IMG 20200808 WA0028

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તંત્રવાહકો અને જનપ્રતિનિધિઓ સાથે ભાવનગર શહેર અને જિલ્લાની કોરોના સંક્રમણ અને સારવાર સંદર્ભે સમીક્ષા બેઠક

img 20200808 wa00295305223666875620475

-: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી :-
રાજ્યમાં કોવિડ હોસ્પિટલો સહિતની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સુવિધા સુનિશ્ચિત કરવા આદેશ
ફાયર સેફ્ટી નિયમોનું પાલન નહિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે

ભાવનગર જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે તથા જિલ્લાની સરહદે આવેલી ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ સઘન બનાવાશે


અઠવાડિયામાં ઓછામાં ઓછાં બે જિલ્લાઓ ની મુલાકાત લઈ કોરોના સંક્રમણ નિયંત્રણ સારવાર ની સ્થિતિની સમીક્ષા કરવાની નેમ છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ભાવનગર માં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને શહેર તેમજ જિલ્લા માં કોરોના સંક્રમણ અને નિયંત્રણ સંદર્ભે સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ હતું.

તેમણે તંત્ર વાહકોને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ બેઠક બાદ પ્રચાર માધ્યમો સાથે સંવાદ કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણને રોકવા તેમજ સંક્રમિતોની સારવાર સેવામાં રાજ્યમાં પહેલો કેસ નોંધાયો ત્યારથી જ સંપૂર્ણ તાકાતથી કાર્યરત છે.
લગભગ છેલ્લા પાંચ મહિનાથી દરરોજ સાંજે મુખ્ય મંત્રી નિવાસ સ્થાને હાઈ પાવર્ડ કોર ગ્રુપ મીટીંગ યોજી કોરોના સંદર્ભે વિવિધ નિર્ણયો અને તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે જિલ્લાની મુલાકાત લઇ કોરોના સંદર્ભે ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરીને વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓ સાથે પરામર્શ કરવાની રાજ્ય સરકારની નેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ એકંદરે નિયંત્રિત છે. કોરોના દર્દીઓ માટે ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમા ઉપલબ્ધ છે.
આ ઇન્જેક્શનોની દેશમાં કુલ આયાતમાંથી 55% ઇન્જેક્શન માત્ર ગુજરાત આયાત કરે છે એમ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના માનાંક મુજબ પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ ૪૦૦ વ્યક્તિના ટેસ્ટ થઈ રહ્યા છે. હાલ રાજ્યમાં દરરોજ ૨૫૦૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

મુખ્ય મંત્રીશ્રી એ ભાવનગર શહેરમાં ધન્વંતરી રથના માધ્યમથી ગીચ વિસ્તારોમાં જઇને લોકોના આરોગ્યની તપાસ કરવા તથા રથ દ્વારા નિયત સમયે નિયત સ્થળે સતત પંદર દિવસ સુધી લોકોની તપાસણી થતી રહે અને જરૂર જણાયે વધુ સારવાર માટે રિફર કરી શકાય એ પ્રમાણે કાર્ય આયોજન માટે સૂચવ્યું હતું.
રાજ્યની પહેલ એવા ધન્વંતરી રથની નોંધ દેશ અને દુનિયામાં લેવાઈ છે. ગુજરાત ની આ પહેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેસ સ્ટડી તરીકે લઇ શકાય તે માટે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સૂચવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે તથા જિલ્લાની સરહદે આવેલી ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ સઘન બનાવાશે.

શહેર-જિલ્લાના કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેલા લોકોના ટેસ્ટિંગ ઉપર ખાસ ભાર મૂકી આવા કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા લોકો માટે સંજીવની રથથી આરોગ્ય તપાસ-સારવાર સુવિધા ઉપલબ્ધ બનાવવા તેમજ રોગપ્રતિકારક શકિત વધે તે માટે નિયમિત ઉકાળાનું વિતરણ કરવા પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ સહિત ની હોસ્પિટલોમાં ફાયર સેફટી સુનિશ્ચિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
જ્યાં પણ ફાયર સેફટીની જોગવાઈઓનું પાલન નહીં થાય એ હોસ્પિટલ્સ સામે કડક પગલા લેવાની સૂચના પણ આપવામાં આવી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં રિકવરી રેટ 75.4 ટકા અને મૃત્યુ દર 3.5 ટકા જેટલો છે અને ગુજરાત કોરોના સંક્રમણમાં દેશમાં 12માં સ્થાને છે તેમ પણ અન્ય રાજ્યોની તૂલના કરતાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો-પ્રજાજનો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તથા વારંવાર હાથ ધોવા-સેનીટાઇઝ કરવાની સારી આદતો વ્યાપકપણે કેળવે તે માટે મિડીયાને પણ જાગરૂકતા ફેલાવવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી સાથેની આ સમીક્ષા બેઠકમાં રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રી મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ આ મુલાકાત માં જોડાયા હતા.
આ બેઠકમાં ભાવનગર જિલ્લા માટે કોરોના સારવાર, સંક્રમણ નિયંત્રણ અને માર્ગદર્શન માટે નિમાયેલ સચિવ શ્રીમતી સોનલ મિશ્રા, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. એ. ગાંધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરુણકુમાર બરનવાલ, પોલીસ અધીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સી એમ પી આર ઓ