Manali Anghan Plazma Smimer 2 edited

સુરતની ૨૧ વર્ષીય મનાલી પ્લાઝમા ડોનેટ કરી યુવાનો માટે પ્રેરણાત્મક બની

Manali Anghan Plazma Smimer 1

મનાલી અણઘણ સૂરતની ચોથી મહિલા પ્લાઝમા ડોનર બની

સૂરતઃમંગળવાર:- સુરતનું યુવાધન કોરોના સામેના જંગમાં પ્લાઝમા ડોનેશન કરી અનેરૂ યોગદાન આપી રહ્યું છે. સુરતની ૨૧ વર્ષીય મનાલી અણઘણ પ્લાઝમા ડોનેટ કરી સુરતની ચોથી મહિલા પ્લાઝમા ડોનર બની છે. આ અગાઉ સિવિલ હોસ્પિટલમાં ૨૭ વર્ષીય ડો.શ્વેતા રાજકુમાર અને ૨૮ વર્ષીય શૈલી મહેતાએ તેમજ સ્મીમેરમાં ૨૧ વર્ષીય જાનકી કળથીયાએ પ્લાઝમાં ડોનેટ કર્યા હતા. મનાલીએ પ્લાઝમાં ડોનર જાનકી કળથીયાથી પ્રેરણા લઇને સ્મીમેરની બ્લડ બેંકમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, જાનકી મનાલીની માસીની દીકરી છે. સમાજ તથા અન્ય યુવા મહિલાને પ્લાઝમા દાન કરવાની પ્રેરણા પુરી પાડનાર મનાલી રાજેશભાઇ અણઘણ મૂળ બોટાદ જિલ્લાના તુરખા ગામની વતની છે. ડભોલી ચાર રસ્તા પાસે વેડ રોડ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી મનાલી ઇન્ટિરીયર ડિઝાઇનીંગનો અભ્યાસ કરે છે.

Manali Anghan Plazma Smimer 2 edited

મનાલીએ જણાવ્યું હતું કે, ‘તા.૨૦મી જુને મને અને મારા પિતાજીને તાવ, શરદી, ઉધરસ જેવાં લક્ષણો જણાયા હતાં. જેથી ફેમિલી ડો.વિપુલ કળથીયાની સલાહ લઈ સામાન્ય એસિમ્ટોમેટીક લક્ષણો હોવાથી હું હોમ આઈસોલેશનમાં રહી અને મારા પિતાજી ડો.સમીર ગામીની સારવાર હેઠળ યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, અડાજણમાં દાખલ થયાં હતાં. પાંચ દિવસની પ્રાથમિક સારવાર બાદ હું સ્વસ્થ થઈ ગઈ હતી. ત્યારબાદ ખાનગી લેબમાં એન્ટીબોડી ટેસ્ટ કર્યો હતો, જેમાં એન્ટીબોડી ડેવલપ થઇ હોવાનું જણાતાં પ્લાઝમા ડોનેટ કરવા સ્મીમેરમાં આવ્યાં. અહીં પણ મારો એન્ટીબોડી ટેસ્ટ કરાયો હતો. જેમાં કોન્વેલેસન્ટ પ્લાઝમાનું પ્રમાણ હોવાથી મેં તા.૨૩મી ઓગસ્ટના રોજ પ્લાઝમાં ડોનેટ કર્યું છે.

Manali Anghan Plazma Smimer 3

નિયત લક્ષણો ન હોવા છતાં કોરોના થઈ શકે છે. જેના થકી શરીરમાં એન્ટી બોડી બને છે. શરીરમાં એન્ટીબોડીના આધારે પ્લાઝમા ડોનેટ કરી, કોરોના સામેની લડાઈમાં યોગદાન આપી શકીએ છીએ. મારા માસીની દીકરી જાનકી કળથીયાએ પ્લાઝમા દાન કર્યું હોવાથી તેની પ્રેરણા અને સલાહથી સ્મીમેરમાં પ્લાઝમા ડોનેટ કર્યું છે, મારા સમાજસેવક મામા મહેશભાઈ ચમારડીની સાથે સ્મીમેરમાં આવી અને એક સારા કાર્યમાં સહભાગી થઈ એનો મને ખુબ આનંદ છે, એવું મનાલી જણાવે છે.


સુરતનો યુવાવર્ગ પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા જાગૃત્ત બન્યું છે. જેમાં મનાલી જેવા યુવા વિદ્યાર્થીઓ પણ કોરોના દર્દીઓને નવજીવન આપવા પ્લાઝમા દાનનું બીડું ઉઠાવી રહ્યાં છે. પ્લાઝમા દાનનું સરાહનીય કદમ ઉઠાવી આવા જાગૃત્ત યુવકયુવતીઓ સમાજ માટે ઉદાહરણરૂપ બન્યા છે.

Banner Still Guj