RJT Sports Complex: રાજકોટ રેલવે મંડળમાં ખેલાડીઓને મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ
RJT Sports Complex: રાજકોટ રેલવે મંડળમાં અત્યાધુનિક જિમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન: ખેલાડીઓને મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ

રાજકોટ, ૦૮ જુલાઈ: RJT Sports Complex: રાજકોટ રેલવે મંડળ ખેલાડીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં, રાજકોટ મંડળ ખેલકૂદ સંઘ (RDSA) દ્વારા તાજેતરમાં રાજકોટ સ્થિત રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ પરિસરમાં એક અત્યાધુનિક હાઈ-ટેક જિમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ જિમનો શુભારંભ રાજકોટ મંડળ ખેલકૂદ સંઘના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક (DRM) અશ્વિની કુમાર દ્વારા કરવામાં આવ્યો.

આ પ્રસંગે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, રાજકોટના અધ્યક્ષા રંજના સિંહ દ્વારા નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેનાથી ખેલાડીઓ માટે સુવિધાઓનો વ્યાપ વધુ વિસ્તર્યો છે. આ જ અવસરે, RDSA નો નવો લોગો પણ બહાર પાડવામાં આવ્યો. આ નવો લોગો RDSA ની નવી ઓળખ બનશે અને ખેલાડીઓમાં પોતાના સંગઠન પ્રત્યે ગર્વ અને જોડાણની ભાવનાને મજબૂત કરશે.
ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, મંડળ રેલ પ્રબંધક અશ્વિની કુમારે રાજકોટ મંડળ ખેલકૂદ સંઘના સચિવ અને વરિષ્ઠ સુરક્ષા અધિકારી આર.સી. મીણા અને તેમની સમગ્ર ટીમને આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ નવી જિમ સુવિધા રેલવેના તમામ ખેલાડીઓ, RDSA કેમ્પના ખેલાડીઓ, રેલ અધિકારીઓ અને કર્મચારીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
લગભગ 30 લાખ રૂપિયાના કુલ ખર્ચે નિર્મિત આ જિમમાં ફિટનેસ સંબંધિત અનેક પ્રકારના અદ્યતન ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જે ખેલાડીઓને તેમના પ્રદર્શનને સુધારવામાં મદદ કરશે. જિમ અઠવાડિયાના તમામ દિવસોમાં સવારે 06:30 થી 10:30 વાગ્યા સુધી અને સાંજે 16:30 થી 20:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

આ મહત્વપૂર્ણ પ્રસંગે રાજકોટ મંડળના અપર મંડળ રેલ પ્રબંધક કૌશલ કુમાર ચૌબે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના ઉપાધ્યક્ષા મમતા ચૌબે અને તેમની ટીમ, વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ, રેલકર્મીઓ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી કાર્યક્રમની ગરિમામાં વધારો થયો હતો.