sitharaman speech

FM Nirmala Sitharaman: ગાંધીનગરમાં ‘તમારા પૈસા, તમારો અધિકાર’ રાષ્ટ્રીય અભિયાનનો શુભારંભ

FM Nirmala Sitharaman: KYC અને RE-KYC ઝુંબેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો, ખાસ કરીને ગુજરાત ગ્રામીણ બેંક-અન્ય નાણાકીય સંસ્થાઓની સક્રિય ભૂમિકા

ગુજરાતમાંથી શરૂ કરાયેલા આ રાષ્ટ્રવ્યાપી અભિયાન એ દેશના નાનામાં નાના માણસ માટે આર્થિક રીતે આશીર્વાદરૂપ સાબિત થશે: ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

કેન્દ્રીય નાણા મંત્રી સહિત મહાનુભાવોનો હસ્તે વિવિધ લાભાર્થીઓને તેમના નાણા પરત અપાયા

  • 📰 FM Nirmala Sitharaman: ‘તમારા પૈસા, તમારો અધિકાર’ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ
  • 💰 કેન્દ્રીય નાણા મંત્રીની અધ્યક્ષતામાં નાણાકીય જાગૃતિ અભિયાન શરૂ
  • 📌 કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અભિયાન લૉન્ચ
  • 🌐 નાણા મંત્રાલયનો નવો ઉપક્રમ – તમારા પૈસા, તમારો અધિકાર
  • નાગરિકો દ્વારા બચાવેલો દરેક રૂપિયો તેમને અથવા તેમના પરિવારને આ અભિયાન થકી પરત કરાશે
google news png

ગાંધીનગર, 04 ઓક્ટોબર: FM Nirmala Sitharaman: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં અને ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ‘તમારા પૈસા, તમારો અધિકાર’ ટેગલાઈન હેઠળ રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનની શરૂઆત આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે અભિયાનની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમને (FM Nirmala Sitharaman) જણાવ્યું હતું કે, આ ઝુંબેશ એક સરળ પણ શક્તિશાળી સંદેશ આપે છે કે નાગરિકો દ્વારા બચાવેલો દરેક રૂપિયો તેમને અથવા તેમના પરિવારને પરત કરવો જોઈએ. દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન ફક્ત કાગળ પરની એન્ટ્રીઓ નથી, તે સામાન્ય પરિવારોની મહેનતથી કમાયેલી માહામૂલી મૂડી-બચત છે. આ બચત જે શિક્ષણ, આરોગ્ય સંભાળ અને નાણાકીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.

તેમણે કહ્યું હતું કે, (FM Nirmala Sitharaman) તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીમાં વિવિધ બેંકોએ અંદાજે રૂ. ૭૫ હજાર કરોડથી વધુ બિનદાવાપાત્ર થાપણો RBIને ટ્રાન્સફર કરી છે. આ ઉપરાંત RBI પાસે વીમા ક્ષેત્રમાં લગભગ રૂ.૧૪ હજાર કરોડ, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં રૂ. ૩ હજાર કરોડ, કંપનીઓમાં રૂ. ૯ હજાર કરોડ અને રૂ. ૧૯ હજાર કરોડના મૂલ્યના શેર બિનઆયોજિત રીતે પડેલા છે. આમ, દેશમાં કુલ રૂ. ૧.૮૨ લાખ કરોડ અનક્લેમ્ડ છે, જો આ રકમ પરત કરવામાં આવે તો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ખૂબ મોટો ફાયદો થશે.

વધુમાં, નાણા મંત્રીએ (FM Nirmala Sitharaman) આ અભિયાનના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે “3 A’s” – જાગૃતિ, સુલભતા અને કાર્યવાહીના મહત્વ પર ભાર મૂક્યો હતો. જાગૃતિનો હેતુ દરેક નાગરિક અને સમુદાયને દાવો ન કરાયેલ સંપત્તિઓ કેવી રીતે શોધી શકાય તે વિશે માહિતગાર કરવાનો છે. સુલભતા સરળ ડિજિટલ સાધનો અને જિલ્લા-સ્તરીય આઉટરીચ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

કાર્યવાહી સમયબદ્ધ અને પારદર્શક દાવાની પતાવટ પર ભાર મૂકે છે. સાથે મળીને, આ ત્રણ સ્તંભો નાગરિકો અને નાણાકીય સંસ્થાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરશે, સમુદાય જાગૃતિને પ્રોત્સાહન આપશે અને ખાતરી કરશે કે દરેક વ્યક્તિ ગૌરવ અને સરળતા સાથે તેમની યોગ્ય બચત પરત મેળવી શકશે.

આ પણ વાંચો:- 70th Filmfare Awards: અમદાવાદમાં ફિલ્મફેર 2025 – ૧૧ ઓક્ટોબરે ભવ્ય સમારોહ

નાણા મંત્રીએ(FM Nirmala Sitharaman) તાજેતરના KYC અને RE-KYC ઝુંબેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો, ખાસ કરીને ગુજરાત ગ્રામીણ બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓની સક્રિય ભૂમિકાનો પણ સ્વીકાર કરીને કહ્યું હતું કે, આ પ્રયાસોએ નાગરિકો અને ઔપચારિક નાણાકીય વ્યવસ્થા વચ્ચેનું જોડાણ મજબૂત બનાવ્યું છે.

ગામડાઓ અને નગરોમાં હાથ ધરવામાં આવેલા આવા પ્રયાસોથી ખાતરી થઈ છે કે લાભાર્થીઓ તેમની બચત અને હક સાથે જોડાયેલા રહે છે, જે વર્તમાન ઝુંબેશની સફળતા માટે મજબૂત પાયો સાબિત થશે. નાણા મંત્રીએ તમામ સંસ્થાઓને દાવો ન કરાયેલ નાણાકીય સંપત્તિ પર આ રાષ્ટ્રવ્યાપી પહેલમાં સમાન સમર્પણ અને આઉટરીચ આગળ વધારવા અનુરોધ કર્યો હતો, જેથી કોઈ પણ નાગરિક તેમના હકના પૈસાથી વંચિત ન રહે.

તેમણે કહ્યું હતું કે, આ અભિયાન એ જન ધન યોજના અને UPI થી લઈને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સુધી નાણાકીય સમાવેશમાં ભારતની વ્યાપક સિદ્ધિઓ પર આધારિત છે, જેથી નાગરિકો માત્ર નાણાકીય સેવાઓ સુધી જ નહીં પરંતુ જે હકદાર છે તે પણ પાછું મેળવી શકે.

વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ ઝુંબેશ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ એમ ત્રણ માસ દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચલાવવામાં આવશે. ડિજિટલ પ્રદર્શનો અને હેલ્પડેસ્ક નાગરિકોને તેમની દાવો ન કરાયેલી નાણાકીય સંપત્તિઓને સરળતાથી શોધી કાઢવા અને તેનો દાવો કરવામાં મદદ કરશે. જે નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા અને જીવનની સરળતા વધારવાના તેના વ્યાપક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.

ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાંથી શરૂ કરાયેલા આ રાષ્ટ્રવ્યાપી ‘તમારા પૈસા,તમારો અધિકાર’ અભિયાન એ દેશના નાનામાં નાના માણસ માટે આર્થિક રીતે આશીર્વાદરૂપ સાબિત થશે. આ અભિયાન થકી બેંકના બચત ખાતામાં,વીમા કંપનીઓમાં, મ્યુચ્યુઅલ ફંડ તેમજ પેન્શન ક્ષેત્રે વર્ષોથી પડી રહેલા અનક્લેમ્ડ તેમના પોતાના હક્કના નાણા-પૈસા તેમને સન્માન સાથે પરત મળી રહ્યા છે‌. આ નાણા તેમના પરિવારમાં શિક્ષણ,આરોગ્ય સહિતના વિકાસ કામો માટે ઉપયોગી થશે જેના પરિણામે આવા પરિવારોના જીવન ધોરણમાં નોંધપાત્ર બદલાવ આવશે.

નાણા મંત્રી કનુભાઈએ કહ્યું હતું કે, ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં અંદાજે રૂ. ૨,૫૦૦ કરોડ તેમજ વીમા કંપનીઓમાં અંદાજે રૂ. ૨૩૫ કરોડની રકમ અનક્લેમ્ડ પડી છે, જે આ અભિયાન થકી તેમને પરત કરવામાં આવશે. ગુજરાત સરકારના તમામ વિભાગોમાં આ પ્રકારની રકમ માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવીને તેમના ઘર સુધી તેમના હક્કના નાણા પહોંચાડવામાં આવશે.

Union Finance Minister Nirmala Sitharaman

મંત્રી દેસાઈએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને વિશ્વાસ આપ્યો હતો કે, GST કરમાં મોટી રાહત આપવામાં આવશે. જેનો નાણા મંત્રી નિર્મલા સિતારમનના સક્રિય પ્રયાસોથી પ્રથમ નવરાત્રીથી દેશમાં અમલ શરૂ થયો છે. જેના પરિણામે વડાપ્રધાનના ‘ઈઝ ઓફ લિવીંગ’ના મંત્રને બળ મળ્યું છે એટલું જ નહિ પણ સામાન્ય નાગરિકોને તેનો સૌથી વધુ લાભ થયો છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષની સામે આ વર્ષે નવા વાહનોમાં ૧૦ ગણુ વધુ વેચાણ થયું છે.

મંત્રીએ આ રાષ્ટ્રવ્યાપી અભિયાન માટે ગુજરાતની પસંદગી કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમનનો(FM Nirmala Sitharaman) ગુજરાત સરકાર વતી આભાર માન્યો હતો. નાણાકીય ક્ષેત્રમાં અનક્લેમ્ડ એસેટ્સના કાર્યક્ષમ અને ઝડપી સમાધાનની સુવિધા હેતુ આ અભિયાનમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ બેંક દ્વારા આયોજિત પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈને વિગતો મેળવી હતી.

કેન્દ્રીય નાણા મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે બેંક, મ્યુચ્યુઅલ ફંડ, કોર્પોરેટ ફંડ,વીમા, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ વિવિધ લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણા મંત્રીના હસ્તે અભિયાન માટેની SOP તેમજ FAQ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં કેન્દ્રીય નાણા વિભાગના સચિવ એમ.નાગરાજુએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને નાણા મંત્રી નિર્મલા સિતારમણના માર્ગદર્શન હેઠળ ‘તમારા પૈસા, તમારો અધિકાર’ રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે.

આજે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં જનધન યોજના, યુપીઆઈ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી દરેક નાગરિકને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે નાણા મંત્રાલય દ્વારા જાહેર માળખાગત સુવિધાઓથી લઈને બેન્કિંગ અને શાસનમાં સુધારા સાથે દેશમાં સમાવિષ્ટ નાણાકીય વ્યવસ્થા માટે મજબૂત પાયો નાંખવામાં આવ્યો છે.

FM Nirmala Sitharaman

આ પ્રસંગે કેન્દ્રીય નાણા વિભાગના સંયુક્ત સચિવ આશિષ મોરેએ સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતથી શરૂ કરવામાં આવેલા આ રાષ્ટ્રીય અભિયાન સરકાર, સંસ્થાઓ અને નાગરિકોને જોડતું અભિયાન છે. જેના થકી નાગરિકોની પરિશ્રમથી કમાયેલી બચત અને મૂડીનો દરેક ભાગ તેમને અથવા તેમના પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે.

વધુમાં, આ અભિયાન અંતર્ગત બેંકમાં જમા રકમ, વીમા દાવાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ડિવિડન્ડ્સ અને પેન્શનના રૂપમાં મોટી રકમ જે અનક્લેમ્ડ પડી રહી છે, તે નાગરિકો સુધી ઝડપી, પારદર્શક અને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે. કેન્દ્ર સરકાર આ અભિયાનને માત્ર સામાન્ય વહીવટી કાર્ય તરીકે નહીં પરંતુ જન જાગૃતિ અભિયાન તરીકે આગળ વધારી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

બેંક ઓફ બરોડા, અમદાવાદ ઝોનના જનરલ મેનેજર અને SLBC ગુજરાતનાં કન્વીનર શ્રી અશ્વિનીકુમારે આભરવિધિ કરી હતી.

આ સમારોહમાં રાજ્યના નાણા વિભાગના અગ્ર સચિવ ડૉ. ટી. નટરાજન, નાણા વિભાગના સચિવ આરતી કંવર, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે, કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, ભારતીય રિઝર્વ બેંક, સેબી, IRDA, PFRDA, IEPFA, સંબંધિત બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને પેન્શન સંસ્થાઓ જેવી વિવિધ નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા સંકલિત આ ઝુંબેશ, ભારતીય રિઝર્વ બેંક (RBI), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI), વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI), પેન્શન ફંડ નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (PFRDA), અને રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા ભંડોળ સત્તામંડળ (IEPFA), બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ અને પેન્શન સંસ્થાઓ સાથે એક સામાન્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો