swami viditatmanandji pic

Not selfishness but seva: સ્વાર્થ નહીં, પણ સેવા: વિદિતાત્માનંદ સરસ્વતીજી

Not selfishness but seva: કામ અને ક્રોધ પછી લોભ એ ત્રીજી નિષેધાત્મક વૃત્તિ છે. માણસોનાં મોટા ભાગનાં કાર્યો સ્વાર્થ અને લોભથી પ્રેરાઈને જ થતાં હોય છે. લોભને કારણે માણસ અપ્રામાણિકતાનો આશ્રય લઈને મૂલ્યોનો ભોગ આપતો હોય છે. જે મનુષ્ય પાસે કશું જ નથી એ કદાચ અધર્મનો આશ્રય લે તે સમજી શકાય તેવું છે. મનુસ્મૃતિ કહે છે કે કોઈ માણસને છ ટંક સુધી ભોજન ન મળે તો તેને કોઈ પણ દુકાનમાં કે ઘરમાં જઈને ખાવાનું માગવાનો અધિકાર છે.

આવા સંજોગોમાં તે ચોરી કરે તો તે પણ ક્ષમ્ય છે. જે માનવી ખરેખર પીડાઈ રહ્યો હોય તે ચોરી કરે કે મૂલ્યોનો ભોગ આપે તે સમજી શકાય છે. એટલે કે તે સહાનુભૂતિને પાત્ર છે. ભલે કાયદેસર રીતે તે ખોટું છે પરંતુ સહાનુભૂતિને પાત્ર તો તે છે જ.

પરંતુ જ્યારે કોઈ માનવી પાસે ઘણું બધું હોય અને છતાં તે મૂલ્યોનો ભોગ આપે તો તેનું કારણ એક જ હોઈ શકે – લોભ. ક્રોધને અગ્નિ સાથે સરખાવવામાં આવ્યો છે તો લોભને સરખાવવામાં આવ્યો છે સાગર સાથે. લોભ સાગર સમાન છે, જેનો કોઈ પાર જ નથી. લોભને કોઈ થોભ નથી. જેમ જેમ લોભની પૂર્તિ કરતા જાઓ તેમ તેમ તેનામાં વૃદ્ધિ થતી જાય. માનવીએ ધન-સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો એની કોઈ ના નથી કે એનો કોઈ વિરોધ નથી. પ્રામાણિક પ્રયત્ન કરીને જે જોઈએ તે પ્રાપ્ત કરવું જોઈએ.

પરંતુ આ બધું લોભથી પ્રેરાઈને ન થાય, સમાજ-કલ્યાણની ભાવનાથી થાય તે ઇચ્છનીય છે. ‘ભગવાને મને બુદ્ધિ-શક્તિ આપી છે, કુશળતા આપી છે તેનો ઉપયોગ કરીને સમાજ માટે કેમ વધારે ને વધારે ઉત્પાદન થાય એવું હું કરું’, એવી ભાવનાથી કાર્ય કરવું જોઈએ. ‘હું ગમે તેમ કરીને કેમ વધારે ભેગું કરું અને હું જ માત્ર તેને કેવી રીતે ભોગવું, એવી વૃત્તિ જેના મનમાં છે એવા મનુષ્યો તો, ભગવાન કહે છે, પાપ જ ભોગવે છે.

લોભી મનુષ્ય પોતાની પાસે જે છે તેનો આનંદ તો માણી શકતો નથી, પરંતુ જે નથી તે મેળવવાના લોભથી સતત ચિંતિત હોય છે. લોભ ક્યારેય પણ મનુષ્યને શાંત રહેવા દેતો નથી, કારણ કે તે હંમેશાં વધતો જ જાય છે અને માનવીને વધુ ને વધુ અસંતોષી બનાવતો જાય છે. લોભીને ક્યારેય પણ સંતોષ થાય જ નહીં. તો લોભનો ઉપાય શો ? સંતોષ. સંતોષ કોને કહેવાય ? ભગવાને જે આપ્યું છે તેનો આનંદ માણવો અને જે નથી આપ્યું એની ચિંતા ન કરવી.

આ પણ વાંચો:- Upnishadno Sandesh: દ… દ… દ…ઉપનિષદનો શાશ્વત સંદેશ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

ભજગોવિંદસ્તોત્રમાં ભગવાન શંકરાચાર્ય કહે છે કે, તું તારા ચિત્તને પ્રસન્ન રાખ. કેવી રીતે ? સંતોષથી. પોતાના પ્રામાણિક પરિશ્રમથી જે પ્રાપ્ત થાય તેનાથી તું સંતુષ્ટ રહે. આમ, સંતોષ એટલે પોતાની પાસે જે છે એનો આનંદ માણવો અને જે નથી તેનું દુઃખ ન કરવું.

સંતોષની સામે સામાન્ય રીતે એવી દલીલ થતી હોય છે કે કામ, લોભ ઇત્યાદિનો ત્યાગ કરીએ તો જીવનમાં પ્રગતિ કેવી રીતે થાય ? એના જવાબમાં એ પૂછવું પડે કે પ્રગતિ એટલે શું ? લોભને પ્રોત્સાહન આપવું એ શું પ્રગતિ છે ? લોભથી થયેલ પ્રગતિ સર્જનાત્મક હોતી નથી. અન્યને મદદરૂપ થવાની ભાવનાથી જે પ્રગતિ થાય તે સર્જનાત્મક હશે. એવું નથી કે માણસને અસંતોષ હોય તો જ તેને કાંઈક કરવાની પ્રેરણા થાય. અંતરમાં સંતોષ હોય તો અન્યને ઉપયોગી થવાની ઇચ્છા પણ કર્મ માટેનું પ્રેરકબળ બની શકે છે.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

સેવાને જો જીવનનું ધ્યેય બનાવીએ તો આપણી સમગ્ર દૃષ્ટિ બદલાઈ જાય છે. સામાન્ય માનવી કામ કે લોભથી પ્રેરાઈને કર્મ કરતો હોય છે, પરંતુ ભગવાન કહે છે કે, સેવા કે ત્યાગથી પ્રેરાઈને કર્મ કરો. ભગવાને આપેલ દેહ-મન-બુદ્ધિનો સદુપયોગ કરીને સમાજને વધુ ને વધુ ઉપયોગી થઈએ. ઈશ્વરના હાથનું નિમિત્ત બનીને સમાજની વધુ ને વધુ સેવા કરીએ અને સાથેસાથે આપણા દેહ-મન-બુદ્ધિનો પણ સતત વિકાસ સાધીએ. આવી દૃષ્ટિ હોય તો તેથી પણ માનવીનો ખૂબ વિકાસ થઈ શકે છે અને એ જ સાચો વિકાસ છે.

વળી, શાસ્ત્રો કહે છે કે, કોઈના ધનની લાલસા ન રાખવી જોઈએ. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે, પોતાના ધન માટે પણ લાલસા ન રાખવી. ધન કોઈ દિવસ કોઈનું થયું નથી અને થવાનું નથી. લોભવૃત્તિથી પ્રેરાઈને કર્મ કરીએ તો તે હંમેશાં આપણા દુઃખનું કારણ બનતું હોય છે. સેવાની વૃત્તિથી પ્રેરાઈને કર્મ કરીએ તો તે આંતરિક સંતોષ જન્માવતું હોય છે. આપણે ખાઈએ તેનો જે આનંદ છે તેના કરતાં અન્યને ખવડાવવાથી તે ખાનાર માણસને જે આનંદ થાય છે તે આપણને વધારે આનંદ આપે છે.
લોભ અસંતોષ જન્માવે છે; સેવા જન્માવે છે સંતોષ.

****************

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો