Prime Minister’s Employment Fair: રાજકોટ રેલવે ડિવિઝન માં 99 ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા
Prime Minister’s Employment Fair: પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત રાજકોટ રેલવે ડિવિઝન માં 99 ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા

રાજકોટ, 12 જુલાઈ: Prime Minister’s Employment Fair: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 16મા રોજગાર મેળાનો શુભારંભ કર્યો. આ પ્રસંગે 51,000 થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. આ દરમિયાન પ્રધાનમંત્રીએ આ નવનિયુક્ત કર્મચારીઓને સંબોધન પણ કર્યું. રોજગાર મેળામાં રેલવે, ગૃહ, ઉચ્ચ શિક્ષણ, ટપાલ, વિદ્યુત, શ્રમ સહિતના લગભગ 14 મંત્રાલયોમાં નવા પસંદ કરાયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું.
ભારતીય રેલવે દ્વારા 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રમમાં રાજકોટ ડિવિઝન માં રાજકોટ ખાતે આવેલા જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડમાં માનનીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી, ભારત સરકાર નિમુબેન બાંભણિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતાં. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

રાજકોટ મંડળ રેલ પ્રબંધક અશ્વિની કુમાર દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય અતિથિએ સૌને સંબોધિત કર્યા. આ દરમિયાન સાંસદ રામભાઈ મોકરિયા, મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને અન્ય સ્થાનિક જનપ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. સ્થાનિક કાર્યક્રમમાં આ પ્રસંગે રાજકોટ મંડળના શાખા અધિકારીઓ અને રેલકર્મીઓ પણ ઉપસ્થિત હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા તથા અન્ય સ્થાનિક જનપ્રતિનિધિઓ એ 99 નવા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું, જેમાં સૌથી વધુ રેલવેના 84 ઉમેદવારો સામેલ હતા. આ ઉપરાંત પોસ્ટલ વિભાગ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને એઈમ્સના 15 ઉમેદવારો પણ સામેલ હતા.
કાર્યક્રમના અંતમાં રાજકોટ મંડળના વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી અમૃત સોલંકી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન વેલફેર ઇન્સ્પેક્ટર શૈલેષ મકવાણા તથા ધર્મિષ્ઠા થોરીયા દ્વારા કરવામાં આવ્યું. 16મા રોજગાર મેળામાં પશ્ચિમ રેલવે અંતર્ગત રાજકોટ મંડળ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને રતલામ મંડળના 347 નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું.
રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પહેલ છે. રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી માટે સાર્થક અવસર પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો