Lord Krishna Nirvana Tithi

Lord Krishna Nirvana Tithi: સોમનાથ ગોલોકધામમાં શ્રીકૃષ્ણ નિજધામ તિથિની ભવ્ય ઉજવણી

સોમનાથ, ૧૯ માર્ચ: Lord Krishna Nirvana Tithi: ઇ.સ. પૂર્વે ૩૧૦૨ માં ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે ભગવાન શ્રીકૃષ્ણે પોતાની માનવલીલાને વિરામ આપી સોમનાથના પવિત્ર ગોલોકધામથી સ્વધામ ગમન કર્યું હતું. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક તિથિને અવસર બનાવી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

પ્રભાસ ક્ષેત્ર – જ્યાં ભગવાન સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે – એ તપ, જપ અને મુક્તિની પવિત્ર ભૂમિ છે. આ ભૂમિ પર જ જગતગુરુ શ્રીકૃષ્ણે પોતાની દિવ્ય જીવનલીલાને વિરામ આપવા પસંદગી કરી હતી. ગોલોકધામ એ તે દિવ્ય સ્થાન છે જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણે પૃથ્વી લોકમાંથી વૈકુંઠ તરફ પ્રસ્થાન કર્યું હતું. આ પવિત્ર ભૂમિમાં શ્રીકૃષ્ણની ચરણરજ સમાયેલી છે, જેના કારણે પ્રભાસ ‘હરિ-હર ભૂમિ’ તરીકે પણ પ્રચલિત છે જ્યાં શિવ અને કૃષ્ણ બંનેની દિવ્ય ઉપસ્થિતિનો સંગમ છે.

Lord Krishna Nirvana Tithi

નિજધામ ગમન તિથિનું શાસ્ત્રીય તારણ:
ગોલોકધામ ખાતે પરિભ્રમણ દરમિયાન સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ વ્રત દરમિયાન શાસ્ત્ર અને જ્યોતિષના આધારે કાળગણના કરી હતી. આ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે ચૈત્ર શુક્લ પ્રતિપદા ના દિવસે બપોરે ૨ કલાક ૨૭ મિનિટ અને ૩૦ સેકન્ડે પૃથ્વી લોકમાંથી સ્વધામ ગમન કર્યું હતું.

પાવન ઉજવણીની ભવ્ય શરૂઆત:
ઉત્સવની શરૂઆત સૂર્યોદય સમયે નવા વર્ષની પ્રથમ કિરણોના વધામણા સાથે થઈ. સંસ્કાર ભારતી ગુજરાતના કલાકારો તથા શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ મંત્રોચ્ચાર સાથે સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને પવિત્ર વાતાવરણ સર્જ્યું.

આ પણ વાંચો: Agriculture Development: હાપા APMCમાં ખેડૂત ભોજનાલય અને આરામગૃહનું ઈ-લોકાર્પણ

આ અવસરે ટ્રસ્ટી જે.ડી. પરમાર સાહેબ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા ગોલોકધામ ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું. ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.

ચરણપાદુકા પૂજન અને ભક્તિભાવનો ઉલ્લાસ:
શાસ્ત્રોક્ત સમય બપોરે ૦૨:૨૭:૩૦ વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના સ્વધામ ગમનની પવિત્ર ક્ષણે ચરણપાદુકાનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. શંખનાદ અને જયઘોષ વચ્ચે સમગ્ર વાતાવરણ ‘હરિ નામ’ના ગુંજનથી ગુંજી ઉઠ્યું અને ભક્તિની ગંગા વહેતી થઈ.

ગીતા પાઠ, યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમો:
ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટની સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગીતા પાઠ કરવામાં આવ્યા હતા. યજમાન વેજાણંદભાઈ વાળા પરિવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ સંપન્ન થયો.

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)

સાંજે સંસ્કાર ભારતી દ્વારા ગોલોકધામ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો અને અંતે શ્રીકૃષ્ણની પાદુકાજીની મહાઆરતી સાથે દિવસના ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ થયા. આ કાર્યક્રમોમાં ટ્રસ્ટી જે.ડી. પરમાર, જનરલ મેનેજરશ્રી, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા અને આ પવિત્ર પ્રસંગના સાક્ષી બની ધન્યતા અનુભવી.

ભજન, ભોજન અને ભક્તિ સાથે સમાપન:
કાર્યક્રમના અંતે ભોજનપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ભજન, ભોજન અને ભક્તિના સુમેળ સાથે કાર્યક્રમને ભાવપૂર્ણ વિરામ અપાયો. સમાપન સમયે વરસેલા હળવા વરસાદે જાણે ભગવાન શ્રીકૃષ્ણના વૈકુંઠ આગમન પર પ્રકૃતિ દ્વારા અમીવર્ષા કરી સ્વાગતની અભિવ્યક્તિ આપી હોય તેવી અનુભૂતિ કરાવી હતી.

OB Banner summer
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો