Anant patel ni kalame: હળવી શૈલીમાં લેખ- કેટલીક સ્વાભાવગત વિશિષ્ઠતાઓ…

હાસ્ય લેખ: અનંત પટેલની કલમે(Anant patel ni kalame)… મનુષ્યમાં સ્વાભાવિક રીતે જન્મ જાત કેટલીક વિશિષ્ઠતાઓ જોવા મળતી હોય છે અમે આવી વિશિષ્ઠતાઓ જે આજકાલના જુવાનિયાઓ તેમ જ અન્યોના મોઢે સાંભળી છે તેનો ચિતાર આપવા માગીએ છીએ જે કદાચ તમને વાંચવાનું કે સાંભળવાનું ગમશે જ…
- કોઇ પડોશી વૃધ્ધને ઘરે જવાની વાત થતી હોય ત્યારે એ વ્યક્તિના સ્વભાવથી પરિચિત યુવાન લોકો આવું આવું બોલતા હોય છે,
” યાર ત્યાં જઇને શું કરશો, અલ્યા એ તો ચાનો ય ભાવે પૂછે એવાં નથી !!! હાળી હાવ લુખ્ખી પાર્ટી છે…” ત્યાં તરત બીજો કહેશે ,
” ના યાર, હાવ કંઇ એવાં નથી, એ કાકાને તો ચા પીવડાવવી હોય પણ આંટી આગળ એમનું જરાકે ય ચાલે જ નહિ..પછી એ ય બિચારા શું કરે.?? “
- તો વળી બીજે ક્યાંક અંકલ બહુ ખરાબ હોય ને આન્ટી બહુ ગુણવાન હોય..તો આવું સાંભળવા મળે,,,
” હાળો એ કાકો જ મારો બેટો મખ્ખીચૂસ છે, આન્ટી જો એમના કહ્યા વગર ચા બનાવે તો એમને ખખડાવ્યા વિના રહે જ નહિ.. “
અહીં વાત કરનાર જુવાન પેલા વૃધ્ધ માટે કાકો શબ્દ તોછડાઇથી વાપરે અને પાછુ ‘ મારો બેટ્ટો ‘ એમ બોલે જાણે એ ભાઇ એ વૃધ્ધ કરતાં ઉંમરમાં મોટો ના હોય…….આપણને એમ થાય કે આમને વિવેક કોણ શીખવાડશે ??
- કેટલાક જુવાનિયાની ભાષામાં જોરદાર મજાકીયાં ઉચ્ચારણો સાંભળવા મળે છે જેમ કે,
” અલિ એ લાજવંતી, હેંડને હવે શરમાયા વગર..”
કોઇ શરમાળ છોકરાને/મિત્રને આ રીતે ઝાટકતા હોય છે.
” મગજની નસ છો હોં બાપુ તમે તો…” જ્યારે કોઇ એની વાત માનતું ના હોય તો આવો શબ્દ પ્રયોગ સંભળાય છે..
” અરે ભઇ બંધ કરને…. તેં તો યાર બહુ ચલાવ્યું…મગજની ……. “
કોઇ લીધી વાત મૂકતું ન હોય ત્યારે એનાથી કંટાળી જનાર ગુસ્સે થઇ આવું સંભળાવતા હોય છે. યુવાન છોકરીઓ કેવા પ્રકારની કોમેન્ટ કરે છે તે સાંભળવાનું અમે સ્વવિવેક જાળવીને ટાળ્યું છે છતાં ય કોઇ અમને લખી મોકલશે તો અમને આનંદ થશે…
- આમાં ગૃહિણિઓ/ બેનોના સ્વભાવ ઉપર તો એક મહાગ્રંથ લખી શકાય એવું છે, થોડાક નમૂના જોઇએ,
” મને તો ભઇશાબ માર હાથની જ રસોઇ ભાવે, બીજે ખઇ લઇએ પણ મનમાં શાંતિ ન થાય… “
આ જ બેનને કોઇ જમણવારમાં એ જમતા હોય ત્યારે છાના માના એમની આજુ બાજુ જઇ એમની થાળી પર અને એમની ખાવાની સ્ટાઇલ જોઇ આવજો…મારે કંઇ કહેવું જ નહિ પડે…
તો વળી ક્યાંક વગર પૂછે આવી ય સલાહ અપાતી હોય ,,,,,
” જો બેન આ તો તું મારી અંગત છે એટલે તને સલાહ આપું છું કે વહુને બહુ છૂટ ના આપવી, બહુ એનાં વખાણ પણ ના કરતી નકર એ તને જ ભારે પડશે…..”
હવે ભાઇ એણે ક્યાં તારી સલાહ માગી છે ? અને તું બેન તારું ઘર સાચવને, બીજાની ચિંતા શું કામ કરે છે ? તને તારી વહુ કેટલી ભારે પડી છે એની વાત માંડને…ઘણી બધી બેનોને તો એ બીજાને સલાહ ન આપે કે ચુગલી બુગલી ના કરે ત્યાં સુધી ચેન જ પડતું નથી. કશી ખણખોદ ન કરી હોય તો એમનો ચહેરો પણ ભારેખમ લાગશે બોલો….
તમારી આજુ બાજુમાં કે ઘરમાં ચૂપચાપ અવલોકન કરજો મારી વાત ઝડપથી સમજાઇ જશે……..
- તો વળી કેટલાક ઉંમરલાયક પણ જાત જાતની વર્તણૂંક કરતા હોય છે, જેવી કે,
— ગુંદરીયા મહેમાનોને ઉઠાડવા એ વારે ઘડીએ ખુરશીમાંથી ઉભા થઇ બહાર જાય અને પાછા આવવાની પ્રવૃત્તિ કરવા લાગે છે,
— વારે ઘડીએ ફોન ઉપાડી વોટ્સ અપ જોયા કરે છે,
— મહેમાનની વાતમાં ટાપશી પૂરાવતા નથી ને તે સાંભળી ના સાંભળી કરે છે,
— ઘણી વહુઓ નાનાં બાળકોને તોફાન મસ્તી કરવા દે છે અને પછી ધોલ ધપાટ કરીને ભેંકડા તણાવતી હોય છે.. કે જેથી એ બધુ જોઇને પેલા મહેમાન કંટાળીને ઉભાથાય…
બસ ત્યારે, આ વાંચીને તમને તમારી આજુ બાજુમાં થતી આવી ઘણી બધી કોમેન્ટ યાદ આવી જ જવાની છે એટલે અમે હવે આટલેથી અટકીએ છીએ…
આ પણ વાંચો…