Appeal of Rajkot Division: ઉત્તરાયણ મનાવો, રેલવેના ઓવરહેડ હાઈ-વોલ્ટેજ વાયરોથી અંતર જાળવો
Appeal of Rajkot Division: રાજકોટ ડિવિઝનની અપીલ: ઉત્તરાયણ મનાવો, રેલવેના ઓવરહેડ હાઈ-વોલ્ટેજ વાયરોથી અંતર જાળવો
25,000 વોલ્ટના હાઈ-વોલ્ટેજ તારોથી ખાસ સાવચેત રહો
રાજકોટ, ૭ જાન્યુઆરી: Appeal of Rajkot Division: આગામી તહેવારો અને પતંગબાજીના ઉત્સાહને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા જનતાની સુરક્ષા માટે એક વિશેષ અપીલ જારી કરવામાં આવી છે. રેલ પ્રશાસને નાગરિકોને સાવધ કર્યા છે કે રાજકોટ ડિવિઝનના તમામ રેલવે સેક્શનમાં ટ્રેનોના સંચાલન માટે ૨૫,૦૦૦ વોલ્ટની હાઈ-વોલ્ટેજ ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઈનો (OHE) કાર્યરત છે, જે અત્યંત સંવેદનશીલ અને જોખમી છે.
અવારનવાર જોવા મળે છે કે પતંગ ઉડાવતી વખતે દોરી આ વાયરોમાં ફસાઈ જાય છે. કેટલાક દોરા (માંજા) માં ધાતુના અંશ અથવા ભેજ હોવાને કારણે, તેમાંથી વીજળીનો કરંટ નીચે સુધી આવી શકે છે. આ પરિસ્થિતિ માત્ર પતંગ ઉડાવનારાઓ માટે જ નહીં, પરંતુ રેલવે ટ્રેક નજીકથી પસાર થતા લોકો માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
રાજકોટ ડિવિઝન દ્વારા જારી કરાયેલ મુખ્ય સૂચનાઓ અને અપીલ:
૧) ટ્રેકથી અંતર: સુરક્ષા અને કાયદાને ધ્યાનમાં રાખીને રેલવે ટ્રેકની આસપાસ પતંગ ન ઉડાવો.
૨) વાયરોને ન અડકવું: જો કોઈ પતંગ કે દોરી હાઈ-વોલ્ટેજ વાયરોમાં ફસાઈ જાય, તો તેને કાઢવા માટે કોઈ સળિયો, લાકડી કે અન્ય સાધનનો ઉપયોગ ક્યારેય કરશો નહીં.
૩) બાળકોની સુરક્ષા: વાલીઓએ ખાસ ધ્યાન આપવું કે પતંગ પકડવાની લાલચમાં બાળકો રેલવે ટ્રેક તરફ ન દોડે.
૪) રેલવે કર્મચારીઓની સુરક્ષા: ટ્રેક પર કામ કરતા રેલવે કર્મચારીઓ માટે આ ફસાયેલા દોરા સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર ખતરો પેદા કરે છે.
રેલ પ્રશાસન આશા રાખે છે કે જનતા સંપૂર્ણ સહયોગ આપીને રેલવે પરિસરમાં સુરક્ષિત વાતાવરણ જાળવવામાં મદદરૂપ થશે. તમારી સતર્કતા માત્ર તમારી સુરક્ષા જ નહીં, પરંતુ અન્યનો જીવ પણ બચાવી શકે છે.

