rjt 4

RJT DRM honored: રાજકોટ ડિવિઝનના 6 રેલકર્મીઓ સન્માનિત

RJT DRM honored: રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના 6 રેલકર્મીઓને ડીઆરએમ દ્વારા સન્માનિત કરાયા

રાજકોટ, 22 ડિસેમ્બર: RJT DRM honored: રેલવે સેફટી ક્ષેત્રે ઉત્કૃષ્ટ, સતર્ક અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના છ કર્મચારીઓને આજે ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીના દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજકોટ સ્થિત ડીઆરએમ ઓફિસના કોન્ફરન્સ રૂમમાં આ સન્માન સમારોહ યોજાયો હતો. રાજકોટ ડિવિઝનના ઇલેક્ટ્રિકલ (ટ્રેક્શન) વિભાગના આ કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમિયાન રેલવે સેફટી સુનિશ્ચિત કરવામાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યા છે.

સન્માનિત થનારા રેલકર્મીઓમાં રાજકોટના કિશન પંડ્યા, ફ્રાન્સિસ એલ. અને રાઘવ ગોહિલ (ત્રણેય લોકો પાયલોટ, મેઇલ-એક્સપ્રેસ) તથા લખન લાલ સૈની (આસિસ્ટન્ટ લોકો પાયલોટ, ગુડ્સ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાપાના પ્રવીણ એચ. સોનગરા અને શ્રી રામેશ્વર (બંને લોકો પાયલોટ, ગુડ્સ) ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

RJT DRM honored

આ કર્મચારીઓએ ફરજ દરમિયાન ઉચ્ચ સ્તરની સતર્કતા અને સૂઝબૂઝનો પરિચય આપી સંભવિત અકસ્માતોને ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં મેઇલ/એક્સપ્રેસ ટ્રેનના એન્જિન નિરીક્ષણ દરમિયાન ઢીલા સેન્ડ બોક્સને સમયસર યોગ્ય કરાવવું, માલગાડીના વેગનમાં તૂટેલી ‘નકલ પિન’ તેમજ લટકતા ‘ઓપરેટિંગ હેન્ડલ’ની ઓળખ કરી તાત્કાલિક સુધારા કરાવવા તથા વેગનના પ્રાયમરી સસ્પેન્શન સ્પ્રિંગમાં લાગેલી આગને તાત્કાલિક બુઝાવી રેલવે સંપત્તિનું રક્ષણ કરવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે.

અન્ય એક ઘટનામાં, રેલવે ફાટક પર અનિયમિતતા જણાતા લોકો પાયલોટે મેઇલ/એક્સપ્રેસ ટ્રેનની ગતિ નિયંત્રિત કરી હતી અને ખામી દૂર થયા બાદ જ ટ્રેનનું સંચાલન શરૂ કર્યું હતું. આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ સન્માનિત કર્મચારીઓને અભિનંદન પાઠવતા તેમની ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા અને સમર્પણની પ્રશંસા કરી હતી અને તેને સમગ્ર ડિવિઝનના કર્મચારીઓ માટે પ્રેરણાદાયી ગણાવી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર રમેશ ચંદ્ર મીના અને સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (TRO) મનોજ રાવ ઉપસ્થિત રહ્યા હતા.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો