સ PSUs, સંરક્ષણ ક્ષેત્રની મુખ્ય ખાનગી કંપનીઓ, સશસ્ત્ર દળો અને શોધન અને વિકાસ સંસ્થાઓ વચ્ચેના જોડાણોને સરળ બનાવવાનો અને ગુજરાતની ઔદ્યોગિક શક્તિઓને રાષ્ટ્રીય સંરક્ષણ પ્રાથમિકતાઓ સાથે સંરેખિત કરવાનો હતો, જે વિકસિત ભારત @2047ના વિઝનમાં યોગદાન આપશે.
આ કાર્યક્રમમાં, ગુજરાતના વિવિધ ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું હતું, જેમાં એન્જિનિયરિંગ, પ્રિસિઝન ફેબ્રિકેશન અને મશીનિંગ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ અને એમ્બેડેડ સિસ્ટમ્સ, UAVs, એરોસ્પેસ અને એવિયોનિક્સ કોમ્પોનેન્ટ્સ, આર્મર સિરામિક્સ અને ડિફેન્સ ટેક્સટાઇલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, કોટિંગ્સ અને કોમ્પોઝિટ મટિરિયલ્સનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ ગુજરાતની ક્ષમતાઓને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સંચાલિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે વિશ્વના ટોચના પાંચ સંરક્ષણ ઉત્પાદકોમાંનું એક બનવાના ભારતના ધ્યેયમાં સક્રિયપણે યોગદાન આપે છે. આ ક્ષેત્રમાં ગુજરાતના MSMEsને મજબૂત બનાવવા, એ માત્ર રાષ્ટ્રીય સંરક્ષણ પ્રાથમિકતાઓ સાથે જ નહીં, પરંતુ ‘વિકસિત ગુજરાત @2047’ રોડમેપ હેઠળ નવીનતા-આધારિત, ઉચ્ચ-મૂલ્યવાળા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના રાજ્યના વિઝન સાથે પણ સુસંગત છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો