Digital Gujarat Services: 20 સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ
Digital Gujarat Services: હવે સરકારી કામ માટે લાઇન નહીં! આવક દાખલો થી રાશનકાર્ડ સુધી 20 સેવાઓ મોબાઇલ પર ઉપલબ્ધ
Digital Gujarat Services: સૌથી વધારે અરજીઓ આવતી હોય તેવી 20 સેવાઓની ઓનલાઇન પ્રક્રિયાનું સરલીકરણ કરતી “સુગમ ડિજિટલ ગુજરાત” પહેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં સરકાર નાગરિકોનાં આંગણે આવી રહી છે અને સૌથી વધુ અરજીઓ ધરાવતી 20 સેવાઓને નાગરિક-કેન્દ્રી બનાવવા માટે હવે તેને ઓનલાઇન કરવામાં આવી રહી છે.
ગાંધીનગર, 23 માર્ચ: Digital Gujarat Services: ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને ઓનલાઇન કરવામાં આવી છે.GARCના અહેવાલ મુજબ, ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ હેઠળ ઉપલબ્ધ સેવાઓમાંની આશરે 4% સેવાઓ માટે સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ડિલિવરી પહેલેથી જ સક્રિય કરવામાં આવી છે.
હાલ મોટી સંખ્યામાં સેવાઓ જન સેવા કેન્દ્રો અને ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે સફળતાપૂર્વક પ્રદાન કરવામાં આવી રહી છે, જે રાજ્યની મજબૂત સેવા વ્યવસ્થા અને વ્યાપક ઉપલબ્ધતાને દર્શાવે છે તેમજ ડિજિટલ ઍક્સેસને વધુ વિસ્તૃત કરવાની વિશાળ તકો પણ પ્રદાન કરે છે.ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ હેઠળ દર વર્ષે અંદાજે 1.20 કરોડ અરજીઓ પ્રાપ્ત થાય છે, જેમાંથી આશરે 87 લાખ અરજીઓ આ 20 ઉચ્ચ-ટ્રાન્ઝેક્શન સેવાઓ હેઠળ પ્રાપ્ત થાય છે, જે આ સેવાઓના નાગરિક જીવનમાં રહેલા મહત્વને દર્શાવે છે.
આ જ દિશામાં આગળ વધતાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ વહીવટને પ્રોત્સાહન આપી સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે, જેથી નાગરિકોને સેવાઓ સરળતાથી અને આંગળીનાં ટેરવે ઉપલબ્ધ બની શકે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિકસિત ભારતનાં વિઝનને ગુજરાત સરકાર સાકાર કરી રહી છે. સરકારની સેવાઓમાં નાગરિક કેન્દ્રી વહીવટ કેન્દ્રમાં રહ્યો છે.

આ અભિયાનનાં પ્રથમ તબક્કે સૌથી વધુ અરજીઓ ધરાવતી 20 સેવાઓને આવરી લેવામાં આવી છે. જે 20 સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે તેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED), મહેસૂલ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ (FCS), કાયદા વિભાગ અને આદિજાતી વિકાસ વિભાગનો સમાવેશ થાય છે.
આ સેવાઓ નાગરિકો રાજ્ય સરકારનાં (Digital Gujarat Services) ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી મેળવી શકશે. આ સેવાઓમાં સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગની 11 સેવાઓ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની છ સેવાઓ, મહેસૂલ વિભાગની એક સેવા, કાયદા વિભાગની એક સેવા અને આદિજાતિ વિકાસ વિભાગની એક સેવાને આવરી લેવામાં આવી છે.
આ વિભાગોની સેવાઓ હવે ઓનલાઇન ઉપલબ્ધ થશે(Digital Gujarat Services)
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED): SEBC પ્રમાણપત્ર (ગ્રામીણ/શહેરી), નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (ગુજરાત અને ભારત સરકાર), SC પ્રમાણપત્ર, EWS પ્રમાણપત્ર અને આવકના દાખલા.
- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ (FCS): રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, સુધારો કરવો, અલગ રેશનકાર્ડ, નવું રેશનકાર્ડ અને ડુપ્લીકેટ રેશનકાર્ડ.
- મહેસૂલ વિભાગ: નકલ મેળવવાની વિનંતી (Request for Copy).
- કાયદા વિભાગ :અન્ય તૈયાર સોગંદનામું
- આદિજાતી વિકાસ વિભાગ: અનુસૂચિત જનજાતિ (ST) જાતિનું પ્રમાણપત્ર.
ડિજિટલ ગુજરાત અંતર્ગત આ પાંચ વિભાગોની ૨૦ નાગરીકલક્ષી સેવાઓની સૌથી વધુ અરજીઓ આવે છે. આ સેવાઓને ઓનલાઇન કરવાથી નાગરિકોના ડેટાની એકવાર એન્ટ્રી કર્યા બાદ તેને વિવિધ સેવાઓનાં પુન: ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત , બિનજરૂરી દસ્તાવેજોની માંગણી નાબૂદ કરી અરજી ફોર્મને અત્યંત સરળ બનાવવામાં આવ્યા છે. વધુમાં દસ્તાવેજોનું ડિજિટલ વેરિફિકેશન કરવામાં આવશે.
આધારકાર્ડ આધારિત ઓળખ, API દ્વારા ઓનલાઈન રેકોર્ડ ચકાસણી અને DigiLocker ઇન્ટિગ્રેશન કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, આ 20 સેવાઓનો લાભ મેળવવા માટે eSign સુવિધા, WhatsApp દ્વારા સેવા વિતરણ, QR કોડ ધરાવતા પ્રમાણપત્રો અને UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો:- Petrol Diesel News Gujarat: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ
સરકારનું ભવિષ્યનું આયોજન એવુ છે કે, આગમી સમયમાં આવી વધુ સેવાઓ સુગમ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ આવરી લેવી તથા, ગુજરાતી ભાષાના AI મોડલ્સ બનાવવા જેવા આધુનિક ટેક્નોલોજી આધારીત પ્રોજેક્ટસ હાથ ધરવા.
આ સુધારણાને કારણે વહીવટી પ્રક્રિયા સરળ થશે, નાગરિકોને રાહત થશે
- ઝડપી સેવા વિતરણ: GPR (ગવર્મેન્ટ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ) ના કારણે વહીવટી સ્તરે મંજૂરીના તબક્કાઓ ઘટશે, જેથી અરજીના નિકાલના સમયમાં ઘટાડો થશે.
- પારદર્શક્તા આવશે: સેવાઓ ‘ફેસલેસ’ બનતા ઓનલાઈન પોર્ટલ દ્વારા નાગરિકોને પારદર્શક સેવા મળશે.
- ખર્ચ અને સમયની બચત: નાગરિકોને કચેરીએ જવાની જરૂર રહેશે નહીં (Presence-less), જેનાથી પરિવહન ખર્ચ અને સમયની બચત થશે.
- ચોકસાઈભર્યો ડેટા: API અને application ડેટા ઇન્ટિગ્રેશનના કારણે સરકારી ડેટાની વિશ્વસનીયતા વધશે અને પ્રમાણપત્રોમાં થતી ભૂલો નહિવત થશે.

