rjt employees hounred

GM Safety Award: રાજકોટ ડિવિઝનના કર્મચારીને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે સન્માનિત કર્યા

GM Safety Award: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી: રાજકોટ ડિવિઝનના કર્મચારીને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે સન્માનિત કર્યા

  • GM Safety Award: ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસમાં ધુમાડો જોઈને આપી તાત્કાલિક માહિતી; ગેટમેનની સતર્કતાથી સંભવિત દુર્ઘટના ટળી

રાજકોટ, ૨૫ નવેમ્બર: GM Safety Award: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (GM) વિવેક કુમાર ગુપ્તાએ મુંબઈ સ્થિત મુખ્યાલય ખાતે વિવિધ ડિવિઝનના ૧૧ કર્મચારીઓને સન્માનિત કર્યા. આ કર્મચારીઓએ પોતાની સતર્ક અને જવાબદારીપૂર્ણ કામગીરીથી સલામત અને અવિરત રેલ સંચાલન સુનિશ્ચિત કર્યું. ઑક્ટોબર ૨૦૨૫ દરમિયાન સંભવિત ઘટનાઓને રોકવામાં આ કર્મચારીઓ દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને જી.એમ. સલામતી પુરસ્કાર (GM Safety Award) એનાયત કરવામાં આવ્યો. સન્માનિત કર્મચારીઓમાં રાજકોટ ડિવિઝનના મનીષ કુમાર (ગેટમેન, ફાટક નંબર ૨૫૨)નો પણ સમાવેશ થાય છે, જેમને જનરલ મેનેજર સલામતી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

૧૦ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ મનીષ કુમાર રાજકોટ ડિવિઝનના ભોપલકા–ભાટેલ સેક્શનમાં સ્થિત ફાટક નંબર ૨૫૨ પર ડ્યુટી પર તહેનાત હતા. લગભગ ૧૧:૪૦ વાગ્યે, જ્યારે ટ્રેન નંબર ૧૯૫૬૫ (ઓખા–દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ) ફાટક પરથી પસાર થઈ રહી હતી, ત્યારે તેમણે એન્જિનથી ત્રીજા કોચમાં ધુમાડો નીકળતો જોયો. તેમણે તુરંત સતર્કતા દાખવીને સ્ટેશન માસ્ટર, ભાટેલને જાણ કરી, જેના પછી ટ્રેનને રોકવામાં આવી. સમયસર આપવામાં આવેલી માહિતીને કારણે લોકો પાઇલટ અને ટ્રેન મેનેજરે ટેકનિકલ તપાસ કરીને કોચ નંબર WR 201214 LS માં જામ થયેલા બ્રેક લોકની ઓળખ કરી અને બે અગ્નિશામક યંત્રોની મદદથી જરૂરી સુધારાત્મક કાર્યવાહી કરી. આનાથી સંભવિત દુર્ઘટના ટળી અને ટ્રેન સુરક્ષિત રીતે આગળ વધી શકી.

મનીષ કુમારની સજાગતા, સમર્પણ અને તાત્કાલિક નિર્ણય લેવાની ક્ષમતાને કારણે માત્ર એક મોટી દુર્ઘટનાને જ રોકી શકાઈ નહીં, પરંતુ અન્ય ટ્રેનોના સંચાલન સમય અને રેલવે સંપત્તિને પણ સંભવિત નુકસાનથી બચાવી શકાઈ.

જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ પુરસ્કાર મેળવનાર કર્મચારીઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આ કર્મચારીઓની નિષ્ઠા અને કાર્ય પ્રત્યેનું સમર્પણ સમગ્ર પશ્ચિમ રેલવે પરિવાર માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ પણ ગેટમેન મનીષ કુમારને અભિનંદન પાઠવ્યા અને તેમના નોંધનીય કાર્યની સરાહના કરી તેમજ ભવિષ્યમાં પણ આ જ પ્રકારે સતર્કતાપૂર્વક કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા.

રાજકોટ ડિવિઝનને તેના આવા કર્તવ્યનિષ્ઠ અને સતર્ક કર્મચારીઓ પર ગર્વ છે, જેઓ પડકારજનક પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય અને સમજદારી સાથે કાર્ય કરીને રેલ સંચાલનની સંપૂર્ણ સલામતી સુનિશ્ચિત કરે છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો