President visited Dholavira: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ધોળાવીરાની મુલાકાત લીધી
President visited Dholavira: ધોળાવીરાની પ્રાચીન નગર રચના, સભ્યતા તથા જળ સંરક્ષણ સહિતની વિગતો જાણી રાષ્ટ્રપતિ અભિભૂત થયાં
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા સાથે જોડાયા

ભુજ, 01 માર્ચ: President visited Dholavira: ભારતનાં માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ખડીર બેટ સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી.
રાષ્ટ્રપતિને ભારતીય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ યદુબીરસિંઘ રાવતે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા વિશે વિસ્તૃત જાણકારી આપીને પ્રાચીન માનવ સભ્યતા વિશે અવગત કર્યા હતા.

રાષ્ટ્રપતિએ મુલાકાત દરમિયાન હડપ્પન સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં જળસંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમજ વિશાળ દીવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ તકે પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી, સુઆયોજિત પગથિયાંવાળી વાવ, અપર ટાઉન, મિડલ ટાઉન અને લોઅર ટાઉન વગેરે જોઈને તેઓ અભિભૂત થયા હતા.
આ પણ વાંચો:- World Wildlife Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાત લેશે
ભારતીય પુરાતત્વ મંત્રાલય દ્વારા ધોળાવીરા સાઈટના ઉત્ખનન દરમિયાન મળેલા વિવિધ પાસાઓ, માટીના વાસણો- અવશેષો, તાંબાની વિવિધ વસ્તુઓ, તોલમાપની વસ્તુઓ, પથ્થરના આભૂષણોનું નિદર્શન રાષ્ટ્રપતિસમક્ષ કરવામાં આવ્યું હતું.
મુલાકાતના અંતમાં રાષ્ટ્રપતિએ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ તકે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા, કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર અને ભારતીય પુરાતત્વ વિભાગના રાજકોટ સર્કલના અધિક્ષક ગુંજન શ્રીવાસ્તવ સાથે જોડાયા હતા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો