DRM Trophy 2026 Rajkot Division: રાજકોટ ડિવિઝન DRM ટ્રોફી 2026: ઇજનેરી વિભાગ ચેમ્પિયન
DRM Trophy 2026 Rajkot Division: રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ‘ડીઆરએમ ટ્રોફી-2026’નું સફળ આયોજન: એન્જિનિયરિંગ વિભાગ બન્યું ચેમ્પિયન
રાજકોટ, 22 માર્ચ: DRM Trophy 2026 Rajkot Division: રાજકોટ ડિવિઝન ખેલકૂદ સંઘ (RDSA) દ્વારા ડિવિઝનમાં કાર્યરત રેલવે કર્મચારીઓ માટે ‘ડીઆરએમ ટ્રોફી-2026’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ડિવિઝનના વિવિધ વિભાગોની ટીમો વચ્ચે 5 ફેબ્રુઆરીથી 22 માર્ચ, 2026 દરમિયાન વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ સ્પર્ધામાં ક્રિકેટની સાથે-સાથે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ચેસ, ફૂટબોલ, સાયકલિંગ અને એથ્લેટિક્સ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓના પરિણામો પોઈન્ટ ટેબલના આધારે જાહેર કરવામાં આવ્યા હતા અને દરેક રમતગમત ઇવેન્ટમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ટીમોને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર પ્રદર્શનના આધારે એન્જિનિયરિંગ વિભાગ 63 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને, RPF વિભાગ 36 પોઈન્ટ સાથે બીજા સ્થાને અને મિકેનિકલ વિભાગ 25 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.
ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલ મેચ એન્જિનિયરિંગ અને આરપીએફ વિભાગની ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં એન્જિનિયરિંગ વિભાગ વિજેતા બની ‘ડીઆરએમ ટ્રોફી-2026’નું ચેમ્પિયન બન્યું હતું. RPF વિભાગ રનર્સ-અપ (ઉપવિજેતા) રહ્યો હતો.
ક્રિકેટ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ RPFના દીપક મરીચિને ‘મેન ઓફ ધ સિરીઝ’, મેડિકલ વિભાગના રામકિશન કુમાવતને ‘શ્રેષ્ઠ બેટ્સમેન’ અને એન્જિનિયરિંગ વિભાગના વિતુલ બારૈયાને ‘શ્રેષ્ઠ બોલર’ જાહેર કરવામાં આવ્યા હતા.
રાજકોટ સ્થિત રેલવે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલા ઇનામ વિતરણ સમારોહમાં ડિવિઝન રેલ પ્રબંધક (DRM) ગિરિરાજ કુમાર મીના દ્વારા વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાથે જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મોમેન્ટો અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રેલકર્મીઓ પોતાની ફરજની સાથે-સાથે રમતગમતમાં પણ સક્રિય ભાગ લે અને પોતાને સ્વસ્થ રાખે.
રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીના તથા રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશનના સચિવ અને વરિષ્ઠ ડિવિઝન સુરક્ષા અધિકારી આર.સી. મીણાના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટનું સફળ આયોજન થયું હતું. રેલવે તરફથી પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને રેલ કર્મચારી સેન્દિલ નાટકણ, પ્રતીક મહેતા, હાર્દિક રાઠોડ અને મીત ગોસ્વામીએ મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, રાજકોટના અધ્યક્ષા મુકેશી મીના અને તેમની ટીમ, વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (કો-ઓર્ડિનેશન) નરેન્દ્ર સિંહ, ચીફ પ્રોજેક્ટ મેનેજર (ગતિ શક્તિ) સુધીર દુબે, ડિવિઝન સુરક્ષા કમિશનર કમલેશ્વર સિંહ, વિવિધ વિભાગોના અધિકારીઓ, ટ્રેડ યુનિયનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ખેલાડીઓ અને રેલકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
