hospital staff 1

હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતાં બે સગા ભાઈઓએ કોરોનાને મ્હાત આપી

સ્મીમેર હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતાં બે સગા ભાઈઓએ કોરોનાને મ્હાત આપી

hospital staff 1

પરમાર ભાઈઓએ ૧૪ દિવસ હોમ આઈસોલેશનમાં રહી કોરોનાને હરાવ્યો

કોરોના મહામારી સામે લડવામાં અમે પણ નિષ્ઠાપૂર્વક યોગદાન આપી રહ્યાં છીએ: કોરોનામુક્ત ભાઈઓ


સુરત:સોમવાર: કોરોના સામેની લડાઈમાં તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ સહિયારૂ યોગદાન આપી રહ્યાં છે. સ્મીમેર હોસ્પિટલના ઘણાં આરોગ્યકર્મીઓ કોરોના સામે લડતાં લડતાં કોરોનાગ્રસ્ત બની સ્વસ્થ થઈ પુન: ફરજ પર જોડાઈ ચૂક્યા છે. સ્મીમેરમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતા બે સગાં ભાઈઓ પણ એક સાથે કોરોનાગ્રસ્ત બન્યાં અને ૧૪ દિવસમાં કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઈ પૂર્વવત ફરજમાં જોતરાઈ ગયા છે.


૩૬ વર્ષિય નરેન્દ્રભાઈ પરમાર અને ૩૧ વર્ષિય યોગેન્દ્રભાઈ પરમાર સગાં ભાઈઓ છે. બંને ભાઈઓએ એકસૂરે કહ્યું હતું કે, ‘કોરોના દર્દીની સારવારમાં સ્મીમેરનું આરોગ્ય તંત્ર ખુબ મહેનત કરી રહ્યું છે, ત્યારે એક અદના સેવક તરીકે હોસ્પિટલની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવી એ અમારી નૈતિક ફરજ છે. કોરોના મહામારી સામે લડવામાં અમે પણ નિષ્ઠાપૂર્વક યોગદાન આપી રહ્યાં છીએ જેનો અમને ગર્વ છે.


પાલ વિસ્તારની સુમન છાયાં રેસિડેન્સીમાં રહેતાં નરેન્દ્રભાઈ પરમાર જણાવે છે કે, ‘હું છેલ્લાં ૧૪ વર્ષથી સ્મીમેરમાં વોર્ડ બોય તરીકે ફરજ નિભાવી રહ્યો છું. ફરજ દરમિયાન તા.૩૦મી જુને નાઈટ શિફ્ટની ફરજ પૂરી કર્યા પછી મને તાવ, શરદી, ઉધરસ અને માથાનો સખ્ત દુઃખાવો જેવા પ્રાથમિક લક્ષણ જણાયાં હતા. જોગાનુજોગ મારા નાના ભાઈ યોગેન્દ્રને પણ આ પ્રકારના લક્ષણો જોવાં
મળ્યાં હતા. યોગેન્દ્ર પણ સ્મીમેરમાં જ વોર્ડ બોય છે. જેથી અમે બંને ભાઈઓએ બીજા દિવસે સવારે તા.૦૧લી જુલાઈના રોજ સ્મીમેરમાં તપાસ કરાવતાં બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ડોક્ટરોની સલાહ મુજબ અમે હોમ આઈસોલેશનમાં રહી ૧૪ દિવસ સારવાર મેળવ્યા બાદ તા.૧૪ જુલાઇના રોજ અમારા કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ૧૪ દિવસ ઘરે જ સારવાર મેળવી કોરોનાને હરાવી તા.૧૫ જુલાઈના રોજ ફરી એકવાર અમે બંને ભાઈઓ એક સાથે ડ્યુટી પર હાજર થઇ ગયા હતા. કારણ કે હમણાં ‘સેવા એ જ પરમ ધર્મ’ને અનુસરી સેવા કરવાનો મોકો ભગવાને આપ્યો છે. અમે કોરોનાથી સુરત મુક્ત નહિ થાય ત્યાં સુધી ફરજમાં ક્યારેય પાછી પાની કરીશું નહી એમ તેમણે ઉમેર્યું હતું.


જોગાનુજોગ એક જ દિવસે કોરોનાગ્રસ્ત બન્યાં, સ્વસ્થ થયાં અને એક સાથે ફરજ પર જોડાઈને પોતાની જવાબદારીને યોગ્ય રીતે નિભાવી રહેલાં પરમારભાઈઓની કર્મનિષ્ઠાથી એવું જરૂર લાગે છે કે ‘કોરોના યોદ્ધાઓ હજું પણ હિંમત હાર્યા વિના કોરોના સામે લડવા સક્ષમ છે.’