Om shravan somvar

Shravan Somvar: જીવને શિવમાં સમાવતો શ્રાવણીયો..!!: વૈભવી જોશી

Shravan Somvar: એકમાત્ર દેવાધિદેવ મહાદેવનાં શ્રાવણમાસનો પ્રારંભ થઈ ચુક્યો છે અને એમાંય આજે તો શ્રાવણીયો સોમવાર.

google news png

Banner Vaibhavi Joshi

આજથી એક એવો મહિનો પ્રારંભ થયો છે જેના અંતમાં સૌપ્રથમ પૂજનીય વિઘ્નહર્તા એવા શ્રી ગણેશનો ઉત્સવ આવશે તો બીજી બાજુ આ સૃષ્ટિનાં પાલનહાર એવા શ્રી વિષ્ણુને સમર્પિત પવિત્રા અને અજા એકાદશી પણ આવશે તો વળી શ્રી વિષ્ણુનાં તમામ અવતારોમાંથી સર્વશ્રેષ્ઠ, સર્વસંમત અને સર્વદા સ્વીકૃત એવા આપણા કાનુડાંનો જન્મોત્સવ પણ ખરો અને એ સિવાય પણ અસંખ્ય નાનાં મોટાં પર્વોની હારમાળા પણ ખરી જ તો.

કેટકેટલાં દેવદેવીઓની પૂજા અને આરાધના થશે. આપણા પુરાણોમાં જણાવ્યા પ્રમાણે દરેક દેવદેવીઓ માટે વિશેષ દિવસ, વાર-તહેવાર, ઉત્સવ કે પર્વ હોય જ છે પણ કદાચ જેનાં દિવસો નહિ આખે આખો મહિનો સમર્પિત હોય એવા એકમાત્ર દેવાધિદેવ મહાદેવનાં શ્રાવણમાસનો પ્રારંભ થઈ ચુક્યો છે અને એમાંય આજે તો શ્રાવણીયો સોમવાર.

આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે તો ખૂબ વિચારપૂર્વક કર્યો છે. કેટલાક લોકો તો આખો શ્રાવણ માસ એક ટાઈમ જમે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે તો ચોમાસાની ઋતુ હોઈ ઉપવાસ અને એકટાણા રાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે.

ભગવાનનાં મંદિરોમાં ભીડ જોવા મળે છે તો કોઈ તિર્થયાત્રાએ નીકળી પડે છે. ગામમાં કે મોટા શહેરોમાં કથાકારો ભગવાનની કથાઓ કરે છે. એક જુદા જ પ્રકારનું ધાર્મિક વાતારણ ઊભું થાય છે. આખા વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો છે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે. આ મહિનામાં રક્ષાબંધન, બોળચોથ, ફૂલકાજળી, નાગપાંચમ, રાંધણછઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી જેવાં વ્રતની હારમાળા સર્જાશે.

જો કે શ્રાવણ મહિનામાં સહુથી વધારે ભક્તો જો કોઈની આરાધના કરતાં હોય તો એ છે દેવાધિદેવ મહાદેવની અને શિવતત્ત્વની. આ “શિવ” શું છે એ જો કોઈને અક્ષરશઃ સમજાઈ જાય તો પછી કદાચ જીવનમાં બીજું કઈ સમજો કે ન સમજો કોઈ જ ફેર પડે છે ખરાં ?? એવું જ આ એક અક્ષરનું પણ છે: “🕉“. મને નથી લાગતું સમસ્ત બ્રહ્માંડમાં આનાથી શક્તિશાળી શબ્દ કોઈએ જોયો કે અનુભવ્યો હોય અને કદાચ ભવિષ્યમાં કોઈ જોશે પણ નહિ.

ગમે તેટલું તમે કલમથી શબ્દોને શણગારતાં હોવ પણ મને નથી લાગતું કે આ બે શબ્દ; ‘ૐ’ અને ‘શિવ’ દુનિયાનો કોઈ પણ સાહિત્યકાર, લેખક કે આલા દરજ્જાનો કવિ આ બે શબ્દોનો સાચો મર્મ ઉજાગર કરવા માટે સક્ષમ છે, હું તો દૂર-દૂર સુધી નહિ.

આ પણ વાંચો:- Shiv Bhakt: અષાઢી અમાસ એટલે શ્રાવણ મહિનાનાં પ્રારંભનો સત્તાવાર છડી પોકારતો દિવસ

એ છતાંય આજ સુધી મારાં જેવા દરેક નાનામાં નાનાં માણસથી લઈને મોટાં-મોટાં સંતો, મહંતો કે ઋષિમુનિઓ આ શબ્દનો મહિમા આલેખતાં આવ્યા છે. કદાચ દરેકેદરેક જીવ માટે શિવ તત્ત્વ અલગ જ છે. દરેકની અનુભૂતિ અલગ છે. શિવમાં જેટલાં ઊંડા ઉતરો એટલા જ ઉપર તરી આવો એવો ઘાટ છે.

મજાની વાત એ છે કે દેવોમાં પણ શિવજીને લઇ બધાં અધ્ધર શ્વાસે જ હોય. સ્વયં નારાયણને પણ મહાદેવનાં વરદાનોનું માન જાળવતાં જાળવતાં ધર્મની રક્ષા કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો પછી એ રામ હોય કે કૃષ્ણ. એક નિર્દોષ બાળકની જેમ ભોળાનાથને રીઝવી અને વરદાન પ્રાપ્ત કર્યાનું આપણે સહુ જાણીયે જ છીએ પછી એ રાવણ હોય કે જયદ્રથ. મહાદેવનાં આપેલાં વરદાન સામે સ્વયં નારાયણે પણ સંઘર્ષ કર્યો હતો.

સમુદ્રમંથન સમયે નીકળેલ હળાહળમાંથી ન દેવો ઉગારી શક્યાં કે ન દાનવો. એને ધારણ કરનાર હતાં ફક્ત નીલકંઠ અને એટલે જ મહાદેવનાં બોલ તો અન્ય દેવો પણ નથી ઉથાપતા. એમનું વરદાન બીજા માટે શ્રાપરૂપ પણ બને એ છતાંય સઘળું સ્વીકાર્ય કેમકે એ તો રહ્યા દેવાધિદેવ. મિથ્યાભિમાન અને અહંકારનો ક્ષણભરમાં નાશ કરે અને એટલે જ કહેવાયું છે કે જે તટસ્થ છે એ શિવ છે.

Rakhi Sale 2024 ads

અંતમાં એટલું ચોક્કસ કહીશ કે હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે જેમાં ચિહ્નો, કથાઓ અને વિવિધ સ્થાનોને ધર્મ સાથે જોડવામાં આવ્યા છે. શિવલિંગ પણ આવું જ એક પ્રતિક છે જે હંમેશા વિવાદાસ્પદ રહ્યું છે. શિવલિંગને શિવનું જ રૂપ માનીને તેની પૂજા કરવામાં આવે છે. વિવાદ એ વાતનો છે કે તેને શિવજીનું ‘લિંગ’ માનીને તેની પૂજા કરવામાં આવે છે. મોટાભાગનાં લોકોને સંસ્કૃત ભાષાની પૂરતી સમજ ન હોવાને કારણે આ ગેરસમજ ઊભી થઈ છે.

સંસ્કૃત ભાષામાં લિંગનો અર્થ થાય છે – પ્રતિક. જેવી રીતે સ્ત્રીઓ માટે સ્ત્રીલિંગ અને પુરૂષો માટે પુલ્લિંગ શબ્દ વાપરવામાં આવે છે. શિવ માટે શિવલિંગ શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કારણ કે એ કોઈ સ્ત્રી કે પુરૂષનું પ્રતિક નથી. પરંતુ તે સમગ્ર બ્રહ્માંડ, આકાશ, શૂન્ય અને નિરાકારનું પ્રતિક છે. તેમને કોઈ એક શ્રેણીમાં બાંધીને ન રાખી શકાય. તે પોતે જ એક શ્રેણી છે અને એક પ્રતિક છે.

સ્કંદ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે આકાશ પોતે લિંગ છે, પૃથ્વી તેની પીઠ અથવા આધાર છે અને બધું અનંત શૂન્યથી ઉત્પન્ન થાય અને તેમાં લય હોવાને કારણે તેને લિંગ કહેવામાં આવે છે. શિવ પોતે જ એક લિંગ છે અને તે આખા બ્રહ્માંડની ધરી છે. શિવ અનંત છે, એમનો ન તો આરંભ છે, ન તો અંત..!!

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો