Kaynes Semicon: ગુજરાતમાં સેમિકન્ડક્ટર મિશન મજબૂત ₹3300 કરોડનો મોટો પ્રોજેક્ટ શરૂ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેથી(Kaynes Semicon) કેઇન્સ સેમિકંડક્ટર OSAT ફેસિલિટીનો શુભારંભ કરાવતાં કહ્યું કે આ ‘ડિકેડ’ એટલે કે દશકો ભારતનો ‘ટૅકેડ’ છે. તેમણે કહ્યું કે આજે ભારતે તકનીકી ક્ષેત્રે જે નવી પહેલો કરી છે, તે આગામી દાયકાઓમાં વૈશ્વિક સ્તરે દેશના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.
અમદાવાદ, ૩૧ માર્ચ: Kaynes Semicon: વૈશ્વિક બજારમાં ભારત આજે એક ભરોસાપાત્ર સેમિકંડક્ટર સપ્લાયર તરીકે ઊભરી રહ્યું છે તેમ જણાવી વડાપ્રધાનએ ઉમેર્યું કે સાણંદમાં તૈયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે. સેમિકંડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્વિક માર્કેટ રૂ. ૪.૫ લાખ કરોડ રૂપિયાનું, વર્ષ-૨૦૩૦ સુધીમાં ૯ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. ૨૧મી સદીનો આ સમયગાળો માત્ર આર્થિક હરીફાઈનો સમય નથી, પરંતુ ભવિષ્યના ટૅક લૅન્ડસ્કૅપને આકાર આપવાનો સમય છે. પરિણામે, વર્ષ-૨૦૨૧માં ભારતમાં સેમિકંડક્ટર મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ વૈશ્વિક કક્ષાએ ભારતના આત્મવિશ્વાસનું એલાન છે. તેમણે કહ્યું કે આજનું આ નવું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં, પણ આ બદલાવનું નેતૃત્વ લેવા માટે આગળ વધી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના એક દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે કેઇન્સ સેમિકોન (Kaynes Semicon)ની અત્યાધુનિક આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરીને દેશના સેમિકન્ડક્ટર મિશનને નવું સામર્થ્ય બક્ષ્યું છે.
સાણંદ જીઆઈડીસી ખાતે અંદાજે ₹૩૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. વડાપ્રધાને પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ સુવિધાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ કેઇન્સ સેમિકોન (Kaynes Semicon)પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કેઇન્સના યુવા એન્જિનિયર્સ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાનના હસ્તે વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ થતા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નવા યુગનો પ્રારંભ થયો છે.
આ પ્રસંગે વડાપ્રધાન અને કેઇન્સના વાઈસ ચેરમેન રમેશ કુન્હિકન્નનના હસ્તે કેઇન્સ સેમિકોન (Kaynes Semicon)દ્વારા તેમના એન્કર કસ્ટમર ‘આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટર’ના સીઈઓ સ્ટીફન ચેંગને પ્રોડક્ટ એનાયત કરવામાં આવી હતી. વડાપ્રધાનએ કે ગયા મહિને આપણે માઈક્રોનના પ્લાન્ટમાં પ્રોડક્શનની શરૂઆત કરી અને આજે કેન્સ ટેકનોલોજીના પ્લાન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. આ માત્ર સંયોગ નથી, પરંતુ ભારતની સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ કેટલી ઝડપથી વિકસી રહ્યું છે તેનું જીવંત પ્રમાણ છે. ભારતની પોતાની કંપની કેઈન્સ હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનનો મજબૂત હિસ્સો બની ગઈ છે, જે દરેક ભારતવાસી માટે ગૌરવની ક્ષણ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આજનો આ દિવસ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે એમ જણાવીને વડાપ્રધાનએ કહ્યું કે સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે આજે એક નવો સેતુ બંધાયો છે. અહીં બનતા ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યૂલ્સ અમેરિકાની કંપનીઓ સુધી પહોંચશે અને ત્યાંથી આખી દુનિયાને પાવર આપશે.
આ પ્રોજેક્ટથી ભારત વૈશ્વિક બજારમાં એક ભરોસાપાત્ર સપ્લાયર તરીકે પોતાની ભૂમિકા વધુ સશક્ત કરી રહ્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભરતા પર ભાર મૂકતા વડાપ્રધાનએ કહ્યું કે સેમિકન્ડક્ટરમાં આત્મનિર્ભરતા માત્ર એક ચિપ સુધી મર્યાદિત નથી, તે AI, ઇલેક્ટ્રિક વ્હિકલ, ક્લીન એનર્જી, ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવાં અનેક ક્ષેત્રોમાં ભારતની મજબૂતીનો પાયો છે. આજે દેશના છ રાજ્યોમાં રૂ. ૧.૬૦ લાખ કરોડના ખર્ચે ૧૦ મોટા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.
દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભવિષ્યના આયોજન અંગે વડાપ્રધાનએ જણાવ્યું કે મિશનના પ્રથમ ફેઝની સફળતા બાદ હવે આપણે ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ૨.૦’ તરફ ડગ માંડ્યા છે. અમારો પ્રયાસ હવે એક ‘ફુલ સ્ટેક’ ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે. ભારત આજે ઇન્ડસ્ટ્રી-લેડ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર્સને પ્રોત્સાહન આપી રહ્યું છે. ખૂબ જ ટૂંક સમયમાં દેશમાં ૮૫ હજારથી વધુ ડિઝાઇન પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેવામાં આવશે.
સેમિકન્ડક્ટર ક્ષેત્રની અપાર સંભાવનાઓ વિશે વાત કરતા વડાપ્રધાનએ જણાવ્યું કે આ ક્ષેત્રમાં રહેલી અસીમિત સંભાવનાઓને કારણે દુનિયાભરના રોકાણકારોમાં ભારત પ્રત્યે ભારે ઉત્સાહ છે. આપણો લક્ષ્યાંક આપણી જરૂરિયાતની વધુમાં વધુ ચિપ્સ ભારતમાં જ બનાવવાનો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ક્રિટિકલ મિનરલ્સ અને તેની સપ્લાય ચેઈન અંગે વાત કરતા વડાપ્રધાનએ જણાવ્યું કે સુરક્ષિત સપ્લાય ચેઈન માટે ભારતે ‘નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન’ શરૂ કર્યું છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ જેવાં દરિયાકાંઠાનાં રાજ્યોને સાંકળીને ‘રેર અર્થ કોરિડોર’ના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી છે. આ નેટવર્ક માઇનિંગ, રિફાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગની એક મજબૂત ચેઇન બનાવશે, જે ભારતને ઊર્જા સુરક્ષા પ્રદાન કરશે.
ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની ક્ષમતાઓ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે AI એડોપ્શનમાં ભારત આજે દુનિયામાં મોખરે છે. અમે સ્પેસ સેક્ટરને પ્રાઈવેટ પ્લેયર્સ માટે ખોલ્યું છે અને ન્યુક્લિયર તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ પર મિશન મોડમાં કામ કરી રહ્યા છીએ. કેઈન્સનો આ પ્લાન્ટ ‘ફેક્ટરી ઑફ ધ વર્લ્ડ’ તરીકેની ભારતની સફરને વધુ વેગ આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
કેઇન્સ સેમિકોનના(Kaynes Semicon) OSAT પ્લાન્ટના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની તેજ ગતિ પકડી છે. આજે સાણંદ ખાતે કેઈન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યાન્વિત થયો છે, તે એક આગવો માઇલસ્ટોન પુરવાર થશે. ગયા મહિને સાણંદ સ્થિત માઇક્રોન ફેસિલિટીને વડાપ્રધાનશ્રીએ ખુલ્લી મૂકી હતી અને આજે કેઇન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ એ સાણંદ-ધોલેરાને સિલિકોન વેલી બનાવવાની દિશામાં આગવું કદમ સાબિત થશે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે કેઈન્સ પ્રોજેક્ટને ભારત સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત વર્ષ ૨૦૨૪માં મંજૂરી મળી હતી અને આજે તે કાર્યાન્વિત થઈ રહ્યો છે, જે ગુજરાતની વિકાસગતિની ઝડપને પુરવાર કરે છે.
આ પણ વાંચો:- Gujarat Bio CNG: બનાસ બાયો CNG મોડલ બન્યું રાષ્ટ્રીય ઉદાહરણ
ગુજરાતના યુવાનોના સામર્થ્યનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે સેમિકન્ડક્ટર, એ.આઈ., ડેટા સેન્ટર જેવી સુવિધાઓ માટે કૌશલ્યપૂર્ણ વર્કફોર્સ આપણા યુવાનો પૂરી પાડશે. એટલું જ નહીં, AI, સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, રિન્યૂએબલ એનર્જી જેવાં ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ‘નમો ગુજરાત કૌશલ્ય તથા રોજગાર મિશન’ની પણ જાહેરાત કરી છે. સાથે સાથે રાજ્યની યુનિવર્સિટીઓમાં પણ એડવાન્સ મટિરિયલ સેન્ટર અને સેમિકન્ડક્ટર અભ્યાસક્રમો માટે પણ જોગવાઈ કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનના દિશાદર્શનમાં સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર થઈ રહી હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી સાથે રાજ્યમાં લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઝડપથી વિકસી રહ્યું છે. ડિજિટલ અને ટેકનોલોજીની ક્રાંતિમાં ભારત અગ્રણી બને તેમાં ગુજરાત પણ સર્વોચ્ચ યોગદાન આપવા સક્ષમ અને સમર્થ છે. એટલું જ નહીં, સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિકાસ પ્રોત્સાહન માટે ગુજરાત સંકલ્પબદ્ધ છે અને વડાપ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત’ના ધ્યેય મંત્ર સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં માત્ર ૧૪ મહિનામાં કેઇન્સ સેમિકોન પ્લાન્ટના ખાતમુહૂર્તથી લઈને કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે, જે એક રેકોર્ડ છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સરકારની સક્રિયતાને તેમણે બિરદાવી હતી. કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનની વિઝનરી લીડરશિપમાં ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ટેક ઑફ કરી લીધું છે. વર્ષ-૨૦૩૨ સુધીમાં ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે ટોચના છ દેશોમાં સામેલ થઈ જશે અને વર્ષ-૨૦૪૭ સુધીમાં ટોચના ત્રણ દેશોમાં સ્થાન હાંસલ કરી લેશે, એવું વિશ્વાસપૂર્વક ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા છે અને વર્ષ-૨૦૨૬ના અંત સુધીમાં કુલ ચાર પ્લાન્ટ શરૂ થઈ જશે. જ્યારે વર્ષ-૨૦૨૭માં વધુ બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને વર્ષ-૨૦૨૮માં ધોલેરામાં ફેબ પ્લાન્ટ પણ કાર્યરત થઈ જશે. આમ, દેશભરમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાનનું વિઝન છે કે દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે જરૂરી કેમિકલ્સ, ગેસ, ચિપ બનાવવાનાં મશીનો વગેરે તમામનું ઉત્પાદન ભારતમાં જ થાય. દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે તેમણે ઉમેર્યું હતું.
દેશની ૩૧૫ યુનિવર્સિટીઓના ૬૦,૦૦૦ યુવા એન્જિનિયર્સે સેમિકન્ડક્ટર અંગેની તાલીમ મેળવી લીધી છે તેમ જણાવી શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે દેશના યુવાનો ૨ nmની સેમિકન્ડક્ટર ચિપની ડિઝાઇન તૈયાર કરી રહ્યા છે. દેશમાં વિશ્વની સૌથી કોમ્પ્લેક્સ ચિપની ડિઝાઇનથી લઈને કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે.
સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કેઈન્સના CEO કે. રઘુનાથન પણીકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ અને ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના સચોટ રોડમેપને કારણે ભારત આજે ચિપ મેન્યુફેક્ચરિંગના વૈશ્વિક નકશા પર ગૌરવભેર ઉભરી આવ્યું છે. તેમણે ૩૮ વર્ષ પહેલાના સંઘર્ષને યાદ કરતા ઉમેર્યું કે ભૂતકાળમાં સ્પષ્ટ માર્ગદર્શિકાના અભાવે જે પ્રતિભાઓ વિદેશ પલાયન કરી ગઈ હતી, તે આજે સરકારની ઉદ્યોગલક્ષી નીતિ અને પ્રોત્સાહક ફંડિંગને કારણે ભારતમાં જ નવીન સ્ટાર્ટઅપ્સ અને કુશળ વર્કફોર્સ તૈયાર કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘ભારતનું આગમન થઈ ચૂક્યું છે’ અને સમગ્ર ઇલેક્ટ્રોનિક ઇકોસિસ્ટમ હવે ‘ISM 2.0’ ના નવા યુગમાં પ્રવેશવા સજ્જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેઇન્સની આ અત્યાધુનિક OSAT ફેસિલિટી ૬૩ લાખ જેટલી ચિપ્સની દૈનિક ઉત્પાદન ક્ષમતા સાથે સાણંદને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ તરીકે પ્રસ્થાપિત કરશે અને દેશના ટૅક-ફ્યુચરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે તથા ભારતની વધતી જતી ટેકનોલોજિકલ જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે દેશને ગ્લોબલ સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમની ‘ડ્રાઇવિંગ સીટ’ સુધી પહોંચાડવામાં ગુજરાતે લીડ લીધી છે.
ભારત સરકારના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ‘કેઇન્સ સેમિકોન’ OSAT ફેસિલિટી પ્રોજેક્ટને સપ્ટેમ્બર ૨૦૨૪માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેનું નિર્માણ કાર્ય રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ કરીને દેશ અને ગુજરાતની ઇજનેરી ક્ષમતાનો પરિચય આપ્યો છે. આ પ્લાન્ટ માત્ર ચિપ પેકેજિંગ અને ટેસ્ટિંગની સુવિધા જ પૂરી પાડશે નહીં, પરંતુ સ્થાનિક સ્તરે હજારો યુવાનો માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતી રોજગારીની તકોનું સર્જન પણ કરશે.
‘કેઇન્સ સેમિકોન’ OSAT પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહમાં સ્થાનિક ધારાસભ્યઓ, ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અગ્રસચિવ સુશ્રી મમતા વર્મા, સાયન્સ – ટેકનોલોજી વિભાગનાં સચિવ પી. ભારતી, કેઇન્સ તથા આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટરના ઈજનેરો, કર્મચારીઓ, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સહભાગીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

