Employees honored by DRM: રાજકોટ ડિવિઝનના 5 રેલવે કર્મચારીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
Employees honored by DRM: રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના 5 રેલવે કર્મચારીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
રાજકોટ, 12 જાન્યુઆરી: Employees honored by DRM: રેલવે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 5 કર્મચારીઓને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) ગિરિરાજ કુમાર મીના દ્વારા આજે ડીઆરએમ ઓફિસ, રાજકોટ સ્થિત કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટ ડિવિઝનના ઇલેક્ટ્રિકલ (ટ્રેક્શન) વિભાગના કર્મચારીઓને આ એવોર્ડ સપ્ટેમ્બર અને નવેમ્બર 2025 ના મહિનામાં રેલવે સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે.
સન્માનિત થનારા રેલવે કર્મચારીઓમાં ઓમપ્રકાશ મીના (આસિસ્ટન્ટ લોકો પાયલટ-ગુડ્સ, સુરેન્દ્રનગર), નરેન્દ્ર કુમાર બી (લોકો પાયલટ-ગુડ્સ, હાપા), દિનેશ અગ્રવાલ (લોકો પાયલટ, ગુડ્સ, હાપા), શ્રી પૃથ્વીરાજસિંહ (મિકેનિક લોકો ટ્રિપ શેડ, હાપા) અને ધર્મેન્દ્ર કુમાર વેરવા (આસિસ્ટન્ટ ટ્રેક્શન, દ્વારકા) નો સમાવેશ થાય છે.
આ કર્મચારીઓએ ફરજ દરમિયાન ઉચ્ચ સ્તરની સતર્કતા દાખવી સંભવિત અકસ્માતો ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં નીચે મુજબની ઘટનાઓનો સમાવેશ થાય છે:
આ પણ વાંચો:- International Kite Festival-2026: સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત ઉપરાંત 50 જેટલા દેશોના 1000થી વધુ પતંગબાજોનો જમાવડો
· ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ – ઓખા સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્થિત આજી બ્રિજ પર ચેઈન પુલિંગને કારણે અચાનક ઊભી રહી જતાં, આસિસ્ટન્ટ લોકો પાયલટે જોખમ ખેડીને પગપાળા જઈ ચેઈન પુલિંગની સ્વીચ રીસેટ કરી અને ફરી એન્જિનમાં પરત આવી ટ્રેનને સુરક્ષિત રીતે આગળ વધારી હતી.
· માલગાડીની યાર્ડમાં તપાસ દરમિયાન એક વેગનનો હેન્ડ બ્રેક એસેમ્બલીનો એક ભાગ લટકતો જોવા મળતા, તરત જ સંબંધિત કેરેજ એન્ડ વેગન સ્ટાફ દ્વારા તેને ઠીક કરાવી માલગાડીનું સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કર્યું હતું.
· યાર્ડમાં તપાસ દરમિયાન એક વેગનનો હેન્ડ બ્રેક કાર્યરત નહોતો અને બીજા એક વેગનમાં નકલ પિન તૂટેલી જોવા મળી હતી જે ટ્રેન સંચાલન માટે અસુરક્ષિત હતી, તેને તાત્કાલિક રીપેર કરવામાં આવી હતી.
· ટ્રેન નંબર 59551 રાજકોટ-ઓખા લોકલના ટ્રિપ નિરીક્ષણ દરમિયાન એક કોચના CBC (સેન્ટર બફર કપલર) માઉન્ટિંગ પ્લેટનો એક બોલ્ટ તૂટેલો હોવાનું જણાયું હતું, જેને તાત્કાલિક રીપેર કરાવવામાં આવ્યો હતો.
· એન્જિનિયરિંગ બ્લોક દરમિયાન મેઈન લાઇન પર ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) ના કાર્ય દરમિયાન ટ્રેક એલાઈનમેન્ટમાં નોંધપાત્ર ફેરફારને કારણે અસામાન્ય અસ્થિરતા (Wobbling) ને ઓળખી કાઢી હતી, જે પેન્ટોગ્રાફ અને ટ્રેન સંચાલનની સુરક્ષા માટે જોખમી બની શકત, તેને સમયસર ઠીક કરી દેવામાં આવી હતી.
ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ પ્રસંગે સન્માનિત કર્મચારીઓને અભિનંદન પાઠવતા તેમની ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા અને સમર્પણની પ્રશંસા કરી હતી અને તેને સમગ્ર ડિવિઝનના કર્મચારીઓ માટે પ્રેરણાદાયી ગણાવી હતી.
આ ગરિમાપૂર્ણ અવસરે સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર રમેશ ચંદ્ર મીણા, સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (TRO) મનોજ રાવ અને સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (TRD) જિતેન્દ્ર કુમાર મંગલ ઉપસ્થિત રહ્યા હતા.

