Rajadhiraaj 2

Rajadhiraj: રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

google news png

Rajadhiraj: મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13મીથી 16મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

ધનરાજ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને મૂર્તિમંત સ્વરૂપ અપાયેલી રાજાધિરાજ (Rajadhiraj) ભારતની સૌપ્રથમ બ્રોડવે-શૈલીની સંગીત મહાનાટિકા છે, જેણે ભારતીય રંગમંચના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન લાવી તેને ભવ્યાતિભવ્ય બનાવ્યું છે. આ ગેમ-ચેન્જિંગ પ્રોડક્શન થકી ભગવાન શ્રી કૃષ્ણની દિવ્યતા અને સોહામણાપણાનું અતુલ્ય શૈલીમાં કલાકારો દ્વારા મંચ પરથી સ્વમુખે ગવાયેલા ગીતો દ્વારા રોમાંચક નાટ્ય નિરૂપણ કરાયું છે.”

Rajadhiraj

આ સંગીત મહાનાટિકાના મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના (એન.એમ.એ.સી.સી.) ગ્રાન્ડ થિએટર તેમજ દિલ્હીના જવાહરલાલ નેહરૂ ઈન્ડોર ઓડિટોરિયમ ખાતેના પ્રયોગોમાં હકડેઠઠ દર્શકો ઉમટી પડ્યા હતા અને ઉપસ્થિત રહેલા સેલિબ્રિટીથી માંડીને સામાન્ય પ્રેક્ષકો તરફથી તેના મોંફાટ વખાણ કરાયા હતા.

આના થકી જ તેને એક સાંસ્કૃતિક મહાપ્રસ્તુતિનું બિરૂદ મળ્યું, જેણે આબાલવૃદ્ધ સહુકોઈને મંત્રમુગ્ધ કરીને ભારતના થિએટર ઇતિહાસમાં તેની અમીટ છાપ છોડી હતી. ભારતીય રંગભૂમિના પરિપ્રેક્ષ્યમાં, આજદિન સુધી શ્રી કૃષ્ણના જીવનને આટલા વિશાળ ફલક પર અને ગહન ભાવના દર્શાવી શકે તેવું કોઈ સર્જન થયું જ નથી.

આ સંગીત મહાનાટિકાની ભવ્યતાની અનુભૂતિ માટે દર્શકોને આમંત્રિત કરતા ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “અમારા માટે ‘રાજાધિરાજઃ લવ લાઈફ લીલા’નું સર્જન કરવું એ ભક્તિ અને અંતરતમ લાગણીની સફર રહી છે. મારું તો દૃઢપણે માનવું છે કે, તમામ પેઢીના દર્શકોને એકતાંતણે જોડવા હોય તો સંગીત જ શ્રેષ્ઠ ઉપાય છે અને આ સંગીત મહાનાટિકા દ્વારા અમારો ઉદ્દેશ સાહસ, વિચક્ષણતા અને પ્રેમના વૈશ્વિક મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરવાનો રહ્યો છે.

આ પણ વાંચો:- Watermelon Reduce Weight: ગરમીની સિઝનમાં વજન ઘટાડવામાં મદદ કરશે આ સુપર ફ્રૂટ; સ્કિન પર આવશે ગ્લો!

રાજાધિરાજ (Rajadhiraj) એક એવી કથા છે જે ભગવાન શ્રી કૃષ્ણના ત્રણ સ્વરૂપોને દર્શાવે છે, જેમાં સૌથી પહેલું છે રમતિયાળ બાળસ્વરૂપ, બીજું છે રાજાધિરાજ દ્વારકાધીશ અને ત્રીજું છે દયાસાગર શ્રીનાથજીનું સ્વરૂપ. અગાઉ કદી જોવા મળ્યું ન હોય તેવા સ્વરૂપમાં આ અનંતકાલીન કથાઓની પ્રસ્તુતિ કરતા હું રોમાંચ અનુભવું છું, કારણ કે તેનાથી પ્રેક્ષકોને એક અવિસ્મરણીય યાત્રાની અનુભૂતિ થાય છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “અમે રાજાધિરાજ- (Rajadhiraj) ધ મ્યુઝિકલને દુબઈ લઈ જઈ રહ્યા છીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ અને વિચક્ષણતાના સંદેશને વૈશ્વિક પ્રેક્ષકગણ સમક્ષ રજૂ કરવાનો અમને રોમાંચ છે, જેના થકી આ અતુલ્ય કથાને વૈશ્વિક મંચ પર પ્રસ્તુત કરવાની અમારી યાત્રામાં અમે એક મોટું સીમાચિહ્ન પાર કર્યું છે.”

આ સંગીત મહાનાટિકાનું નિર્માણ ભવ્યાતિભવ્ય સ્તરે કરાયું છે, જેમાં 20 મૌલિક ગીતો, 180થી વધુ કલાકારો અને 60થી વધુ નર્તકો સામેલ છે. આ પ્રસ્તુતિમાં ઉડીને આંખે વળગે તેવી પ્રોડક્શન ડિઝાઈન, મંત્રમુગ્ધ કરી દેનારી કોરિયોગ્રાફી, અને 1,800 ખાસ તૈયાર કરાયેલી ઉચ્ચકોટિની વેશભૂષા સહિતની દરેક વિશેષતાઓ રસતરબોળ કરી દેનારી અનુભૂતિનું સર્જન કરે છે.

BJ ADVT

રાજાધિરાજ શ્રેષ્ઠતમ કથા પ્રસ્તુતિ, સંગીત અને નાટ્યનો સંગમ છે. પદ્મશ્રી પ્રસૂન જોશી દ્વારા લિખિત, આ સંગીત મહાનાટિકાનું દિગ્દર્શન શ્રુતિ શર્માએ કર્યું છે અને તેમાં સંગીતની સુરાવલીઓ સચિન-જીગરની બેલડીએ રેલાવી છે. આ સંગીત મહાનાટિકાની કોરિયોગ્રાફી બર્ટવિન ડિ’સોઝા અને શમ્પા ગોપીક્રિશ્નાએ કરી છે. જ્યારે ઓમંગ કુમારની શ્વાસ થંભાવી દેનારી સેટ ડિઝાઈને પ્રોડક્શનના સ્તરને ઉન્નત કર્યું છે અને પાર્થિવ ગોહિલ તથા વિરલ રાચ્છે ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે કામગીરી અદા કરી છે.

આ ટીમને રામ મોરીના સચોટ કથા સંશોધન તેમજ નીતા લુલ્લાની ભવ્ય કોસ્ચ્યુમ ડિઝાઈન દ્વારા પ્રેરકબળ પ્રાપ્ત થયું છે. અદ્દભુત કથાવર્ણન, ચકાચૌંધ કરી દેનારાં દૃશ્યો અને આત્માના તારને ઝણઝણાવી દેતા જીવંત સંગીત થકી એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ભૂમિ નથવાણી એક અવિસ્મરણીય રંગભૂમિની અનુભૂતિ કરાવે છે.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપની પ્રસ્તુતિ કરતી આ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા દ્વારા દર્શકગણને છેક સુધી જકડી રાખશે તે નિશ્ચિત છે. શો માટેની ટિકિટ્સ dubaiopera.com અને Platinumlist પર હવે ઉપલબ્ધ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *