couple happy

Premnagar: જ્યારે મારી નજરને એ મનગમતી આંખ મળે, વ્હાલ હોય તો અંતને શરૂઆતની પાંખ મળે !

google news png

Premnagar: ભૌતિક અંતર ભલે હોય – માનસિક અંતર ન વધે તે જોવું કારણ કે કીલોમીટર મપાય, મનોમીટર નહીં ! સરીતા મળે સમુદ્રને તે રોજીંદુ કહેવાય, દરીયો મળે નદીને જે ઘટના કહેવાય ! ઘાટ ઘડતરના ખોટા નહોતા – બસ, છાંયડા થોડા વધારે અને તડકા થોડા ઓછા હતા !

અઢી અક્ષરના “પ્રેમ”માં ઉતરતા પહેલા એક વાત તો કબૂલવી જ પડે કે એ જ્યારે વ્હાલ થાય છે ત્યારે તે સૌ પ્રથમ શરીરને સ્પર્શે છે. પ્રેમ કોઈ પણ જણસ-વસ્તુ, ઝાડ-પાન, કુદરત-અગમ્ય શક્તિ, પશુ-પક્ષી, ટેણીયા બાળકો-આત્મીય વ્યક્તિ, કોઈની ય સાથે થાય, માત્ર સ્ત્રી-પુરુષ પૂરતું જ સીમિત ન માનવી જોઈએ. શ્રીફળ ભીતર રહેલા મધુર જળને પામવા કેટકેટલું ઉતરડાતું હોય છે, છોલાતું હોય છે અને એક ઘા સાથે તૂટતું હોય છે. તે વેળાએ પણ બધું જળ હાથ નથી આવતું તો ય વધેલા જળની મીઠાશ પ્રેમનો પ્રથમ પરીચય તો બને જ છે ને !

એક વિધાન બહુ મહત્વનું અને સૂચક ને વળી ઉપયોગી પણ ખરું કે, એકલતાથી બચવાની તૈયારી એકલતાનો અનુભવ થાય તે પહેલાં જ શરુ કરી દેવી જરુરી છે ! પ્રેમીજનોને સાથે હોઈએ ત્યારે ‘તે ગમે છે’ એ માટે સાથે હોઈએ ત્યારે બહુ જ સક્રિય રહેવું જરૂરી માનવું. સંબંધો કૂંડા નથી કે એને પાસે ખેંચાય, સંબંધોમાં તો “પાસે છીએ” એવો અનુભવ જ મહત્વનો છે – ભલે ને સ્થૂળ અંતર વધુ કે ઓછું કેમ ન હોય ?

પ્રેમ શરીરની સરહદો ઓળંગે ત્યારે અનેક ચમત્કાર સર્જે, સત્ય તો ભળેલું જ હોય છે ને સાથે સત્વ તેમાં ઉમેરાય પછી ત્યાં કશું જ અળગું રહેતું નથી, પણ વહેતું જરૂર હોય છે ! બંને કાંઠે છલોછલ પ્રેમ ક્યારેય કોઈને ખાલી નથી કરતો, અઢળક ભરી દે છે. અપરંપાર પ્રેમ તો પહેલા થાય ને પછી જ સમજાય છે. પ્રેમ થવો જરૂરી છે. થયા પછી છેક સુધી નિભાવવો ય બહુ જ જરૂરી છે, પ્રેમનો અનુભવ જીવન બદલી નાખે. એક અલગ દુનિયામાં પોતાના પ્રિયજનો સાથે જીવવાની મજા તો શબ્દોમાં વર્ણવી કે કહી ન શકાય – માત્ર અનુભવી કે માણી શકાય, પ્રેમને ફીલ કરી/કરાવી શકાય. હેત તો ઘણું ય હીલ કરે છે.

ગતાગમ, ભલે હોય નહીં શબ્દની, મૂંગો પ્રેમ પણ હોય છે સહજ પ્રાર્થના, શુભકામના. પ્રેમ ઈગ્નિશન-કી જેવો છે. સ્પાર્ક કરી આપે પણ એના પાયામાં પારસ્પરીક ઈજ્જત, સમાન લક્ષ, એકબીજાનું અનુકૂલન ને સહિયારી અભિરુચિનું એક્સિલેટર ન હોય તો પ્રેમની બેટરી ઉતરી પણ જાય, હો. વિજ્ઞાન કહે છે કે, ત્વચાના સાત પડ હોય પણ લાગણીનો સ્પર્શ હૃદય સુધી સીધો જ અનુભવાય છે.

આ પણ વાંચો:- Samayni safar: “બીરબલ, આપણે ક્યાં છીએ?” અકબરે આંખો ચોળીને પૂછ્યું…

સહસા જ અને અગમ્ય કારણોસર સર્જાતા પ્રેમનું કોઈ તારણ નથી હોતું, એનું કોઈ નિવારણ નથી હોતું. અકારણ પ્રેમ એ જ તો પ્રેમનું બંધારણ ! “પ્રેમ શા માટે છે ?” કારણ શોધવા જઈએ તો પ્રેમને ચૂકી જવાય. પ્રેમ બસ અકારણ થઈ જાય છે. પ્રેમનું કારણ નથી હોતું તેમ પ્રેમનું કોઈ મારણ પણ નથી હોતું અને પ્રેમનું ક્યારેય મરણ પણ નથી હોતું, પ્રેમમાં તો બસ સ્મરણ હોય છે, અર્પણ ને સમર્પણ હોય છે, જાત સહિતનું સઘળું ગળપણ હોવાથી પ્રેમ ખરું તર્પણ હોય છે. પ્રેમમાં એકબીજાની આંખ જ દર્પણ હોય છે. કોઈને ચાહવું, કોઈના ઈશ્કમાં ખોવાઈ જવું, કોઈની આશિકીમાં વલોવાઈ જવું – બધાનાં નસીબમાં નથી હોતું. કેમ કે, પ્રેમ એક એવો રસ્તો ઓળંગવાનું આહવાન છે કે, જેમાં રસ્તા વચ્ચે કોઈ ઝીબ્રા ક્રોસિંગ નથી હોતા. જેમાં રસ્તો ક્રોસ કરતી વખતે, ડાબે-જમણે કે આજુબાજુ જોઈને, સંભાળી–સાવચેત બનીને, મંથર ગતિએ ડગલા ભરવાની છૂટ નથી મળતી.

Banner Nilesh Dholakia

પ્રેમ તો એક વિરલ ક્ષણે, વિજળીનાં ચમકારે, ઘડીના છઠ્ઠા ભાગમાં દિલબરની આંખોમાં મોતીની માફક પરોવાઈ જવાની ઘટના છે. એકવાર પરોવાઈ ગયા પછી આશિક તો માશૂકના હાથની ડફલી બની જાય છે. માશૂકના મુલાયમ ટેરવાનો સ્પર્શ અને વારંવારના ચુંબનોની વર્ષા પછી, પ્રેમના મોતીનું વિઘટન થાય છે અને અસંખ્ય મણકામાં, પારાઓમાં રૂપાંતરિત થઈ જાય છે. પ્રેમમાં કોઈ શરીર, કોઈ તન નથી જોતું અને નથી હોતું. પ્રેમમાં તો તન નહીં પણ જતન હોય છે. આપને ક્યારેય પ્રેમ થયો છે ? જ્યારે કપડા બદલતા, બંધ બારણે પણ એકાંતમાં કોઈ તમને ધારી-ધારીને એકધારું તાકી રહ્યું છે અને લજ્જાનો એક મજાનો લીસોટો તમારા મગજને ઝંકૃત કરી જાય, ઝણઝણાવી જાય તો માનજો કે તમે પ્રેમમાં છો. જ્યારે કોઈના ફ્લાઈંગ કીસના નિશાન, તમારા ગાલની શાન બની જાય ત્યારે માનજો કે તમે પ્રેમમાં છો.

અમુક લોકો મને = આ લખનારને ભારોભાર અવગણતા હોય છે, અઢળક ધિક્કારતા હોય છે તેમને મારી ઉપરોક્ત પ્રસ્તુત વાતો ન ગમે કે ઉલટી લાગે તે સહજ માનું છું. નેહ, સ્નેહ, વાત્સલ્ય, પ્રીત, શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો, હેત, લાગણી, આનંદ, પ્રમોદ, ખુશી વિગેરેનો પર્યાય “પ્રેમ” જ છે. મારા મતે પ્રેમ વહેમ નથી પરંતુ ગમતી ગેમ છે. કાના-માત્રા, વ્યાકરણ વિનાના શબ્દોની જે પ્રેમ વિકસાવવો શક્ય છે :
ન કર અટકળ, યાચ બસ ચળવળ
ન ધર અવઢવ, ઢળ બસ અઢળક
ન ગણ મળતર, કર બસ મસલત
ન ગણ અગવડ, કર બસ સગવડ
ન પડ ખટપટ, થાજે બસ સમરસ
ન થા અડચણ, બન બસ સમરથ
ન ઘડ તરકટ, માણ બસ બચપણ
ન ઢોળ નફરત, રચ બસ ગળપણ

અલબત્ત ઉપસંહારમાં એટલું નોંધનીય ખરું કે સંજોગ તેમજ વ્યક્તિત્વને આધારે બધું વેગળુ હોઈ શકે. પ્રેમનગરમાં સગવડ કરતાં અગવડનું પ્રમાણ વધું હોય છે. એમાં ચાલાકીને બદલે નિખાલસતાનું ચલણ હોય છે, સ્વાર્થનો નહીં પણ સમર્પણનો જય જયકાર હોય છે, સુખી થવાનો નહીં પણ સુખી કરવાનું મહત્વ હોય છે, સારા દેખાવાનું નહીં પણ સારા હોવાનો મહિમા હોય છે. પ્રેમનગર જવામાં ભારે જોખમ છે. શ્રીમદ ભગવદ્દ ગીતામાં સરળતાને બ્રહ્મનો દરજ્જો આપવામાં આવ્યો છે. નિખાલસ વાણીમાં સઘળા પાપો ઓગળી જાય છે. કેમ મળવું એ બધાને આવડે પરંતુ કેમ છુટા પડવું તે બહુ ઓછા લોકોને આવડે છે. અસ્વચ્છ મૌન સદગુણોને પણ દુર્ગુણોમાં ફેરવી નાખે છે.

જો સ્નેહ કે હેત વધારે મળે તેને કહેવાય નસીબ, ભરપૂર હોય છતાંય રડતો રહે તેને કહેવાય કમનસીબ અને લગીરે ય ન હોય તોયે ખુશ રહે તેને ખુશનસીબ ND કહેવાય ! જો કે હું બાળક નથી છતાં પણ મને એક સવાલ સદાય સતાવે છે : લોકો હજુ પણ મને કેમ રમાડે છે !?!

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો