Rajkot Division Sets a New Milestone: ઊર્જા સંરક્ષણમાં રાજકોટ ડિવિઝનનો નવો કીર્તિમાન
Rajkot Division Sets a New Milestone: પાંચ ઇમારતોને BEE ‘શૂન્ય’ અને ‘શૂન્ય પ્લસ’ લેબલ સાથે રાષ્ટ્રીય માન્યતા
ઊર્જા કાર્યક્ષમતા, પર્યાવરણ સંરક્ષણ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાની દિશામાં રાજકોટ ડિવિઝનની મહત્વપૂર્ણ પહેલ
રાજકોટ, 18 ફેબ્રુઆરી: Rajkot Division Sets a New Milestone: પશ્ચિમ રેલવેના રાજકોટ રેલ ડિવિઝને ઊર્જા કાર્યક્ષમતા તથા પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝનની પાંચ ઇમારતોને વર્ષ 2025–26 માટે બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા આપવામાં આવતા પ્રતિષ્ઠિત ‘શૂન્ય પ્લસ (Shunya Plus)’ અને ‘શૂન્ય (Shunya)’ લેબલથી સન્માનિત કરવામાં આવી છે.
આ સન્માન ઊર્જા સંરક્ષણ, ટકાઉ વિકાસ તથા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા માટે રાજકોટ ડિવિઝન દ્વારા કરવામાં આવતા સતત પ્રયાસોને દર્શાવે છે અને રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ લક્ષ્યો પ્રત્યે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક શ્રી ગિરિરાજ કુમાર મીના ના માર્ગદર્શન હેઠળ વરિષ્ઠ ડિવિઝનલ વિદ્યુત ઇજનેર (પાવર) શ્રીમતી રજની યાદવ તથા તેમની ટીમના સમર્પિત પ્રયાસોથી આ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ડિવિઝન દ્વારા ઊર્જા કાર્યક્ષમ અવસરો, આધુનિક ટેક્નોલોજી અને પર્યાવરણમૈત્રી પ્રણાલીઓ અપનાવી રેલવે પરિસરોમાં ઊર્જા બચતને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ ઇમારતોમાં ઊર્જા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ ઊર્જા કાર્યક્ષમતા ધરાવતા BLDC પંખાઓ, સમગ્ર પરિસરમાં LED લાઇટિંગ સિસ્ટમ તથા ઊર્જા કાર્યક્ષમ 5-સ્ટાર રેટેડ વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત રૂફટોપ સોલાર ઊર્જા પ્લાન્ટોની સ્થાપના કરીને સ્વચ્છ ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેમજ સોલાર વોટર હીટર સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રકાશ વ્યવસ્થાના અસરકારક અને સ્વચાલિત નિયંત્રણ માટે Astronomical Timers સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના કારણે સૂર્યાસ્ત અને સૂર્યોદય અનુસાર લાઇટિંગ આપમેળે સંચાલિત થાય છે. આ ઉપરાંત સ્માર્ટ ઊર્જા મોનિટરિંગ અને નિયંત્રણ પ્રણાલી તથા પ્રાકૃતિક પ્રકાશ અને હવા પ્રવાહને પ્રોત્સાહન આપીને કુલ ઊર્જા વપરાશમાં નોંધપાત્ર ઘટાડો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ પહેલોના પરિણામે ઊર્જા વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઇમારતોએ BEE દ્વારા નક્કી કરાયેલા ઊર્જા પ્રદર્શન ધોરણોને સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યા છે.
BEE ‘શૂન્ય પ્લસ’ (Shunya Plus) લેબલ પ્રાપ્ત ઇમારતો :
1) ઓએચઈ અને પીએસઆઈ ડિપો, વાંકાનેર
2) ઓએચઈ અને પીએસઆઈ ડિપો, હાપા
3) તાલીમ કેન્દ્ર અને હોસ્ટેલ બિલ્ડિંગ, રાજકોટ
BEE ‘શૂન્ય’ (Shunya) લેબલ પ્રાપ્ત ઇમારતો :
1) ઓએચઈ અને પીએસઆઈ ડિપો, મોરબી
2) ટ્રેક્શન સબ-સ્ટેશન, હાપા
આ સિદ્ધિથી માત્ર ઊર્જા વપરાશમાં ઘટાડો જ નહીં, પરંતુ હરિત અને ટકાઉ રેલવેના નિર્માણને પણ પ્રોત્સાહન મળશે. રાજકોટ ડિવિઝનનો આ પ્રયાસ ભારતીય રેલવેની “ગ્રીન અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ” ની કલ્પનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

