50 ટકા ખાનગી હોસ્પિટલ(private hospital)ના બેડ પર AMC તરફથી કોરોના દર્દીઓને ફ્રીમાં મળતી સારવાર હવે થઇ રદ, દર્દીએ રુપિયા ખર્ચવા પડશે..વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદ,18 માર્ચઃ અમદાવાદમાં હવે ખાનગી કોવિડ હોસ્પિટલ(private hospital)માં વિનામૂલ્યે સારવાર નહિ મળે. અગાઉ ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોર્પોરેશને પોતાના હસ્તક રાખ્યા હતા. જેના નાણાં એએમસી દ્વારા ચૂકવવામાં આવતા હતા. પરંતુ હવેથી ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવાર લેવી હશે તો નાણાં ચૂકવવા પડશે. આ વિશે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોશિયેશનના ડોકટર ભરત ગઢવીએ વધુમાં કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવેથી ખાનગી કોવિડ હોસ્પિટલ(private hospital)માં કોરોનાના દર્દીઓને નહિ મોકલે. ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે બેડ વધારવામાં આવશે. અગાઉ 50 ટકા ખાનગી હોસ્પિટલના બેડ પર AMC તરફથી કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાતી હતી, જે હવેથી બંધ કરવામાં આવી છે. ખાનગી કોવિડ હોસ્પિટલના 100 ટકા બેડ પર દર્દીઓને સારવાર માટે નક્કી કરાયેલો ચાર્જ ચૂકવવાનો રહેશે. જોકે, કોરોનાના દર્દીઓ પાસેથી સરકારે અગાઉ નક્કી કરેલો જ ચાર્જ વસૂલવામાં આવશે. તેમજ જો કોઈ હોસ્પિટલ બિલ મામલે કૌભાંડ કરશે તો તેની સામે અગાઉની જેમ કાર્યવાહી કરવામાં આવશે.
મીડિયા સાથે વાત કરતા ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, શહેરમાં વધતા કેસોમાં સરકારની બેદરકારી કહેવું ખોટું છે. લોકોએ પણ સમજદારી નથી બતાવી, માસ્ક વગર લોકો ફરી રહ્યા છે, જે ઘાતક છે. હજુ એ ખબર નથી આપણને કે આ જૂનો જ સ્ટ્રેઈન છે કે નવો. જો આ નવો સ્ટ્રેઈન હશે તો ચિંતા વધશે, જો જૂનો જ સ્ટ્રેઈન હશે તો ખાસ વાંધો નહિ આવે. માસ્ક લોકો ફરજીયાત પહેરે, જો માસ્ક પહેરેલું હશે તો બચી શકાશે. માસ્ક વિના લોકો કોઈની સાથે વાતચીત પણ ના કરે એ જરૂરી છે. ચૂંટણી સમયે લોકો ટોળામાં જતા હતા, મેચ જોવા લોકો ભીડમાં ગયા. લોકો વેક્સીન લેવાનું ટાળી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, પણ વેક્સીનેશન જ એકમાત્ર ઉપાય છે. લોકડાઉન એ કોરોનાથી બચવાનો કોઈ ઉપાય નથી. આગામી 1 મહિનો ખૂબ જ સાવચેત રહેવું પડશે.
આ પણ વાંચો…