CM Rupani 3

એક જિલ્લા પંચાયત-ત્રણ તાલુકા પંચાયતોના ગાંધીનગરથી ઇ-લોકાર્પણ સંપન્ન કરતા મુખ્યમંત્રી શ્રી

સામાન્યમાં સામાન્ય માનવીની આશા-આકાંક્ષા સંતોષી લોકોની સારી સેવા થઇ શકે તેવા અદ્યતન સુવિધાસભર ભવનો રાજ્ય સરકારે નિર્માણ કર્યા છે:-મુખ્યમંત્રીશ્રી
……
રૂ. ર૬.૧૭ કરોડના ખર્ચ નવનિર્મિત એક જિલ્લા પંચાયત-ત્રણ તાલુકા પંચાયતોના ગાંધીનગરથી ઇ-લોકાર્પણ સંપન્ન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
  • મહાત્મા ગાંધીજીના ગ્રામ્ય સ્વરાજ્ય અને સ્વ. બળવંતરાય મહેતાના પંચાયતી રાજ વ્યવસ્થાના ખ્યાલનો ગુજરાતને અસરકારક અમલ કર્યો છે
  • આત્મા ગામડાનો સુવિધા શહેરોની એવી વ્યવસ્થા સાથે છેવાડાના માનવી સુધી સર્વાંગી વિકાસ પહોચાડયો
  • કોરોના સંક્રમણ વચ્ચે પણ વિકાસ યાત્રા જારી રાખવા ઇ-લોકાર્પણનો ઉપક્રમ
  • ગુજરાતે વ્યથા નહિ – વ્યવસ્થાનો મંત્ર અપનાવ્યો છે
  • રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીશ્રી સ્વ. ડૉ. જીવરાજ મહેતાના વતનમાં જિલ્લા પંચાયત ભવન-પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. અમરસિંહ ચૌધરીના વતન ડોલવણમાં તાલુકા પંચાયતના નવિન ભવનના લોકાર્પણની સૌભાગ્ય ક્ષણ મળી

ગાં,ધીનગર,૧૪ જુલાઈ ૨૦૨૦
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યના ગ્રામીણ નાગરિકો સહિત સામાન્ય માનવીની આશા અપેક્ષાઓ સંતોષાય અને સરકારનું તંત્ર લોકોની સારી સેવા કરી શકે તેવું વાતાવરણ અદ્યતન સુવિધાસભર ભવનોના નિર્માણથી રાજ્ય સરકારે કર્યુ છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, આવા ભવનો-સેવાસદનોમાં પોતાના કામકાજ માટે આવનારો અરજદાર, રજૂઆત કર્તા વ્યકિત પોતાનું કામ થવાના વિશ્વાસ અને શાતા સાથે પરત જાય તેવી કાર્યસંસ્કૃતિ ગુજરાતમાં વિકસી છે.

CM Hostal Inograts 4


મુખ્યમંત્રીશ્રી રાજ્યના પંચાયત-ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે અમરેલી જિલ્લા પંચાયત, ડોલવણ-થરાદ અને ભિલોડા તાલુકા પંચાયતોના કુલ ર૬ કરોડ ૧૭ લાખના ખર્ચે નિર્માણ પામેલા નવા ભવનોના ગાંધીનગરથી ઇ-લોકાર્પણ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગાંધીજીના ગ્રામ સ્વરાજ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાના પંચાયતી રાજ્ય વ્યવસ્થાના ખ્યાલને ગુજરાતે ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થાના અસરકારક અમલથી સાકાર કર્યો છે. તેમણે પંચાયતી રાજ્ય વ્યવસ્થાને કારણે જ ગ્રામ પંચાયતોથી માંડીને તાલુકા જિલ્લા પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને ગામડાંઓને પણ પોતીકી સરકારનો અનુભવ થાય તેવી સ્થિતી ઊભી થઇ છે તેની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ગામોને આત્મા ગામનો સુવિધા શહેરોની એવી વ્યવસ્થા-સુવિધા આપીને વિકાસ છેવાડાના માનવી સુધી પહોચાડયો છે તેમણે રોડ-રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય જેવી બધી જ પાયારૂપ સુવિધાઓ ગામડાઓને આપીને સર્વાંગી વિકાસની નેમ પાર પડી છે તેમ ઉમેર્યુ હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીશ્રી સ્વ. ડૉ. જીવરાજ મહેતા અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. અમરસિંહ ચૌધરીના વતન ગામો અમરેલીમાં જિલ્લા પંચાયત અને ડોલવણમાં તાલુકા પંચાયતના નવા ભવનોના લોકાર્પણની મળેલી તકને પોતાના જીવનની ધન્ય ક્ષણો ગણાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોના સંક્રમણના આ કપરાકાળમાં પણ વિકાસ કામો અટકે નહિં અને રોજીંદી પ્રવૃત્તિઓ પણ સાથોસાથ ચાલુ રહે તેવો વ્યૂહ વ્યથા નહિ વ્યવસ્થાના મંત્ર સાથે આપણે અપનાવ્યો છે. તેમણે કોરોનાના વિશ્વભરમાં અને દેશમાં સંક્રમણની સ્થિતીમાં સમયસરના પગલાં, સઘન આરોગ્ય વ્યવસ્થાઓને કારણે ગુજરાતમાં પોઝિટીવ કેસો પર નિયંત્રણ રાખી શકયા છીયે. મૃત્યદર પણ ઘટી રહ્યો છે તેવો મત વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કોરોનાનું સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં વધુ ન પ્રસરે તે માટેની સતર્કતા-તકેદારી રાખવા પણ આ તકે અનુરોધ કર્યો હતો. તેમણે પંચાયતના આ ભવનો ગરીબ, વંચિત, ખેડૂત, ગ્રામીણ નાગરિકોની અપેક્ષાઓ સંતોષનારા સેવાપ્રવૃત્તિ કેન્દ્ર બની રહેવાના છે તેવો વિશ્વાસ દર્શાવતાં ખેડૂત, ગરીબ, નાના કારીગરો સૌને કોરોના પછીની આર્થિક સ્થિતીમાંથી બેઠા કરવા રૂ. ૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે તેમ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગામડાં સમૃદ્ધ તો ખેતી અને ખેડૂત સમૃદ્ધ, ખેડૂત સમૃદ્ધ તો શહેરો સમૃદ્ધ અને શહેરો સમૃદ્ધ તો ગુજરાત રાજ્ય સમૃદ્ધની વિભાવના પણ આપી હતી.
પંચાયત રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે ગુજરાતે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને છેક ગ્રામીણસ્તરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિકાસની પૂરી તકો, પૂરતાં નાણાં શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં આપ્યા છે તેમ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું.
પંચાયતના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશે આ ઇ-લોકાર્પણ કાર્યક્રમોમાં સૌને આવકારતાં જણાવ્યું કે રાજ્યમાં ૧૧ જિલ્લા પંચાયતો, ૧ર૮ તાલુકા પંચાયતો અને ૩૧૧ર ગ્રામ પંચાયતોને નવા ભવનોના નિર્માણ માટે રાજ્ય સરકારે મંજૂરી અને નાણાં ફાળવણી કર્યા છે.
આ ઇ-લોકાર્પણ સમારોહમાં સંસદસભ્યો શ્રી નારાયણભાઇ કાચ્છડીયા, પરબતભાઇ પટેલ, ધારાસભ્યો શ્રી વિરજીભાઇ, પ્રતાપ દૂધાત, પૂર્વ ધારાસભ્ય શ્રી કાકડીયા સહિત સંબંધિત જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો-પદાધિકારીઓ પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.
રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સી.એમ-પીઆરઓ