“અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે: ડો. ચેતનાબેન ડોડીયા

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારના કર્મયોગની સાધનામાં કાર્યરત નિષ્કામ કર્મયોગી ફ્લોર મેનેજરની આયોજનબદ્ધ ટીમ
“અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે, તેથી તેમની સંભાળ એજ મારૂં કર્મ એજ મારો ધર્મ”: ડો. ચેતનાબેન ડોડીયા, ફલોર મેનેજર કોવીડ-૧૯ હોસ્પીટલ
અહેવાલ: રશ્મિન યાજ્ઞિક/શુભમ અંબાણી,રાજકોટ
જે અન્વયે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉભી કારાયેલ કોવીડ-૧૯ ખાતે કાર્યરત તબીબો તાલીમબધ્ધ નર્સો સહિતના આરોગ્યકર્મીઓ કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની નિસ્વાર્થ સેવા કરી તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
રાજકોટ, ૧૯ ઓક્ટોબર: કોરોના સંક્ર્મણની શરૂઆતથી જ રાજય સરકાર દ્વારા તબ્બકાવાર આરોગ્યની ઘનિષ્ઠ સારવાર સો કોઇને મળી રહે તે માટે માઇક્રો પ્લાનીંગ કરાયું હતું. જે અન્વયે રાજકોટમાં પણ કોરોના સંદર્ભે પર્યાપ્તમાત્રામાં બેડની, ઓકસીજન અને વેન્ટીલેટર સહિત તમામ આધુનિક સારવાર માટેના સાધનોથી સજ્જ બેડ ધરાવતી હોસ્પીટલો ઉપલબ્ધ કરાવાઇ હતી.
કોવીડ-૧૯ ખાતે દાખલ થતા તમામ દર્દીઓને સઘન સારવાર મળે અને સારવારમાં સરળતા રહે તે માટે કરાયેલ ખાસ માઇક્રો પ્લાનીંગ અન્વયે તમામ સ્ટાફને નિશ્ચિત કામગીરી રોટેશન મુજબ ફાળવવામાં આવી છે. દરેક સ્ટાફ પોતાની કામગીરીને સુપેરે નિભાવી શકે તે માટે હોસ્પીટલના દરેક ફલોર પર તમામ સ્ટાફની દેખરેખ અને મેનેજમેન્ટ માટે ખાસ ફ્લોર મેનેજરો તરીકે તજજ્ઞ તબિબોને ફરજ સોંપવામાં આવી છે.
ફલોરમેનેજરની કામગીરીમાં છેલ્લા બે મહીના થી આઠ- આઠ દિવસના રોટેશનમાં કાર્યરત એવા રેડીયોલોજીસ્ટ ડો.ચેતનાબેન ડોડિયાએ તેઓના કાર્યાનુભવ વિશે જણાવ્યું હતું કે,” અમારું મુખ્ય કાર્ય અહીં દાખલ થતા દર્દીઓનું એટેન્ડન્સ લેવાનું સાથો સાથ અમે અહીં દર્દીઓનો ડેટા તૈયાર કરીએ છીએ. તેમાંય જો કોઈ ક્રિટિકલ દર્દી હોય તો તેની જરૂરિયાત અનુસાર આવશ્યક મેનેજમેન્ટ કરીએ છીએ, અને જો તેમને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં શિફ્ટ કરવાના હોય તો ત્યારે પણ તેના સ્વજનોની પરવાનગી લીધા બાદ અમે દર્દીઓને શિફ્ટ કરીએ છીએ. આ ઉપરાંત ડિસ્ચાર્જ થતા દર્દીઓને સર્ટી તથા જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવી કોવીડ-૧૯ ખાતે કાર્યરત તમામ સ્ટાફની આપૂર્તી જળવાઇ રહે તેમજ ફલોરમાં ઓકસીજન વેન્ટીલટર સહિતના તમામ સાધનો સતત કાર્યરત રહે અને કોઇપણ વિક્ષેપ વગર સારવારમાં ચાલુ રહે તે રીતે દરેક પેશન્ટ થી લઇને તમામ સ્ટાફનું મેનેજમેન્ટ કરવાનું રહે છે.
તેઓ તબીબ તરીકેની ફરજનિષ્ઠાની અગ્રતાનું મહત્વ દર્શાવતા કહે છે કે એક વખત મારો પુત્ર બીમાર પડયો હતો. હું અને મારા પતિ પણ હાલ કોરોના સંક્રમિતોની સેવામાં કાર્યરત છે. આથી હોસ્પિટલમાં ફરજને કારણે હું ઘરે જઇ શકી ન હતી ત્યારે મારા પાડોશીઓએ તેની સંભાળ રાખી હતી. મારા માટે અહીં દાખલ થતા દર્દીઓ મારો જ પરિવાર છે. તેથી તેમની સંભાળ રાખવી પણ આવશ્યક છે. હાલના કોરોના સંક્રમણના સંજોગોમાં મારું કર્મ એ જ મારો ધર્મ છે.”

કોવીડ-૧૯ ખાતે કાર્યરત તબીબો પોતે પોતાની સંવેદનાઓ પર કાબુ રાખીને આપદધર્મની નિભાવવા સતત ખડે પગે હાજર રહે છે. આ બાબતે તબીબી ડો.ચાર્મી વ્યાસ જણાવે છે કે,”મારા સસરા ડાયાબિટીઝના દર્દી છે અને ઘરે મારી ૨ વર્ષની પુત્રી પણ છે, તેથી પરિવારજનો સંક્રમિત ન થાય તેની હું ખાસ કાળજી રાખું છું, અહીં દાખલ કોઈ પણ દર્દી ને ક્યારેય પણ કોઈ સમસ્યા ઉતપન્ન થાય તો તેના નિવારણ અર્થે અમે ખડે પગે કાર્યરત છીએ. કોઈ દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે તો તેની પણ વિગત અમારી પાસે હોય છે તો તેને યોગ્ય સારવાર મળે છે કે નહીં તેનું નિયમન પણ અમે કરીએ છીએ.”
આમ કોરોના સંક્રમણથી તમામ દર્દીઓને મુકત કરવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપતી ટ્રીટમેન્ટની પ્રત્યેક પ્રકિયામાં સેવારત તમામ આરોગ્યકર્મીઓ ભગવદ ગીતાના શુભાષિત “કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન,……. ને જીવનમંત્ર બનાવી ફળની આશ વગર ફરજ બજાવી રહયા છે.
********************