નવું વર્ષ: અનોખી પરંપરા….રતન મહાલ ના જંગલમાં દુર્લભ વૃક્ષની પૂજા કરી નવું વર્ષ ઉજવ્યું

Tree pujan Mahaal forest
  • વન પાલ મુકેશભાઈ બારિયા એ સાથી વનકર્મીઓ સાથે રતન મહાલ ના જંગલમાં દુર્લભ વૃક્ષની પૂજા કરી નવું વર્ષ ઉજવ્યું: સન 2008 માં નોકરીની શરૂઆત થી તેઓ દર વર્ષે નવા વર્ષની શરૂઆત વૃક્ષ પૂજા થી કરે છે….
  • જેના થડ પર ઝીણા વાળ ઊગે છે એવા સાગેન ના વૃક્ષની સાથે રતન મહાલની ટોચ પર બિરાજતા પ્રાચીન રતનેશ્વર મહાદેવનું પણ કર્યું પૂજન..
  • ઝાડ બિચારા કોની સાથે નવું વર્ષ ઊજવે? આપણી સાથે જ ને…મુકેશભાઈ બારિયા

વડોદરા, ૧૬ નવેમ્બર: નવું વર્ષ ઉજવવાની નવી અને નોખી પરંપરાઓ દરેક પંથકમાં જોવા મળે છે અને આ વિવિધતા નવા વર્ષના ઉત્સવને નવો ઓપ આપે છે. તેમાં પણ વન્ય જીવ સંરક્ષણ વિભાગ હેઠળના રતન મહાલ અભ્યારણ્ય ની કંજેઠા રેન્જમાં કાર્યરત વન પાલ એટલે કે ફોરેસ્ટર શ્રી મુકેશ અરવિંદ બરિયાએ,પોતાના પરીક્ષેત્ર વન અધિકારી શ્રી રમેશભાઈ ચૌહાણ અને સાથી વન રક્ષકોની સાથે પવિત્ર સાગેન ના વૃક્ષની પૂજા કરીને નવી અને નોખી રીતે નવું વર્ષ ઉજવ્યું હતી.આ પ્રતિબદ્ધ વન સેવકો એ જાણે કે વૃક્ષ દેવતા ને સહુ થી પહેલા સાલ મુબારક પાઠવી ને વિક્રમ સંવત ના નવા વર્ષની શરૂઆત કરીને વૃક્ષ દેવો ભવ નો શુભ સંદેશ આપ્યો હતો.

જો કે મુકેશભાઈ સાવ અલગ વિચારધારા ધરાવતા વન કર્મયોગી છે. તેમણે જંગલ ખાતાની નોકરીની શરૂઆત વડોદરા જિલ્લાના વાઘોડિયા થી,વડોદરા વન વર્તુળ હેઠળ સન 2008 માં કરી હતી. તેઓ ખૂબ સૂચક શબ્દોમાં કહે છે કે,ઝાડ બિચારા કોની સાથે નવું વર્ષ ઊજવે? અમારી સાથે જ ને. અમે વન વિભાગ વાળા જંગલ અને ઝાડોના સગાવ્હાલા કહેવાઈએ.એટલે મેં નોકરી ના પહેલાં વર્ષ થી જ નવા વર્ષની શરૂઆત વૃક્ષ પૂજા થી કરવાનો રિવાજ પાળ્યો છે.વાઘોડિયા પાસેના વેડપુર નજીક સાગના જ એક પ્રકારનું અને ખૂબ જૂજ જોવા મળતું સાગેન વૃક્ષ છે.થડ પર ઝીણા વાળ જેવા તાંતણા ધરાવતું આ વૃક્ષ સેવન ના ઝાડ જેવું જ પવિત્ર ગણાય છે.તે સમયે હું અને મારા બીટ ગાર્ડ સાથી નવા વર્ષે એ વૃક્ષની પૂજા કરતા અને થોડીવાર એ વૃક્ષ સાથે બેસી મૌન સંવાદ કરતા.તેના થી ખૂબ શાંતિ મળતી.

ત્યાર થી મેં આ પરંપરા પાળી છે.હાલમાં આ નવા સ્થળે બદલી થઈને આવ્યો છું.એટલે પરિક્ષેત્ર વન અધિકારી રમેશભાઈ ચૌહાણ ને વાત કરતા તેમણે સંમતિ આપી.તેઓ તથા સાથી મિત્રો વૃક્ષ પૂજામાં જોડાયાં. અમે સાગેન ને પુષ્પ માળા ચઢાવી,અગરબત્તી કરી,શ્રી ફળ વધેર્યું અને આમ,વૃક્ષ દેવતાના પૂજન થી અમારા નવા વર્ષની શરૂઆત કરી. તેઓ લાગણી ભીના શબ્દોમાં જણાવે છે કે લોકો નવા વર્ષે પોતાના દુકાન ધંધા ના સ્થળની,ધન ની ,લક્ષ્મી ની પૂજા કરે છે. વન કર્મી તરીકે અમારું ધન ગણો કે લક્ષ્મી ગણો એ આ જંગલ અને વૃક્ષો છે.જંગલ અને ઝાડવા છે તો અમારી નોકરી છે અને રોજી રોટી છે.એટલે તેનો આભાર માનવા હું નવા વર્ષે વૃક્ષ પૂજા કરું છું.મને આનંદ છે કે મારા ઉચ્ચ અધિકારીઓ અને સાથી કર્મચારીઓ નો મને હાર્દિક સહયોગ આ કામમાં મળી રહ્યો છે.

whatsapp banner 1

વૃક્ષ પૂજન પછી મુકેશભાઈ અને સાથીઓએ રતન મહાલ ની ટોચ પર પીપર ગોટા ગામની નજીક બિરાજતા રત્નેશ્વર મહાદેવની પૂજા કરી હતી.રમેશભાઈ ચૌહાણ જણાવે છે કે આ મહાદેવ દાદા નો પુરાણોમાં ઉલ્લેખ છે અને છેક મધ્ય પ્રદેશ થી પગદંડી રસ્તે લોકો તેના દર્શન પૂજન કરવા આવે છે. વન્ય પ્રાણી વિભાગના મદદનીશ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી એ આ પહેલને બિરદાવી ,સહુને પ્રોત્સાહિત કર્યા છે.

પ્રકૃતિ ની, કુદરત ની પૂજા દિપાવલી ના તહેવારો સાથે આમ પણ સંકળાયેલી છે.આ તહેવાર દરમિયાન ગોવર્ધન પૂજાનું આગવું મહત્વ છે.ગોવર્ધન સ્વરૂપે પર્વત અને વન સંપદા ની જ પૂજા કરવામાં આવે છે. ગૌ પૂજન પણ આ તહેવારમાં કરવામાં આવે છે.ત્યારે વન અને વૃક્ષની પૂજાની મુકેશભાઈ ની આ નાનકડી પહેલ પ્રશંસનીય અને પ્રેરક ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *